કૂવો (નવલકથા) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી અશોકપુરી ગોસ્વામી કૃત નવલકથા. આ નવલકથા (1994) 1950 આસપાસના બેત્રણ દાયકાના ચરોતરના ખેડૂત સમાજની જીવનરીતિ તથા સમસ્યાઓને તાગવા તાકે છે. એક વર્ગ બીજા વર્ગનું, – એક ભાઈ બીજા ભાઈનું – કોઈ ને કોઈ રીતે શોષણ કરે જ છે. ‘કૂવો’ પાટીદાર અને બારૈયા કોમના ખેડૂતવર્ગનાં હિતોમાંથી જન્મતા અન્યાય, અત્યાચાર અને એની સામેના સંઘર્ષની કથા છે. ઈશ્વર પેટલીકરે જે સમયગાળામાં (1940થી 1965 મુખ્યત્વે) કથાલેખન કર્યું એ જ ગાળાની પ્રજાજીવનની સમસ્યાઓને ‘કૂવો’ના લેખક પાછા પગલે જઈને આમંત્રે છે. બારૈયાવર્ગ પર ગામડામાં પોસાતા – સમૃદ્ધ પટેલો રોફ જમાવતા અને કોઈ ને કોઈ રીતે નમાવતા. ‘કૂવો’ ગામમુખીનાં અહમ્-આડાઈ-અવળચંડાઈને લીધે જન્મતા સંઘર્ષની રસિક કથા છે.

બારૈયા ડુંગર-દરિયા પતિપત્ની છે. સુખે સંસાર ચાલે છે પણ ખેતીમાં પાડોશી ખેતરવાળો મુખી પજવ્યાં કરે છે. બાપદાદાના વખતનો સહિયારો કૂવો છે. કૂવામાં ડુંગરનો બીજો ભાગ છે ને મુખીનો ત્રીજો છે. આમ છતાં મુખી ડુંગરનાં ખેતર પિવરાવવા પાણીનો વારો આવવા જ દેતો નથી. ડુંગર દબાયેલો-ચંપાયેલો રહે છે; પણ પત્ની દરિયાને આ ગમતું નથી. એ કાયદેસરના વારા માટે આગળ આવે છે એય ઘરમાં દાજી જેવા વડીલોને ગમતું નથી; પણ છેવટે સૌને દરિયાની વાત સમજાય છે કે હક્ક માટે લડી લેવું. આમ દરિયાની હિંમતથી મુખી પાછો તો પડે છે પણ કપટ રમે છે ને ખેતીને નુકસાન કરાવવા સાથે ડુંગરને ગાંડો થઈ જાય એટલો માર મરાવે છે. છેવટે દરિયા કંકાશિયો કૂવો જ પુરાવી દે છે ને નવો આગવો કૂવો ખોદાવીને એન્જિન મુકાવે છે. બધે તેની વાહવાહ થાય છે. જોકે આ કામ કરતાં – કરાવતાં દરિયાએ ભારે સંઘર્ષ વેઠવો પડે છે. ‘જનમટીપ’ની ચંદા જેવી દરિયા પણ જિદ્દે ચઢીને સફળતા મેળવે છે. કથા એના સંઘર્ષને આલેખવામાં જ ખર્ચાય છે.

ગામડાંનો સમાજ, ખેતી ખેતરસીમનું વાતાવરણ, જીવનના દાવ ખેલતાં લોકો સામે સચ્ચાઈથી જીવતાં મનેખોની ભલાઈ – આ બધું સહજ તળપદ ભૂમિકાએ તથા લોકબોલીમાં સારી રીતે આલેખાયું છે. ક્યાંક મેલોડ્રામેટિક વર્ણનો કે પાત્રોની અતિ ગુણિયલતા મર્યાદા બને છે; છતાં ‘કૂવો’ જીવતરનું પ્રતીક બનીને કેટલાક મહત્વના સંકેતો કરે છે. કથાસંકલના, ભાષારચના, ચરિત્રચિત્રણની ર્દષ્ટિએ પણ આ નવલકથા ધ્યાનપાત્ર છે.

મણિલાલ હ. પટેલ