‘કુસુમાગ્રજ’ (જ. 27 ફેબ્રુઆરી 1912, પૂણે; અ. 10 માર્ચ 1999, નાસિક) : 1989ના જ્ઞાનપીઠ ઍવૉર્ડથી સન્માનિત મરાઠી કવિ, નાટ્યકાર તથા નવલકથાકાર. આખું નામ વિષ્ણુ વામન શિરવાડકર. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યના હિમાયતી અને સામાજિક સુધારણાના પ્રખર પુરસ્કર્તા હતા. સમગ્ર શિક્ષણ નાસિક ખાતે. કેટલાંક મરાઠી વૃત્તપત્રોમાં કામ કર્યા પછી તેમણે સરસ્વતીને ખોળે માથું મૂક્યું અને કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, નિબંધ જેવાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યક્ષેત્રોમાં લખાણ કર્યું છે. પંચાશી વર્ષની બુઝુર્ગ વયે તેમનું  અવસાન થયું ત્યાં સુધીમાં તેમણે 19 કાવ્યસંગ્રહો, 3 નવલકથાઓ, 18 નાટકો અને 8 નવલિકાસંગ્રહોનું સર્જન કર્યું હતું. ‘જીવનલહરી’ એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમના 19 કાવ્યસંગ્રહોમાં ‘જીવનલહરી’, ‘વિશાખા’ અને ‘કિનારા’ અત્યંત લોકભોગ્ય ગણાય છે. ‘જીવનલહરી’ કાવ્યસંગ્રહમાં માનવજીવનનું નિરૂપણ અને ચિંતન પ્રગટ કરી સત્ય અને સૌંદર્યના ઉપાસક તરીકે તેમણે પોતાની છાપ ઊભી કરી હતી; પરંતુ ત્યારબાદ સ્વાતંત્ર્યસંગ્રામ જેમ જેમ ઉગ્ર બનતો ગયો તેમ તેમ તેમની કવિતામાં ઉગ્ર, ગંભીર અને ભવ્યોદાત્ત તત્ત્વોનું નિરૂપણ થવા લાગ્યું અને તેમાં રાષ્ટ્રપ્રેમની સાથોસાથ સ્વાતંત્ર્ય, સમતા અને બંધુત્વનાં માનવ-મૂલ્યોને અગ્ર સ્થાન મળતું ગયું.

કુસુમાગ્રજ

સ્વતંત્રતાના આંદોલન દરમિયાન ‘ગરજા જયજયકાર ક્રાંતિયા ગરજા જયજયકાર’ આ તેમની કાવ્યપંક્તિ મહારાષ્ટ્રના દરેક સ્વાતંત્ર્યસૈનિકના ઓષ્ઠે બિરાજમાન થયેલી હતી. અગાઉ ઉલ્લેખિત તેમના ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ‘છંદોમયી’, ‘હિમરેખા’ અને ‘મુક્તાયન’ – આ ત્રણ કાવ્યસંગ્રહો ધ્યેયલક્ષી સાહિત્યસર્જનના સંદર્ભમાં વિશેષ ઉલ્લેખનીય છે. તેમનાં 18 નાટકોમાં લોકપ્રિયતાના ક્રમમાં ‘નટસમ્રાટ’ (1971), પૌરાણિક નાટક ‘યયાતિ આણિ દેવયાની’ (1966), ‘કૌંતેય’ (1953) તથા ‘આનંદ’ (1976) વિશેષ લોકપ્રિય નીવડ્યાં છે. ‘નટસમ્રાટ’ નાટકે તો પ્રયોગોની સંખ્યાની દૃષ્ટિએ ઉચ્ચાંક હાંસલ કર્યો છે, જેમાં ડૉ. શ્રીરામ લાગુનો અભિનય અત્યંત લોકપ્રિય બન્યો હતો. તેના ગુજરાતી સંસ્કરણમાં મુખ્ય ભૂમિકા જશવંત ઠાકરે ભજવી હતી અને તે ભૂમિકા પણ પ્રશંસાને પાત્ર ઠરી હતી. પછીથી એ જ નાટક માટે કુસુમાગ્રજને સંગીત નાટક એકૅડમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ભારતની અનેક ભાષાઓમાં આ નાટકના અનુવાદ થયા છે. કુસુમાગ્રજના ‘આનંદ’ નાટક પરથી તે જ નામ ધરાવતું ચલચિત્ર હિંદી ભાષામાં ચિત્રિત થયું હતું જેણે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાને લોકપ્રિયતાના શિખર પર મૂકી આપ્યા હતા. તે ચલચિત્ર અમિતાભનું તેમની ફિલ્મક્ષેત્રની અભિનય-કારકિર્દીનું સર્વપ્રથમ ચલચિત્ર હતું.

