કૂતરાં

શ્રેણી :  માંસાહારી (carnivora); કુળ Canidaeનું Canis. familiaris નામથી ઓળખાતું અને માનવને સૌથી વધારે વફાદાર એવું જાણીતું સસ્તન પ્રાણી. કૅનિડે કુળ 14 પ્રજાતિ અને આશરે 35 જાતિઓમાં વહેંચાયેલું છે. ન્યૂઝીલૅન્ડ અને વેસ્ટ ઇંડિઝને બાદ કરતાં, બધે સ્થળે જંગલી કૂતરાં વાસ કરે છે. ભારતમાં વસતાં જંગલી કૂતરાંને ઢોલ કહે છે. ઑસ્ટ્રેલિયાનાં જંગલી કૂતરાં (Canis dingo) અને ન્યૂગિનીનાં જંગલી કૂતરાં (C. hallstromi)ને અમુક પાળેલાં કૂતરાંના પૂર્વજો તરીકે ગણવામાં આવે છે. જંગલી કૂતરાં ઉપરાંત, વરુ અને શિયાળ જેવાંનો સમાવેશ પણ કૅનિડે કુળમાં થાય છે. આ કુળનાં પ્રાણીઓ દોડવા માટે અનુકૂલન પામેલાં હોય છે અને ભક્ષ્યની પાછળ દોડતાં હોય છે. તેમના પગ લાંબા અને પાતળા, શરીર માંસલ અને મજબૂત તેમજ હાથપગ કુંઠિત નહોરયુક્ત હોય છે. જીભ અને જડબાં સારી રીતે વિકાસ પામેલાં હોય છે. ખોપરી લાંબી હોય છે અને તે દોડતા ભક્ષ્યને પકડવા તથા ફાડી ખાવા માટે ખાસ અનુકૂલન પામેલી હોય છે. દાંતની સંખ્યા 42 જેટલી હોય છે. સામાન્ય દાંત લાંબા, રાક્ષી (canine) મજબૂત જ્યારે દારક (carnassial) દાંત માંસના ટુકડા કરવા માટે ટેવાયેલા હોય છે. હાડકાંવાળું શિશ્ર્ન અને ગંઠિત સમાગમ આ કુળનાં પ્રાણીઓની વિશેષતા છે. આશરે 9 અઠવાડિયાંના ગર્ભ-વિકાસ પછી માદા બચ્ચાંને જન્મ આપે છે.

વરુને કૂતરાના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે. કૂતરાના દાંત વરુના જેવા હોય છે. જોકે તેની કેટલીક ખાસિયતો શિયાળના જેવી હોય છે. કૂતરામાં પાળ્યા પહેલાં ભસવાનો અને ઘૂરકવાનો વિકાસ થયો હશે એમ માનવામાં આવે છે.

શરૂઆતમાં માનવ, કૂતરાનો ઉપયોગ ખોરાકની અછતના સમયમાં માંસ માટે તેમજ ઠંડીમાં હૂંફ મેળવવાના હેતુથી પણ કરતો હશે. ઇંગ્લૅંડ અને ઈરાનમાંથી મળેલા ભૂસ્તરીય અવશેષો પરથી પાલતુ કૂતરાનો વિકાસ આશરે 10,000થી 14,000 વર્ષો પૂર્વે થયો હશે તેમ માની શકાય. માનવીએ કરેલી પસંદગી અને સંવર્ધનની જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગથી તેનાં અનેક વિશિષ્ટ લક્ષણોનો વિકાસ થયો હશે અને જુદી જુદી નસલો અસ્તિત્વમાં આવી હોય તેવી શક્યતા છે.

કૂતરાં ઊંચાઈમાં 12 સેમી.થી 90 સેમી. જેટલાં, જ્યારે વજનમાં 1થી 100 કિગ્રા. જેટલાં હોય છે. આકાર પરથી અને નસલ અનુસાર કૂતરાંનું વર્ગીકરણ : (1) ઢીંગલી જેવાં (2) નાનાં (3) મધ્યમ અને (4) મોટા કદનાં એમ ચાર સમૂહમાં કરવામાં આવે છે. પગ, શરીરનો બાંધો, પૂંછડીની લંબાઈ, આકાર, પુચ્છવિન્યાસ (carriage of tail) તેમજ વાળમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. વાળ લાંબા હોય કે ટૂંકા અથવા સીધા કે વાંકડિયા અથવા ઝીણા કે જાડા હોઈ શકે. વાળના રંગ પણ જુદા જુદા પ્રકારના હોય છે. મૅક્સિકોના ‘હેરલેસ’ તરીકે ઓળખાતાં કૂતરાં લગભગ વાળ વગરનાં હોય છે. બેસંજી જાતનાં કૂતરાં જરાય અવાજ કરતાં નથી. બ્લડ હાઉન્ડ ભસવા માટે જાણીતું છે.

