કૂદકૂદિયાં : શેરડી, જુવાર, મકાઈ અને ઘઉં જેવા પાકને નુકસાન પહોંચાડતી ચૂસિયા જીવાત. આ ચૂસિયાનો સમાવેશ વર્ગ કીટક, શ્રેણી અર્ધપક્ષ(hemiptera)ના લોફોપિડી કુળમાં કરવામાં આવે છે. ભારતમાં શેરડીનું વાવેતર કરતા બધા પ્રદેશોમાં કૂદકૂદિયાંનો ઉપદ્રવ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આ જીવાતને હવામાન અનુકૂળ હોવાથી ત્યાં તેનો ઉપદ્રવ વધારે હોય છે. પુખ્ત કૂદકૂદિયું ઘાસિયા રંગનું હોય છે અને તેની પાંખો શરીર પર છાપરાની માફક ત્રાંસી ઢળતી ગોઠવાયેલી હોય છે. તેનાં મુખાંગો એકત્રરૂપે પક્ષીની લાંબી ચાંચ જેવો એક અવયવ બનાવે છે. માદા કૂદકૂદિયાં પાનની ભૂંગળીમાં અથવા પાનની નીચે સમૂહમાં ઈંડાં મૂકે છે અને તેમને સફેદ રુવાંટીથી ઢાંકી દે છે. બચ્ચાં પીળાશ પડતા સફેદ રંગનાં અને પીંછા જેવી બે પૂંછડી ધરાવે છે. બચ્ચાં તેમજ પુખ્ત કીટક પાનમાંથી રસ ચૂસે છે. પરિણામે પાન પીળાં પડી સુકાઈ જાય છે. કૂદકૂદિયાંના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ ઝરતો હોય છે તે પાન પર પડવાથી ત્યાં કાળી ફૂગ વિકાસ પામે છે અને પાન પણ કાળાં થઈ જાય છે. તેની માઠી અસર પ્રકાશસંશ્લેષણ-પ્રક્રિયા પર થઈને શેરડીનો વિકાસ રૂંધે છે. પરિણામે પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ખાંડ તેમજ ગોળનાં ઉત્પાદન અને ગુણવત્તા પર તેની અસર થાય છે. દક્ષિણ ગુજરાતના શેરડી ઉગાડતા વિસ્તારમાં આ જીવાતનાં બચ્ચાં તેમજ પુખ્ત કીટક પર બાહ્ય પરજીવી તરીકે રહીને એપીરીકેનિયા મેલાનોલ્યુકા કૂદકૂદિયાંના વધતા ઉપદ્રવને અટકાવે છે. તેથી આ બાહ્ય પરજીવી પૂરતા પ્રમાણમાં જોવા ન મળતાં હોય તેવા વિસ્તારમાં ડાયમેથોએટ 0.03 %, ફેનિટ્રૉથીઑન 0.025 %, એન્ડોસલ્ફાન 0.07 % પ્રવાહી મિશ્રણ પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ હેક્ટરે 1000 લીટર પ્રમાણે કરવામાં આવે છે. પહેલો છંટકાવ ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અને બીજો છંટકાવ પહેલા છંટકાવ પછી એક મહિને કરાય છે. જો આ છંટકાવ એકસાથે હવાઈ વાહન દ્વારા થાય તો સારાં પરિણામ મેળવી શકાય છે. હવાઈ છંટકાવથી નિયંત્રણનાં પગલાં ભરાતાં હોય ત્યાં હેક્ટર દીઠ મેથાઇલ-ઓડીમેટોન 25 Ec 875 મિલી., ડાયમેથોએટ 30 Ec 875 મિલી., ફોસ્ફોમિડોન 100 Ec 375 મિલી. ને ફેનીટ્રૉથિયોન 50 Ec 1125 મિલી.માંથી કોઈ પણ એક કીટનાશક દવા વાપરવી હિતાવહ ગણાય છે.
પરબતભાઈ ખી. બોરડ
પી. એ. ભાલાણી