કૃત્તિવાસ (પંદરમી સદી) : બંગાળીમાં સૌપ્રથમ રામકથા રચનાર મધ્યકાલીન કવિ. તે કૃત્તિવાસ પંડિત તરીકે ઓળખાતા. એમનો જન્મ હુગલી નદીને પૂર્વ-કિનારે ફલિયા ગામમાં થયો હતો. કૃત્તિવાસનો જન્મ થયો ત્યારે એમના દાદા ઓરિસાની યાત્રાએ જવાની તૈયારી કરતા હતા. એટલે એમણે નજીકના તીર્થસ્થળમાંનાં શિવના એક નામ પરથી બાળકનું નામ કૃત્તિવાસ રાખ્યું. એ બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે એને ઉત્તર બંગાળ મોકલવામાં આવ્યો. ત્યાં એના કેટલાક સંબંધીઓ રાજાને ત્યાં નોકરી કરતા હતા. શિક્ષણ પૂરું થતાં એણે રાજાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે પુષ્પમાળા અને ચંદનથી સુવાસિત જળ અને રેશમી ઉત્તરીય આપીને રાજાએ કૃત્તિવાસનું સન્માન કર્યું. પ્રસન્નચિત્તે એ ઘેર પાછા આવ્યા અને રામકથા બંગાળીમાં છંદોબદ્ધ કરી. એમનું એ રામાયણ બંગાળીમાં પ્રચલિત ‘પાંચાળી’ પ્રકારનાં આખ્યાન-કાવ્યોની શ્રેણીનું છે. વળી કૃત્તિવાસનું રામાયણ વાલ્મીકિના રામાયણથી અનેક પ્રકારે ભિન્ન છે. એમાં રામસીતાનાં લગ્ન બંગાળમાં પ્રચલિત વિધિ અનુસાર થાય છે. સીતા બંગાળની જ કોઈ કુળવધૂ હોય એવી લાગે છે. રામ પરણવા આવે છે, ત્યારે મિથિલાપુરીની સ્ત્રીઓ શંખ વગાડી, હુલુધ્વનિથી વરયાત્રાનું સ્વાગત કરે છે; સીતાને પાટલા પર બેસાડી, એનાં મોસાળિયાં પાટલાને ઊંચકી સીતાને ચૉરીમાં પધરાવે છે. બંગાળ શક્તિપૂજક હોવાથી શક્તિપૂજાનો પ્રસંગ વિસ્તારથી વર્ણવાયો છે. રાવણે જેમ અંબિકાની સ્તુતિ કરીને વરદાન મેળવ્યું હતું તેમ કૃત્તિવાસના રામ પણ દુર્ગાપૂજા કરી દેવીને પ્રસન્ન કરે છે. સીતાહરણ પછી રામ હનુમાન પાસે નીલકમળો મંગાવી દેવીની આરાધના કરે છે અને એક પછી એક નીલકમળ દેવીને ચઢાવતા જાય છે. રામની પરીક્ષા કરવા દેવી એક કમળ ઉપાડી લે છે. છેવટે એક કમળ ખૂટ્યું ત્યારે રામને ચિંતા થઈ. પૂજા અધૂરી ન રહેવી જોઈએ. રામને વિચાર આવ્યો કે મને બધા નીલકમલાક્ષ કહે છે તો મારાં નયન ખીલેલાં નીલકમળો છે. એ દેવીને અર્પણ કરી સંકલ્પ પૂરો કરીશ. એમ વિચારી ભાથામાંથી તીર લઈને તેનાથી પોતાની આંખ કાઢવા ગયા ત્યારે દેવીએ પ્રસન્ન થઈ તેમનો હાથ પકડી લીધો ને કહ્યું : ‘તમારો સંકલ્પ પૂરો થયો. મારે તમારી આંખ નથી જોઈતી. આમ સ્થાનિક વાતાવરણ ઊભું કરીને મૂળ રામાયણમાં ફેરફાર કર્યો છે, પણ વાલ્મીકિ રામાયણમાંનું રામનું વ્યક્તિત્વ યથાતથ જાળવી રાખ્યું છે. કૃત્તિવાસ પંડિત એટલા બધા લોકપ્રિય થયા કે એમના રામાયણમાં યુગે યુગે ઉમેરણ થતું ગયું; માત્ર પ્રસંગો જ નહિ, પણ રામાયણની ભાષામાં પણ યુગાનુરૂપ પરિવર્તન થતું ગયું. આથી મૂળ સ્વરૂપ કેવું હતું તે નિશ્ચિત રૂપે કહી શકાતું નથી.
કૃત્તિવાસના રામાયણનું મુદ્રણ 1802માં શ્રીરામપુરના મિશન પ્રેસમાં થયેલું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરોને બંગાળી શીખવવા માટે એ મુદ્રણ કરવામાં આવેલું.
નિવેદિતા બસુ