કૂતરાંની ર્દષ્ટિ પ્રમાણમાં નબળી હોય છે. તે રંગોની ભિન્નતા પારખી શકતાં નથી. તેની ઘ્રાણેન્દ્રિય તીવ્ર હોય છે. કેટલાંક કૂતરાં તો ગંધ ગમે તેટલી જૂની કે અતિશય ક્ષીણ હોય તોપણ તેને ઓળખી કાઢે છે. તે જ પ્રમાણે પસાર થતા પ્રાણીનો તે ગંધથી પીછો કરીને શોધી કાઢે છે.

કૂતરાંની વિવિધ જાતો

કૂતરાં પ્રવાહીને પીવા માટે જીભથી ચાટે છે. તેમને પરસેવો થતો નથી. નાક ભીનું કરીને જીભના બાષ્પીભવનથી તેમજ હાંફીને ગરમીને બહાર કાઢે છે. કૂતરાના શરીરનું તાપમાન આશરે 38o સે. જેટલું હોય છે. કૂતરાનું પાચનતંત્ર માંસાહાર માટે અનુકૂલિત હોય છે, પરંતુ તે રાંધેલી વનસ્પતિ કે માંસનું ભક્ષણ પણ કરે છે.

કૂતરાં 5-6 કિમી.ના અંતર સુધી 50-60 કિમી.ની ઝડપે દોડી શકે છે. ગ્રેહાઉન્ડ પ્રકારનાં કૂતરાં 22 સેકન્ડમાં 400 મીટર દોડી શકે છે. જંગલમાં, સીમમાં, ગામડામાં કે શહેરોની ગલીઓમાં ભટકતાં કૂતરાં ટોળાંમાં રહે છે. દરેક ટોળાનો વિસ્તાર નક્કી હોય છે. પડોશી વિસ્તારનાં ટોળાં સાથે સામાન્ય રીતે તે વેરવૃત્તિ ધરાવે છે. તે ભસવા અને ઘૂરકવા ઉપરાંત જુદા જુદા અવાજો પણ કાઢી શકે છે. આક્રમણ વખતે મસ્તક, ડોક, શરીર, કમર, પૂંછડી વગેરેને ખેંચીને સીધી કરીને શરીરનું કદ વધારે છે. જ્યારે બચાવમાં હોય ત્યારે શરીર વળાંકવાળું કરી પૂંછડી બે પગ વચ્ચે દબાવે છે. કૂતરાં માનવી પ્રત્યે લાગણી અને વફાદારી ધરાવે છે. તે પોતાના મનોભાવને પૂંછડી પટપટાવીને, પગ ચાટીને કે જમીન પર સરખું બેસીને તેમજ અન્ય રીતે વ્યક્ત કરે છે. તેને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેના માલિકનું અને સંપત્તિનું રક્ષણ કરે છે.

પ્રજનન : કૂતરી સામાન્ય રીતે 4 માસથી 22 માસની (સરેરાશ 12 માસ) ઉંમરે યૌવનાવસ્થામાં પ્રવેશ કરે છે. યૌવનાવસ્થામાં પ્રવેશની ઉંમરનો આધાર ખોરાક, કદ અને નસલ પર હોય છે. નાના કદનાં કૂતરાં સામાન્ય રીતે વહેલાં યૌવનાવસ્થામાં પ્રવેશે છે. ઘરમાં બાંધી રાખેલાં પાલતુ કૂતરાં કરતાં જંગલમાં કે સીમમાં ભટકતાં કૂતરાં વહેલાં યૌવનાવસ્થામાં આવે છે. કૂતરીને સામાન્ય રીતે 18 માસની ઉંમરે પ્રજનન માટે પરિપક્વ માનવામાં આવે છે. કૂતરી પ્રજનન માટે 5-6 વર્ષની ઉંમર સુધી સારી ક્ષમતા ધરાવે છે.

કૂતરી સામાન્ય રીતે વર્ષ દરમિયાન એક વખત ગરમીમાં (ઋતુમાં) આવે છે. કૂતરી કયા સમયે ગરમીમાં આવશે તેનો આધાર સ્થળની આબોહવા અને હવામાન પર હોય છે. ભારતમાં કૂતરીઓ જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીના સમય દરમિયાન ગરમીમાં આવે છે. કૂતરી સામાન્ય સંજોગોમાં 9-10 દિવસ ગરમીમાં રહે છે. ગરમીમાં આવે ત્યારે કૂતરી ચંચળ બને છે, ખોરાક ઓછો કરી નાખે છે; તેને કૂતરાની સોબત ગમે છે. ગરમીમાં આવ્યાના પ્રથમ 2-3 દિવસ દરમિયાન સમાગમથી ગર્ભાધાનની શક્યતા રહેતી નથી. અંડબીજો અંડાશયમાંથી છૂટાં પડ્યા બાદ ગર્ભાશયમાં આવે છે જ્યાં 2-3 દિવસ સુધી જ ફલિનીકરણ માટે યોગ્ય રહે છે. આથી કૂતરીના ગરમીમાં આવ્યા બાદ 6-7 દિવસે પણ ગર્ભાધાન થાય છે.

