કૂપમન્સ, જાલિંગ સી. (જ. 28 ઑગસ્ટ 1910, ગ્રેવલૅન્ડ, નેધરલૅન્ડ; અ. 26 ફેબ્રુઆરી 1986, ન્યૂહેવન, કનેક્ટિકટ, યુ.એસ.) : વિશ્વવિખ્યાત અર્થમિતિશાસ્ત્રજ્ઞ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકના વિજેતા. ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે યુટ્રેક્ટ યુનિવર્સિટીમાંથી એમ. એ. (1933) તથા લાયડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.(1936)ની પદવી મેળવી. 1936-38 દરમિયાન નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક. 1938-40 દરમિયાન જિનીવા ખાતે લીગ ઑવ્ નૅશન્સના મુખ્ય કાર્યાલયમાં સંસ્થાના નાણાસચિવ. 1940-41માં અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાષ્ટ્રોના એલાઇઝ કમ્બાઇન્ડ શિપિંગ એડજસ્ટમેન્ટ બોર્ડ સાથે કામ કર્યું (1941-45). યુદ્ધની સમાપ્તિ પછી શિકાગોમાં કોલ્સ કમિશન ખાતે સંશોધનકાર્ય કર્યું. 1946-48ના ગાળામાં શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ઍસોસિયેટ પ્રોફેસર તથા 1948-55 દરમિયાન તે જ યુનિવર્સિટીમાં પ્રોફેસરનું પદ શોભાવ્યું. 1955માં કોલ્સ કમિશન શિકાગોથી યેલ યુનિવર્સિટી ખાતે સ્થાનાંતરિત થતાં તેમાં જોડાયા તથા 1961-67 દરમિયાન કોલ્સ કમિશનના નિયામક તરીકે સેવા આપી.

જાલિંગ સી. કૂપમન્સ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શિપિંગ એડજસ્ટમેન્ટ બૉર્ડમાં હતા, ત્યારે જ ઇષ્ટતમ સાધન-ફાળવણીને ગાણિતિક-આંકડાશાસ્ત્રીય વિશ્લેષણના અભિગમ દ્વારા સમજાવવા માટેના તેમના સંશોધનકાર્યના શ્રીગણેશ થયેલા. રેખીય સંબંધ પર આધારિત રેખીય (linear) પ્રોગ્રૅમિંગની પદ્ધતિ દ્વારા સામાન્ય સમતુલાનો સિદ્ધાંત તારવવાનો તેમનો અભિગમ તેમનું વિશિષ્ટ પ્રદાન ગણાય છે. અર્થમિતિશાસ્ત્રના વિકાસમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. ઘણાં પ્રતિષ્ઠિત મહાવિદ્યાલયો તથા શિક્ષણસંસ્થાઓના તેઓ માનાર્હ સભ્ય (fellow) છે. ઉપરાંત ઘણી યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની માનાર્હ પદવીઓ એનાયત કરેલી છે. 1975ના વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના તેઓ રશિયન અર્થશાસ્ત્રી લિઓનિડ કોન્ટોરોવિચ સાથે સહવિજેતા હતા.

તેમણે લખેલા જાણીતા ગ્રંથો : ‘ઍક્ટિવિટી એનૅલિસિસ ઑવ્ પ્રોડક્શન ઍન્ડ ઍલોકેશન’ (1951) ‘ઇકોનૉમૅટ્રિક મેથડ્ઝ’ (1953) અને, ‘થ્રી એસેઝ ઑન ધ સ્ટેટ ઑવ્ ઇકૉનૉમિક સાયન્સ’ (1957) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે