કૂવિયર, જૉર્જેસ બૅરોન (જ. 23 ઑગસ્ટ 1769, મોનેબેલિયાર્ડ, ફ્રાંસ; અ. 13 મે 1832, પેરિસ, ફ્રાંસ) : જીવાવશેષવિજ્ઞાન (paleontology) અને પ્રાણીવિજ્ઞાનના ફ્રેન્ચ વિશારદ. કૂવિયર જર્મનીના સ્ટુટગાર્ટમાં પ્રાણીશરીરરચના(animal morphology)નો અભ્યાસ કરી સ્નાતક બન્યા. તુલનાત્મક શરીરરચનાના પ્રખ્યાત મ્યુઝિયમ ઑવ્ નેચરલ હિસ્ટરીના પ્રાણીવિજ્ઞાનના પ્રૉફેસર ઑટિને જ્યોફ્રૉય સેંટ હિલેરના સંપર્કમાં આવ્યા, જેમના અનુરોધથી કૂવિયર મ્યુઝિયમમાં જોડાયા. ત્યાં દુનિયાભરમાંથી લાવેલા નમૂનાનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને ક્રમબદ્ધ એટલે કે વર્ગીકરણાત્મક (systematic) પ્રાણીસૃષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ખાસ કરીને જીવંત તેમજ અશ્મીભૂત પ્રાણીઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીને, તુલનાત્મક પ્રાણીશરીરરચનાના સંશોધનમાં તેમણે ઘણી પ્રગતિ કરી. જીવાવશેષવિજ્ઞાનના પ્રણેતા તરીકે પણ તે જાણીતા હતા.

કૂવિયર એમ માનતા હતા કે પ્રાણીના કોઈ એક ભાગના સૂક્ષ્મ અભ્યાસ પરથી તે પ્રાણીની અનુકૂલન(adjustment)ને લગતી લાક્ષણિકતાઓને તારવી શકાય. વળી સમાન અંગો ધરાવતાં પ્રાણીઓની આદતો પણ સમાન હોય છે. આવાં પ્રાણીઓને વર્ગીકરણની દૃષ્ટિએ તેમણે એક જ સમૂહમાં મૂક્યાં. ભિન્ન લક્ષણો ધરાવતાં પ્રાણીઓની ગોઠવણી રૈખિક ક્રમ(linear sequence)માં ન થઈ શકે તેવું તે પ્રતિપાદિત કરતા. કૂવિયરે પ્રાણીસૃષ્ટિને ચાર સમૂહમાં ગોઠવી – અરિયકો (radiata), સંધિસ્થો (articulata), મૃદુકાયો (mollusca) અને પૃષ્ઠવંશી (vertebrata).

જીવંત તેમજ અશ્મીભૂત પ્રાણીઓને જોડતી કડી વિશે તેમને માહિતી ન હતી. તેમને ઉત્ક્રાંતિવાદ અસ્વીકાર્ય હતો. તે માનતા કે સજીવો સર્જન(creation)થી અસ્તિત્વમાં આવ્યા છે. તે એમ કહેતા કે નિમ્ન સ્તરમાં મળતાં પ્રાણીઓ અણધારી આપત્તિને કારણે લુપ્ત થયાં છે. જોકે નિમ્ન સ્તરનાં પ્રાણીઓની માફક ઉચ્ચ સ્તરે મળતાં પ્રાણીઓ પણ સંકીર્ણ સ્વરૂપનાં હોય છે તેનો સ્વીકાર પણ તેમને કરવો પડ્યો છે.

કૂવિયરે અવારનવાર હાંસલ કરેલ સિદ્ધિઓ બદલ તેમની કદર કરવામાં આવી હતી. 1811માં તેમને ‘કૅવેલિયર’ તરીકે બિરદાવવામાં આવેલા. 1831માં બેરૉન અને પિયરના ખિતાબથી તેમનું સન્માન થયું હતું. તેમની ફ્રેંચ સરકારમાં આંતરિક મંત્રાલય(interior ministry)માં પણ નિયુક્તિ થઈ હતી તે પ્રાણીવિજ્ઞાનની પ્રગતિમાં તેમણે આપેલ મહત્ત્વના ફાળાનું પરિણામ હતું.

મ. શિ. દૂબળે