કૂનિન્ગ, વિલેમ (જ. 24 એપ્રિલ 1904, રોટર્ડૅમ, હોલૅન્ડ; અ. 19 માર્ચ 1997) : આધુનિક અમૂર્ત ચિત્રણાની ઍક્શન પેઇન્ટિંગ શાખામાં કામ કરનાર અમેરિકાના અગ્રણી ચિત્રકાર.

વિલેમ કૂનિન્ગ

1926માં કૂનિન્ગ હોલૅન્ડથી ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા આવ્યા. 1940 સુધી તેમણે વાસ્તવવાદી ઢબે વ્યક્તિચિત્રો ચીતર્યાં. 1940માં તેઓ અમૂર્ત ચિત્રણામાં કામ કરનાર અમેરિકાના એક ચિત્રકાર એર્શાઇલ ગૉર્કીના સંપર્કમાં આવ્યા. હવે ગૉર્કી ઉપરાંત ચિત્રકાર જિયાકૉમેતી(Giacometti)નો પ્રભાવ પણ તેમની પર પડ્યો અને તેમનું ચિત્રસર્જન વધુ ને વધુ અમૂર્ત થતું ગયું; જેમાં આવેગ અને જોશભેર મારેલા પીંછીના લસરકાનું સૌથી વધુ મહત્ત્વનું ગણાયું. આ પદ્ધતિને અગાઉ અમૂર્ત અમેરિકન ચિત્રકાર જેક્સન પૉલૉકે ‘ઍક્શન પેઇન્ટિંગ’ કહી ઓળખાવેલી; જેમાં ચિત્ર ચીતરવાની આવેગમય અને આવેશમય પ્રક્રિયા પર સૌથી વધુ ભાર અને મદાર મૂકવામાં આવે છે. પીંછીના અત્યંત રુક્ષ લસરકા વડે ચિત્રિત કૂનિન્ગનાં અમૂર્ત ચિત્રોમાં ક્વચિત્ માનવઆકૃતિઓનું પણ આછુંપાતળું સૂચન જોઈ શકાય છે. આ આકૃતિઓ પિશાચ અને ડાકણો જેવી બિહામણી ભાસતી હોય છે.

અમિતાભ મડિયા