કૂપર, આર્ચિબાલ્ડ સ્કૉટ (Couper, Archibald Scott [kooper]) (જ. 31 માર્ચ 1831, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1892, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ) : બ્રિટિશ કાર્બનિક રસાયણવિદ અને સંરચનાકીય કાર્બનિક રસાયણના અગ્રણી. તેમણે ઑગસ્ટ કેકુલેથી સ્વતંત્રપણે કાર્બનની ચતુ:સંયોજકતાનો અને એક કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે બંધ રચી શકે છે તેવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો.

શાળાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ કૂપરે વિવિધ વિષયોનો અભ્યાસ કર્યો હતો : ગ્લાસગોમાં શિષ્ટ સાહિત્યનો તો એડિનબર્ગમાં ફિલૉસૉફીનો. વચ્ચે વચ્ચે જર્મનીની મુલાકાત લઈ જર્મન ભાષા પણ ઝડપથી શીખી લીધેલી. 1854 અને 1856 વચ્ચે તેમણે રસાયણશાસ્ત્ર પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. 1858 સુધીમાં તેમણે બે વર્ષ પૅરિસમાં ગાળી બેન્ઝિન-સંયોજનો ઉપર સંશોધન કરેલું. તે જ વર્ષની શરૂઆતમાં તેમણે ‘ઓન એ ન્યૂ કેમિકલ થિયરી’ નામનો સંશોધનલેખ તૈયાર કર્યો અને આ સંશોધનપત્ર ફ્રેન્ચ અકાદમી સમક્ષ રજૂ કરવા ચાર્લ્સ વુર્ટ્ઝને કહ્યું; પરંતુ વુર્ટ્ઝે તેમ કરવામાં વિલંબ કર્યો અને તેથી કૂપરનો લેખ પ્રકાશિત થયો તેના થોડા સમય પહેલાં કેકુલેએ કાર્બનિક સંરચનાના સિદ્ધાંત અંગેનો પોતાનો લેખ પ્રસિદ્ધ કર્યો. કૂપરનું દૃષ્ટિબિંદુ આવું જ હતું અને વધુ સ્પષ્ટ રીતે રજૂ થયું હતું. તેમણે રજૂઆત કરી હતી કે કાર્બન 2 અથવા 4 સંયોજકતા ધરાવી શકે; અને તેના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ શૃંખલા બનાવી શકે. તેમણે બંધિત (bonded) પરમાણુઓને જોડવા માટે ત્રુટક રેખાઓનો ઉપયોગ કરી રાસાયણિક સંરચનાઓ દર્શાવી. આ બાબતમાં કૂપરના વિચારો કેકુલે કરતાં આગળ હતા; પરંતુ કેકુલેનો લેખ પ્રથમ પ્રકાશિત થયો હોવાથી તેઓ માન ખાટી ગયા. આ અંગે કૂપરે વુર્ટ્ઝ સાથે ઝઘડો કર્યો અને એડિનબર્ગ પાછા ફર્યા. પણ આનાથી ઉદભવેલી ખિન્નતાને કારણે તેઓ માંદા પડ્યા, જેમાંથી તેઓ કદી સાજા થયા નહિ. માનસિક નબળાઈની આ સ્થિતિમાં તેઓ રસાયણવિદ તરીકે અવગણના પામીને 33 વર્ષ જીવ્યા હતા.

બેન્ઝિનના ચક્રીય બંધારણ અંગેનું માન કેકુલેને (1865) મળેલું પરંતુ તે બીના ભાગ્યે જ જાણીતી છે કે તેનાથી 7 વર્ષ પહેલાં કૂપરે સેલિસીલિક ઍસિડ અને ફૉસ્ફરસ પેન્ટાક્લોરાઇડ વચ્ચેની વિષમચક્રીય પ્રક્રિયાની નીપજ માટે વલયસંરચના (ring structure) સૌપ્રથમ સૂચવેલી.

જ. દા. તલાટી