કૂ સી (જીવનકાળ આશરે 1060થી 1080; જન્મસ્થળ : વેન-સિન, લો-યાન્ગ, ચીન) : સૂન્ગ રાજવંશ દરમિયાન ઉત્તર ચીનના સૌથી વધુ પ્રખ્યાત ચિત્રકાર. પ્રકૃતિમાં જોવા મળતા વિવિધ ઋતુઓના પ્રભાવને આલેખવામાં એમનું નૈપુણ્ય બેનમૂન ગણાયું. માત્ર એકરંગી (monochromatic) હોવા છતાં એમનાં ચિત્રોમાં નિસર્ગની અલગ અલગ ઋતુનું તાર્દશ આલેખન જોવા મળે છે. એમનાં ચિત્રોમાંથી જૂજ બચ્યાં છે. એમાં ‘અર્લી સ્પ્રિન્ગ ઑવ્ 1072’ અને ‘ઑટમ ઇન એ રિવર વૅલી’નો સમાવેશ થાય છે.

નિસર્ગચિત્રણા વિશે એમણે લખેલી નોંધો ‘લૉફ્ટી રેકર્ડ્ઝ ઑવ્ ફૉરેસ્ટ્સ ઍન્ડ સ્ટ્રીમ્સ’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થઈ છે. એમાં એમણે શ્રેષ્ઠ નિસર્ગચિત્રનું લક્ષણ ‘જેને જોઈને દર્શકને તેમાં આળોટવાનું મન થાય’ – એને ગણાવ્યું છે.

અમિતાભ મડિયા