કૂતરી ગરમીમાં આવે ત્યારે તેના યોનિસ્રાવની ગંધ વડે કૂતરા આકર્ષાય છે. સમાગમ દરમિયાન શિશ્નના પાછળના ભાગમાં આવેલ અંગ ‘બલ્બસ યુરેથ્રસ’માં રુધિરના ભરાવાને કારણે તે દડાની જેમ ફૂલી જાય છે અને શિશ્નને યોનિમાંથી બહાર આવતાં અટકાવે છે.

કૂતરી ગરમીમાં આવે ત્યારે તેની જ નસલના અને તેના જેટલા કદના કૂતરા સાથે સમાગમ કરાવવો હિતાવહ ગણાય છે.

પાલતુ કૂતરીઓમાં પ્રજનન અટકાવવા માટે પશુચિકિત્સક શસ્ત્રક્રિયા દ્વારા અંડાશયોને દૂર કરી આપે છે. કૂતરી ગરમીમાં આવે ત્યારે કૂતરાનો ત્રાસ દૂર કરવા તેના પાછળના ભાગમાં તીવ્ર ગંધવાળા પ્રવાહીનો છંટકાવ કરવામાં આવે છે.

ઘણી વાર કૂતરી ગરમીમાં આવે ત્યારે કૂતરા સાથે સમાગમ ન થયો હોય અથવા સમાગમ થયો હોય અને ગર્ભાધાન થયું ન હોય તેવી પરિસ્થિતિમાં મોટાભાગની કૂતરી ‘કૂટ ગર્ભાવસ્થા’નાં ચિહનો દર્શાવે છે. આવી કૂતરીઓમાં સ્તનગ્રંથિઓનો થોડો વિકાસ પણ થાય છે. આ કૂતરીઓ 58થી 65 દિવસે વિયાણ માટેનાં ચિહનો પણ દર્શાવે છે. ગર્ભાધાન ન થયેલી કૂતરીઓનું આ પ્રકારનું વર્તન લોહીમાંના કેટલાંક અંત:સ્રાવોના ઉચ્ચ પ્રમાણને કારણે છે. કૂતરીઓ માટે આ સામાન્ય લક્ષણ ગણાય છે.

ગર્ભાધાનના છેલ્લા 2થી 3 દિવસ દરમિયાન કૂતરી બખોલ કે ખાડા જેવી શાંત જગ્યા શોધી કાઢે છે. વિયાણને 12-36 કલાકની વાર હોય ત્યારે તેના શરીરના તાપમાનમાં આશરે 1.0 સે.નો ઘટાડો થાય છે. તે વારંવાર ઊઠબેસ કરે છે અને દાંત કચકચાવે છે. કૂતરીનું વિયાણ સામાન્ય સંજોગોમાં 3થી 6 કલાક ચાલે છે.

કૂતરી પ્રથમ એકસાથે એક કે બે બચ્ચાંને જન્મ આપે છે. ત્યારબાદ 2થી 3 કલાકમાં ફરી 1થી 2 બચ્ચાંને જન્મ આપે છે. એક વિયાણમાં તે 2થી 8 જેટલાં બચ્ચાંને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચાનું વજન 300થી 400 ગ્રામ હોય છે, જે કૂતરીની નસલ તથા વિયાણમાં આવેલી બચ્ચાંની સંખ્યા પર આધારિત હોય છે. બચ્ચાં ત્રણ અઠવાડિયાંની ઉંમરે આંખ ખોલે છે. આંખ બંધ હોય તે અવસ્થામાં બચ્ચાં બખોલ કે ખાડાનો આશ્રય લે છે. આંખ ખૂલી ગયા બાદ તે આવા ખાડામાંથી બહાર આવે છે.

કૂતરાંના રોગો : હડકવા (રેબીઝ) : આ (એક વાઇરસ) દ્વારા ફેલાતો સંસર્ગજન્ય રોગ છે, જેની અસર ચેતાતંત્ર પર થાય છે. રોગપીડિત કૂતરાં કરડવાથી માનવીમાં તેનો ફેલાવો થાય છે. આ રોગથી પીડાતાં કૂતરાંમાં રોગનાં વિશિષ્ટ લક્ષણો સ્પષ્ટપણે દેખાતાં, કૂતરાં પર ઉપચાર થઈ શકતો નથી.

ડિસ્ટેંપર : રેબીઝની જેમ આ પણ એક ચેપી રોગ છે. તાવ, મરડો, શ્વાચ્છોશ્ચવાસમાં તકલીફ, રોગ તીવ્ર બનતા તાણ આવે વગેરે આ રોગનાં લક્ષણો છે. આવાં કૂતરાંને તરત જ જુદાં કરી યોગ્ય ઉપચાર કરવો પડે છે.

કૃમિરોગ : કૂતરાંમાં પટ્ટીકીડા, કરમ જેવા રોગોનો ફેલાવો ચાંચડ તથા જૂ જેવા કીટકો દ્વારા થાય છે. ઈંડાના પ્રાશનથી પણ તે કરમિયાંનો ભોગ બને છે. વિપરીત સંજોગોમાં કૂતરાં મૃત્યુ પામે છે. કૂતરાંને મચ્છર કરડવાથી હૃદય-કૃમિ(heart-worm)નો ફેલાવો થાય છે. ખાંસી અને શ્ર્વાસમાં તકલીફ આ રોગનાં ખાસ લક્ષણો છે. સર્જરી કરવાથી અને દવાના પ્રાશનથી રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે.

