કૃત્તિકા (pleiades) : કારતક માસની રાત્રીના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં રોહિણીની સહેજ નીચે અને મૃગશીર્ષની સહેજ ઉપર આવેલું ખાસ ધ્યાન ખેંચતું તારાનું ઝૂમખું. વિવૃત ગુચ્છ (open cluster) કે મંદાકિનીય ગુચ્છ (galactic cluster) તરીકે ઓળખાતા તારાનાં ઝૂમખાંમાં આ ઝૂમખું ઘણું જ જાણીતું છે. ખગોળની ર્દષ્ટિએ નજીકના ભૂતકાળમાં હાઇડ્રોજન વાયુના અણુઓના વાદળનું એકત્રીકરણ થવાથી આ પ્રકારનાં તારાનાં ઝૂમખાં સર્જાયાં હતાં. નરી આંખે જોતાં આ ઝૂમખામાં આઠથી દસ જેટલા તારા દેખાય છે; પણ દૂરબીનમાંથી જોતાં ઘણા વધારે તારા જોવા મળે છે, ઘનિષ્ઠ અભ્યાસ પરથી જણાયું છે કે આ ઝૂમખાના આશરે 250થી 500 જેટલા તારા છે. આ ઝૂમખાના તારા એક આછા સફેદ રંગે પ્રકાશતા વાદળના આવરણમાં રહેલા જણાય છે. ઝૂમખાના તારાની ઉત્પત્તિ નજીકના ભૂતકાળમાં થયેલી હોવાથી આ તારાની આસપાસ ધૂલીય રજકણો(dust particles)નું આવરણ હજી પણ વીંટળાયેલું જ છે. આ રજકણો દ્વારા તારાના પ્રકાશનું વિખેરણ (scattering) થવાને કારણે આ પ્રકારનું પ્રકાશિત આવરણ જેને પરાવર્તન-નિહારિકા (reflection-nebula) કહે છે, તેનું સર્જન છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