કૂમાયલ કલી (1950) : સ્વતંત્ર ભારતની પ્રથમ સિંધી લેખિકા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર તારા મીરચંદાણી (1930)કૃત સિંધી નવલકથા. ‘કૂમાયલ કલી’માં પુરુષ નિયંત્રિત સમાજમાં પુરુષની સ્વાર્થી મનોવૃત્તિ અને સ્ત્રીની પરાધીન સ્થિતિનું ચિત્રણ થયું છે. સમાજમાં પ્રચલિત કુરિવાજો, કાળગ્રસ્ત થયેલી રૂઢિઓ અને વિસંગતતાને આલેખીને એ સમાજસ્વાસ્થ્ય માટે કેટલી ભયાનક છે તેનું લેખિકાએ આ નવલકથામાં પ્રતીતિકર રીતે આલેખન કર્યું છે. નારીની સહનશક્તિ અને અંતર્મનમાં વ્યાપ્ત વિદ્રોહનું સરળ ભાષા અને વેધક શૈલીમાં નિરૂપણ થયું છે.
જયંત રેલવાણી