જીંગોડા : જૂઆ અને ચાંચડ બાહ્ય પરોપજીવી તરીકે ત્વચા પર ચોંટી રહે છે અથવા કરડે છે. જીંગોડા ઓછી સંખ્યામાં ચોંટેલા હોય તો હાથની મદદથી તેને દૂર કરી શકાય. નવડાવવાથી અથવા તો જંતુનાશક દવાના ઉપચારથી રોગમુક્ત કરી શકાય છે.

કૂતરાંમાં બુદ્ધિમત્તાનું સ્તર : કૂતરાંની જુદી જુદી નસલોમાં બુદ્ધિમત્તાનું સ્તર અલગ અલગ હોય છે. કૂતરાંની યાદશક્તિ, ગંધ પારખવાની શક્તિ, ચપળતા, બદલાયેલા વાતાવરણમાં અનુકૂલન, અસામાન્ય પરિસ્થિતિમાં માર્ગ કાઢવાની વૃત્તિ વગેરે માટે વિવિધ કસોટીઓ છે. જુદી જુદી કસોટી દ્વારા માપવામાં આવેલી બુદ્ધિમત્તાના જુદી જુદી નસલોના સરેરાશ આંક વિશે પણ માહિતી મળે છે, જેથી કૂતરા-પાલકો પોતાનાં કૂતરાં તેની નસલની સરેરાશની સરખાણીમાં કેટલી બુદ્ધિશક્તિ ધરાવે છે તે જાણી શકે. બુલડૉગ અને સ્ટેન્ડર્ડ શૂડલ વગેરે નસલો અન્ય નસલો કરતાં બુદ્ધિમત્તાનો ઊંચો આંક ધરાવે છે.

કૂતરાંની ઉપયોગિતા : કૂતરાંની ગંધ પારખવાની શક્તિ, શિકારને શોધવાની ક્ષમતા, શિકાર પર ચપળતાથી ત્રાટકવાની શક્તિ તથા વફાદારી વગેરે ખાસિયતોનો માનવીએ ઘણી સારી રીતે ઉપયોગ કર્યો છે. વ્યવહારમાં ઉપયોગી થાય તે માટે વિશિષ્ટ પ્રકારની ખાસિયત ધરાવતી નસલનાં સારી વંશાવળીવાળાં કૂતરાંનાં બચ્ચાંને આઠ અઠવાડિયાંની ઉંમરે પસંદ કરીને નીચે મુજબ યોગ્ય તાલીમ આપવામાં આવે છે.

() પોલીસ શ્વાન : કૂતરાંની ગંધ પારખવાની શક્તિનો ગુનેગાર વ્યક્તિને શોધવામાં અથવા છુપાવવામાં આવેલી વસ્તુઓ, કેફી દ્રવ્યો વગેરેને શોધવામાં કૂતરાંનો બહોળો ઉપયોગ થાય છે. આ અંગે તાલીમ પામેલાં કૂતરાં દિવસમાં 7થી 8 કલાક કામ કરી શકે છે અને 30-35 કિમી.ના અંતર સુધી ફરી શકે છે. સરહદી વિસ્તારોમાં વિદેશીઓની ઘૂસણખોરી તથા કેફી દ્રવ્યોની દાણચોરી અટકાવવા માટે લશ્કર તેમજ સરહદી સલામતી દળો કૂતરાંનો ઉપયોગ કરે છે. આ પ્રકારનાં કાર્યો માટે આલ્સેશિયન, ડોબરમેન, ગ્રેહાઉન્ડ અને લેબ્રાડોર વગેરે નસલનાં કૂતરાંનો ઉપયોગ થાય છે.

() રખેવાળ કૂતરાં : ઑસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા વગેરે દેશોના પશુપાલકો પોતાની ગાયોનાં કે ઘેટાંનાં મોટાં ટોળાંમાંથી એકાદ જાનવર છૂટું ન પડી જાય તે માટે રખેવાળ તરીકે કૂતરાં રાખે છે. આ ઉપરાંત ખેતરમાં પોતાનું મકાન બાંધી રહેનારા શ્રીમંત ખેડૂતો પણ રખેવાળ કૂતરાં રાખે છે. આ માટે કેલ્પી તથા કુલી નસલનાં કૂતરાંની ખાસ પસંદગી કરવામાં આવે છે. ભારતમાં રખડતી-ભટકતી વણજારા જેવી જનજાતિઓ પોતાના જાનમાલના રક્ષણ માટે રખેવાળ કૂતરાં રાખે છે. આ કૂતરાં કોઈ ચોક્કસ પ્રચલિત નસલનાં હોતાં નથી.

