કુસ્કો : દક્ષિણ અમેરિકામાં 14મી સદીમાં ઇન્કા સામ્રાજ્યનું અને હાલમાં પેરૂના કુસ્કો પ્રાંતનું પાટનગર. આ શહેર સમુદ્રની સપાટીથી 3,400 મીટરની ઊંચાઈ પર પેરૂની દક્ષિણે એન્ડીઝ પર્વત પર આવેલું છે. તેની પાસે પ્રાચીન ઇન્કા નગર માચુ પિચ્છુ આવેલું છે. ઈ. સ. 1533માં ફ્રાંસિસ્કો પિઝારોના લશ્કરે કુસ્કો કબજે કરી, ત્યાં લૂંટ કરીને શહેરનો નાશ કર્યો. તે પછી સ્પેનના લોકોએ ત્યાં નવું શહેર બાંધ્યું. તેમણે લૂંટેલી સંપત્તિમાંથી ત્યાં ભવ્ય દેવળો તથા અન્ય ઇમારતો બાંધ્યાં. સ્પૅનિશ શાસન હેઠળ કુસ્કો કલાના કેન્દ્ર તરીકે વિકસ્યું. ઈ. સ. 1650માં આ શહેર ભૂકંપથી નાશ પામ્યું હતું, જે પછીથી પુન: બાંધવામાં આવ્યું.

કુસ્કો તે પ્રદેશનું વ્યાપારી અને ઔદ્યોગિક મથક છે. ત્યાં કાપડ, કામળા, બિયર વગેરેનું ઉત્પાદન થાય છે. ચિત્રકામ, શિલ્પ, ઝવેરાત, સુશોભિત કાષ્ઠકલાના શ્રેષ્ઠ નમૂનાઓનું તે ઉત્પાદનકેન્દ્ર છે. આસપાસના લોકો માટે તે વેપારનું મથક છે.

જયકુમાર ર. શુક્લ