કૂન રિકાર્ડ (જ. 3 ડિસેમ્બર 1900, વિયેના; અ. 1 ઑગસ્ટ 1967, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન જૈવરસાયણવિદ. 1922માં મ્યુનિક યુનિવર્સિટીમાંથી વિલસ્ટેટરની દેખરેખ નીચે ઉત્સેચકો વિશે સંશોધનકાર્ય કરીને ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1926થી 1929નાં વર્ષો દરમિયાન ઝ્યુરિકની ટૅક્નિકલ સ્કૂલમાં કામ કર્યું. ત્યારપછી હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે અને પછી કૈસર વિલહેલ્મ
ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ(પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ)માં અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. 1948થી તે Liebigs Annelen der Chemicના સંપાદક હતા. વિટામિન અને કેરોટિનૉઇડ સંયોજનોનાં બંધારણ નક્કી કરવાના સંશોધનકાર્ય માટે તેમને 1938નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવાનું જાહેર થયેલું, પણ નાઝી સરકારે તેમને પારિતોષિક લેવા માટે મનાઈ ફરમાવી હતી. જોકે બીજા વિશ્વયુદ્ધના અંતે તેમણે પ્રશસ્તિપત્ર અને સુવર્ણચંદ્રક મેળવેલાં. તેમણે વિટામિન B1 (રિબોફ્લેવિન) અને વિટામિન B6 (પાયરિડૉક્સિન)નું બંધારણ નક્કી કરીને તેનું સંશ્લેષણ કર્યું. ગાજરમાંથી છૂટા પાડેલ કૅરોટિનમાં ત્રણ સમઘટકો હોય છે તેમ તેમણે પુરવાર કર્યું. તેમણે વિટામિન A અને કેરોટિનૉઇડ્સ વચ્ચે સંબંધ છે તેમ બતાવ્યું. પહેલાં તેમણે ડાયફિનાઇલ પૉલિઇન્સનું સંશ્લેષણ કર્યું અને છેવટના સમયમાં પેન્ટોથેનિક અને એસ્કોર્બિક ઍસિડ(Vitamin C)નું પણ સંશ્લેષણ કર્યું હતું.
પ્રવીણસાગર સત્યપંથી