() અન્ય ઉપયોગો : હિમ પ્રદેશોમાં હિમપ્રપાતમાં ફસાયેલા માનવીઓને શોધવામાં આલ્સેશિયન અને એઇરડેલ નસલનાં કૂતરાં ઉપયોગી ગણાય છે. ઉત્તર ધ્રુવપ્રદેશ વિસ્તારના હિમપ્રદેશોમાં બરફ પર સરકતી ગાડીઓ ખેંચવામાં તથા અંધ માનવીને પથદર્શક તરીકે પણ કૂતરાંનો સારો ઉપયોગ થાય છે. આ ઉપરાંત દવા અને રસાયણ ઉદ્યોગમાં નવી શોધાયેલી દવાઓની કેટલીક વાર કૂતરાં પર પ્રથમ પ્રયોગશાળામાં અજમાયશ કર્યા બાદ જ માનવી પર પ્રયોગાત્મક ધોરણે અજમાયશ કરવામાં આવે છે.

વિવિધ જાતનાં કૂતરાં : કૂતરાંમાં રંગ, કદ, આકાર, શારીરિક રચના, વાળનું પ્રમાણ, વાળની લંબાઈ વગેરેમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. કૂતરાંની વિવિધ નસલોનું તેની અગત્યની ખાસિયતો મુજબ નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવેલ છે :

  1. શિકારી કૂતરાં : શિકારી કૂતરાંને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : પૉઇંટર, રિટ્રીવર, સેટ્ટર અને સ્પેનિયલ.

1.1 પૉઇંટર સમૂહ : આ સમૂહનાં કૂતરાં સામાન્ય રીતે લાંબા, પાતળા, લટકતા કાન ધરાવે છે. શરીર મધ્યમ બાંધાનું હોય છે. તે શિકારને ગંધ પરથી પારખી શિકારથી થોડે દૂર શિકારની દિશામાં મુખ રાખી સ્થિર બેસી રહે છે. આ સમૂહમાં મુખ્યત્વે જર્મન પૉઇંટર, હંગેરિયન વિઝલા વગેરે નસલો આવે છે.

1.2 રિટ્રીવર સમૂહ : આ સમૂહનાં કૂતરાં સામાન્ય રીતે શિકારથી ઈજા પામેલાં પશુપક્ષીને શોધવાની અથવા ઈજા પામેલાં પશુપક્ષીને શોધીને માલિક પાસે લાવવાની કુશળતા ધરાવે છે. આ સમૂહની અગત્યની નસલોમાં લેબ્રાડૉર, રિટ્રીવર, ગોલ્ડન વગેરે મુખ્ય છે.

1.3 સેટ્ટર સમૂહ : તે મુખ્યત્વે પૉઇંટર સમૂહમાંથી ઉદભવેલ છે. આ સમૂહનાં કૂતરાં જમીન પર સરકીને શિકારની નજદીક જઈ શિકાર પર ત્રાટકે છે. કદમાં મધ્યમ હોય છે. સુંદર રંગ ધરાવે છે. આ સમૂહની મુખ્ય નસલોમાં ઇંગ્લિશ સેટ્ટર અને આઇરિશ સેટ્ટર વગેરે હોય છે.

1.4 સ્પેનિયલ્સ : સ્પેન દેશમાં વિકાસ પામેલા આ સમૂહની નસલનાં કૂતરાં વિશાળ મસ્તક, આગળ પડતું અણીદાર મુખ, લાંબા લટકતા કાન અને શરીર પર પુષ્કળ વાળ ધરાવે છે. પૂંછડી લાંબી અને વાળયુક્ત હોય છે. આ સમૂહની નસલોમાં આકર્ષક રંગો જોવા મળે છે. આ સમૂહની અગત્યની નસલોમાં સ્પેનિયલ કોકર, બ્રિટિશ સ્પેનિયલ, ફીલ્ડ સ્પેનિયલ વગેરે મુખ્ય છે.

  1. હાઉન્ડ્ઝ સમૂહ : આ સમૂહમાં મુખ્યત્વે શિકારી કૂતરાંની નસલો આવે છે. આ નસલોમાં ગંધ અને ર્દષ્ટિ વડે શિકાર કરવાની કુશળતા હોય છે. તે મુખ્યત્વે મધ્યમ કદનું મસ્તક, લાંબા કાન અને લાંબું – પાતળું અને સ્નાયુબદ્ધ ચુસ્ત શરીર ધરાવે છે. કમર કમાન જેવી વળાંકવાળી તથા લાંબા પાતળા અને સ્નાયુબદ્ધ પગ હોય છે. ચામડી પર ઘટ્ટ અને ટૂંકા વાળ હોય છે. આ સમૂહમાં ર્દષ્ટિથી શિકારને પકડનાર ગ્રેહાઉન્ડ અને ગંધથી શિકારને પકડનાર બ્લડ હાઉન્ડ મુખ્ય છે. આ ઉપરાંત અન્ય અગત્યની નસલોમાં નીચા કદના લાંબા શરીરવાળાં ડેશુન્ડ કૂતરાં તેમજ ઇંગ્લિશ ફૉક્સ હાઉન્ડ, અમેરિકન ફૉક્સ હાઉન્ડ, સેલૂકી અને વ્હિપેટ વગેરે નસલો છે.
  2. ટેરિયર સમૂહ : રમતગમત માટે ચપળતા, જોશ અને શારીરિક લક્ષણોમાં બહુવિધતા ધરાવતી આકર્ષક રંગોવાળી નસલો આ સમૂહમાં આવે છે. આ સમૂહની મુખ્ય નસલોમાં આઇરડેલ, ઑસ્ટ્રેલિયન ટેરિયર, બુલ ટેરિયર, સ્નાઉઝર મિનિયેચર તેમજ વફાદારી અને કૂતરાંની લડાઈની રમત માટે જાણીતી નસલ આઇરિશ ટેરિયર વગેરે છે.
  3. રખેવાળ કૂતરાં : આ સમૂહમાં મોટા કદનાં, બુદ્ધિશાળી, વફાદાર, ચકોર, ચપળ, આજ્ઞાંકિત, મધ્યમ કદના ટટ્ટાર અથવા લબડતા કાનવાળાં તેમજ અવાજની દિશામાં ફરી શકે તેવા ચુસ્ત અને સ્નાયુબદ્ધ શરીર તેમજ થોડા ભારે શરીર ધરાવતાં કૂતરાં આવે છે. આ સમૂહની અગત્યની નસલોમાં આલ્સેશિયન, એન્ટોલિયન, કુલી, બૉક્સર, કેલ્પી અને મૅસ્ટિફ વગેરે આવે છે.
  4. નાના કદનાં કૂતરાં : આ સમૂહમાં નાના કદનાં, આકર્ષક રંગોવાળાં, ચપળ, ભય ન પમાડે તેવાં અને નાના ઘર તેમજ ફ્લેટમાં રાખી શકાય તેવાં કૂતરાં આવે છે. આ સમૂહનાં કૂતરાં આનંદ અને સહવાસ માટે રાખવામાં આવે છે. આ સમૂહની અગત્યની નસલોમાં ચિહાઉહાઉ, ઇંગ્લિશ ટૉય ટેરિયર, પગ, જાપાનીઝ સ્પેનિયલ, પોમેરિયન ટૉય પૂડલ વગેરે આવે છે.
  5. અન્ય કૂતરાં : જુદી જુદી ખાસિયતો ધરાવતી નસલો આ વર્ગમાં આવે છે. આ સમૂહની અગત્યની નસલોમાં મોટું મસ્તક અને નાનું બૂચું મુખ ધરાવતી નસલ બુલડૉગ, ચાઉ ચાઉ, ડાલમેશિયન, સ્નાઉઝર અને તિબેટિયન ટેરિયરનો સમાવેશ થાય છે.
  6. જંગલી કૂતરાં : જંગલી કૂતરાં વિશિષ્ટ પ્રકારની જૂથવ્યવસ્થા ધરાવે છે. દરેક ટોળામાં નર-માદાનું પ્રમાણ
    2 : 1 હોય છે. ટોળામાં એક શક્તિશાળી અને પ્રભાવ પાડે તેવી માદા હોય છે, જે પ્રજનનની ઋતુ દરમિયાન ટોળામાંના શક્તિશાળી અને પ્રભાવ પાડતા કૂતરાં સાથે સમાગમ કરી બચ્ચાં પેદા કરે છે. બચ્ચાંને માટે ખોરાક લાવવાની તથા રક્ષણની જવાબદારી ટોળામાંના દરેક પુખ્ત કૂતરાની હોય છે. આ બચ્ચાં જ્યારે 12-14 માસની ઉંમરે પહોંચે ત્યારે માદા બચ્ચાં (હવે યૌવનાવસ્થામાં પ્રવેશતી કૂતરીઓ) અન્ય ટોળામાં જાય છે, જ્યાં તે ટોળાની અન્ય માદા કૂતરી સાથે તેની લડાઈ થાય છે. વિજયી કૂતરીને ટોળામાં પ્રવેશ મળે છે અને હારનાર કૂતરી મોટે ભાગે મૃત્યુ પામે છે અથવા નાસી જાય છે. નર બચ્ચાં મોટાં થઈને પોતાના ટોળામાં જ રહે છે. આમ કોઈ પણ ટોળામાં કૂતરાં એકબીજાં સાથે સગપણ ધરાવે છે, પરંતુ કૂતરાં કૂતરી સાથે સગપણ ધરાવતાં નથી તેમજ બે કૂતરીઓ વચ્ચે પણ સગપણ હોતું નથી. આ પ્રકારની સમાજરચનાને કારણે જંગલી કૂતરાંનું આંતર-સંવર્ધન થતું નથી. જે આ પ્રજાતિના અસ્તિત્વ માટે ફાયદાકારક છે.

દુનિયાભરમાં પાળેલાં કૂતરાંની સંકરિત જાતો લગભગ 4,000 જેટલી છે. સંકરણના અખતરાઓ હજુ પણ ચાલુ છે. સંકરિત જાતિઓની ઉત્પત્તિને કારણે કૂતરાંની જાતિના મૂળ નૈસર્ગિક જનીનો લુપ્ત થઈ રહ્યાં છે. કૂતરાંની ઉત્ક્રાંતિ માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે. પાળેલાં કૂતરાંના પ્રમાણમાં કુદરતમાંનાં જંગલી કૂતરાં દુર્લભ થતાં જાય છે. ‘ધોબીનો કૂતરો નહિ ઘરનો કે ઘાટનો’ એ ઉક્તિ જૈવિક ઉત્ક્રાંતિના સંદર્ભમાં અર્થસૂચક છે.

જંગલી કૂતરાંની શિકારપદ્ધતિઓ અને વર્તનનો અભ્યાસ કૂતરાંની બુદ્ધિક્ષમતા અને તેની બદલાતા પર્યાવરણમાં ટકી રહેવાની ક્ષમતા દર્શાવે છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણની સાથે સાથે વન્ય કૂતરાંની જાળવણી પણ જરૂરી છે. કૂતરાં વરુ, શિયાળ, લોંકડી વગેરેમાં જનીનસામ્યતા ઘણી હોવાથી (દરેકમાં રંગસૂત્રોની સંખ્યા 48), કૂતરાંની સંકરિત જાતો વરુ ઉપરાંત અન્ય ઉપર્યુક્ત પ્રાણીઓમાંથી ઉદભવેલાં છે એવું મનાય છે. એક મત મુજબ વરુ (Canis lupus), લોંકડી (Fox-Genus-Vulpes), શિયાળ (Canis anthus, Canis Aureus etc.) વગેરે વન્ય કૂતરાં જ છે. અન્ય જંગલી કૂતરાંઓની જાતોને ચાર જૂથમાં વહેંચી નાંખવામાં આવે છે; જેમ કે (i) આફ્રિકન જંગલી કૂતરાં; ઉદા. કેનિસ, કે લાયકૉન પિક્ટસ, (ii) અમેરિકન જંગલી કૂતરાં; દા.ત. સીરડો સાયોન્થસ (દ. અમેરિકા), (iii) એશિયાટિક જંગલી કૂતરાં – Dhole ધોલ (Cuon java, cuon alpinus (Pallas-nicus), રેકૂન-ડૉગ (Canis procyonoides – ચીન, જાપાન), (iv) ઑસ્ટ્રેલિયન જંગલી કૂતરાં – ડિંગો (Canus dingo) ભારતનો જંગલી કૂતરો ધોલ.

આ જંગલી કૂતરાંની જાત આલ્તાઈ પર્વતમાળાથી ચીન, દક્ષિણ-પૂર્વ એશિયા, ભારત, જાવા સુધી ફેલાયેલી છે. તે કદમાં મોટું, બદામી કે લાલ આચ્છાદન(coat)વાળું પ્રાણી છે. તેની 10 પેટા જાતિઓ છે. તેની ઊંચાઈ ખભા આગળ 43.55 સેમી. લંબાઈ 90 સેમી., પૂંછડી 40.43 સેમી; વજન 20 કિગ્રા. (નર). શરીર વરુ જેવું પણ પગ પ્રમાણમાં ટૂંકા અને ડાચું (muzzle) ટૂકું; કાન ટોચમાં ગોળાકાર; પૂંછડી ગુચ્છાદાર, એકંદરે પાળેલાં કૂતરાં, વરુ કે શિયાળથી અલગ રચનાવાળું. માદા ધોલ 12થી 14 સ્તન ધરાવે છે, જ્યારે સામાન્ય કૂતરાં 10 સ્તનગ્રંથિઓ ધરાવે છે.

ધોલ કૂતરાં વરુની માફક ટોળામાં રહી શિકાર કરે છે. શિકાર મોટેભાગે દિવસે કરે છે. લડાખ અને તિબેટમાં તે ઘેટાં અને હરણાંનો શિકાર કરે છે. કાશ્મીરમાં તેઓ મારખોલ કસ્તૂરીમૃગ કે ગોરલનો શિકાર કરવા ઉપરાંત વિશેષે કરીને વાંદરાનો કે ડુક્કરનો શિકાર કરે છે. ધોલ સમૂહમાં હોય તોપણ મનુષ્ય ઉપર હુમલો કરતા નથી. ધોલનાં બચ્ચાં નાનાં હોય ત્યારે પાળી શકાય છે; પરંતુ તેમનું શરમાળપણું કે જંગલીપણું છોડતાં નથી.

શિકારપદ્ધતિ : જંગલી કૂતરાં 70 ટકા વાંદરાનો શિકાર કરે છે, 20 ટકા ડુક્કર અને 10 ટકા હરણનો શિકાર કરે છે. મારુતિ ચિત્તમપલ્લી નામના નિસર્ગપ્રેમી ડેપ્યુટી કૉન્ઝર્વેટર ઑવ્ ફૉરેસ્ટ, મહારાષ્ટ્ર (જંગલ ખાતાના ઉપ-સંરક્ષણ અધિકારી)એ જંગલી કૂતરાની શિકારપદ્ધતિઓ બાબતમાં રસપ્રદ માહિતી એકઠી કરેલી છે.

(i) બપોરનાં, વાંદરાંઓ પાણી પીવા જળાશય પાસે એકઠાં થાય ત્યારે એકાદ વાંદરો દેખરેખ રાખવા ઝાડ પાસે બેસી રહે છે. કોઈ વખત આ અલગ વાંદરાને ઊંઘનું ઝોકું આવી જાય છે. બસ તે જ ક્ષણે ટપી રહેલાં જંગલી કૂતરાં તે વાંદરાનો શિકાર કરી નાંખે છે.

(ii) ક્યારેક વાંદરું ઝાડ ઉપરથી નીચે ઊતરે કે તુરત તેને શિકારી કૂતરાં ઘેરી લે છે અને વાંસની ઝાડી તરફ ભાગવા દે છે. બીકનાં માર્યાં વાંદરાં વાંસના ઝાડ ઉપર ચઢી જાય છે. વાંદરાંના ભારથી વાંસ નમી પડે છે અને વાંદરાં ટપોટપ નીચે પડે છે અને જંગલી કૂતરાંના શિકારનો ભોગ બને છે.

(iii) ઝાડ ઉપર ચઢી બેઠેલા વાંદરાનું લક્ષ્ય વીંધવા જંગલી કૂતરાં ઝાડની આસપાસ ચક્કર લગાવે છે. કુતૂહલથી પ્રેરિત વાંદરાં કૂતરાંઓની હાલચાલ નિહાળવા વારંવાર ડોક ફેરવ્યા કરે છે. પરિણામે એકાદ વાંદરાને ચક્કર આવતાં નીચે પડે છે અને કૂતરાંના શિકારનો ભોગ બને છે.

(iv) ક્યારેક જંગલી કૂતરાંઓ પૈકીનો એકાદ કૂતરો ઝાડ નીચે મરી ગયાનો ઢોંગ કરે છે. કોઈક વાનરને ચેષ્ટા કરવાનું મન થાય છે. તે ઝાડ ઉપરથી ઊતરી કૂતરો મરી ગયો છે કે કેમ તેની ખાતરી કરવા તેની પૂંછડી ઉપાડવા જાય છે. પૂંછડીને સ્પર્શ થતાં જ કૂતરો એકાએક સાવધ બની વાંદરાને પકડી લે છે.

કૂતરાંની રમતસ્પર્ધાઓ : યુરોપ અને અમેરિકામાં પ્રાચીન કાળમાં કૂતરાં માટે વિવિધ પ્રકારની રમતસ્પર્ધાઓ યોજવામાં આવતી હતી. આ સ્પર્ધાઓમાં જુદા અંતર માટેની દોડસ્પર્ધા, સસલાં પકડવાની સ્પર્ધા, બરફ પર સરકતી ગાડી ખેંચી દોડવાની સ્પર્ધા, જમીનમાં  દાટેલી અથવા સંતાડવામાં આવેલી વસ્તુઓ શોધવાની સ્પર્ધા તથા કૂતરાં વચ્ચેની લડાઈ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવતી. હાલ 400, 700 અને 1000 મીટરના અંતરની દોડસ્પર્ધાઓ પ્રચલિત છે. આ દોડસ્પર્ધાઓમાં ગ્રેહાઉન્ડ નસલનાં કૂતરાં વચ્ચે હરીફાઈ ગોઠવાય છે. આ માટે આ નસલનાં કૂતરાંને નાની ઉંમરે પસંદ કરી તાલીમ અને યોગ્ય ખોરાક આપવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની દોડસ્પર્ધાઓ સામાન્યત: યોજાતી નથી.

કેનલ ક્લબ : વિશ્વમાં મોટા ભાગના દેશોમાં કૂતરાંપાલકોએ કેનલ ક્લબની સ્થાપના કરી છે. આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશોમાં કૂતરાંની જુદી જુદી નસલોની સુધારણા, કૂતરાંનાં પ્રદર્શનો, કૂતરાંને જુદા જુદા રોગોથી રક્ષણ આપવું, કૂતરાં અને માનવી વચ્ચેના સંબંધોનો વિકાસ અને કૂતરાં વિશે સમાજમાં વિસ્તૃત જાણકારી પૂરી પાડવી વગેરે છે. અમેરિકન કેનલ ક્લબ (AKC) અમેરિકાના વિવિધ પ્રાંતોમાં દર વર્ષે યોજાતાં 750 કરતાં વધારે કૂતરાંનાં પ્રદર્શન, સ્પર્ધા, કૂતરાં-ઉછેર જેવા કાર્યક્રમો પર દેખરેખ રાખે છે. ભારતમાં કેનલ ક્લબ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના 1897માં કરવામાં આવી હતી. એની ગુજરાત શાખાની સ્થાપના 1981માં વડોદરામાં કરવામાં આવી છે. આ ક્લબ મુખ્યત્વે કૂતરાંનાં પ્રદર્શનોનું આયોજન કરે છે. આ સંસ્થાના સભ્યો પોતાનાં કૂતરાંની નોંધણી કરાવે છે. સંસ્થા દ્વારા જુદી જુદી નસલનાં કૂતરાંની વંશાવળી રાખે છે. કૂતરાંપાલકોને કૂતરાંપાલન તેમજ કૂતરાંનાં સંવર્ધન માટે યોગ્ય જાણકારી પણ પૂરી પાડે છે.

જિતેન્દ્ર સોલંકી

રા. ય. ગુપ્તે