‘કુસુમાગ્રજ’નાં અન્ય નાટકોમાં : ‘દૂરચે દિવે’ (1946) (અનૂદિત), ‘દૂસરા બાજીરાવ’ (1947), ‘વૈજયંતિ’ (1950) (અનૂદિત), ‘રાજમુગુટ’ (1954), ‘આમચં નાવ બાબુરાવ’ (1960), ‘વિદૂષક’ (1973), ‘ઑથેલો’ (1961), ‘વીજ મ્હણાલી ધરતીલા’ (1970), ‘એક હોતી વાઘીણ’ (1975), ‘મહંત’ (1977) જેમાં કહેવાતા ધાર્મિક નેતાઓ પર વ્યંગ છે, ‘કૈકેયી’ (1978) તથા ‘મુખ્યમંત્રી’ (1979)નો સમાવેશ થાય છે. લિયૉ ટૉલસ્ટૉયના ‘રિસરેક્શન’ નાટકનો તેમણે મરાઠીમાં ‘ચંદ્ર જિથે ઉગવત નાહી’ શીર્ષક હેઠળ અનુવાદ કર્યો છે.

એમણે લખેલી ત્રણ નવલકથાઓમાં ‘વૈષ્ણવ’, ‘કલ્પનેચ્યા તીરાવર’ અને ‘જાહનવી’નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓમાં વર્તમાન સમાજના રાજકીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમના છ જેટલા વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે; જેમાં ‘ફૂલવાત’, ‘સતારીચેં બોલ’, ‘કાંહીં વૃદ્ધ, કાંહીં તરુણ’ અને ‘વાટેવરચ્યા સાવલ્યા’નો સમાવેશ થાય છે. એમની વાર્તાઓ મનોવૈજ્ઞાનિક, કથનાત્મક, વર્ણનાત્મક અને નાટ્યાત્મક – આમ વૈવિધ્યપૂર્ણ હતી.

એમના નિબંધો હાસ્યપ્રધાન અને ગંભીર – બંને પ્રકારના છે. ‘આહે આણિ નાહી’, ‘પ્રતિસાદ’ અને ‘રૂપરેખા’ (રેખાચિત્રો) આ તેમના નિબંધસંગ્રહો છે.

સ્વાતંત્ર્યસંગ્રામ અને સમાજસુધારણાના ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. 1932માં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ નાસિકના કાળારામ મંદિરમાં હરિજનોના પ્રવેશ માટે જે જન-આંદોલન આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં કુસુમાગ્રજે પણ સક્રિય ભાગ લીધો હતો. પ્રગતિશીલ સામાજિક સુધારણાના તેઓ પુરસ્કર્તા હતા.

કુસુમાગ્રજે તેમના સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિનાં ચિરંતન મૂલ્યોની હિમાયત કરી છે. વિશ્વની દરેક સંસ્કૃતિને સંઘર્ષમાંથી પસાર થવું પડે છે અને જે સંસ્કૃતિ સમન્વય સાધવામાં સફળ થાય છે તે ટકે છે, બાકીની લોપ પામે છે એવી તેમની દૃઢ માન્યતા હતી. તેમણે તેમના સાહિત્યમાં વિજ્ઞાનયુગની મર્યાદાઓનું નિરૂપણ પણ કર્યું છે. આ બધાંને કારણે તેમને માત્ર મરાઠી સાહિત્યમાં જ નહિ, પરંતુ ભારતીય સાહિત્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. તેને કારણે જ તેમને 1989માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાળકોમાં વાંચન પ્રત્યેની અભિરુચિ વધે તે હેતુથી તેમણે 1990માં નાસિક ખાતે ‘કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન’ની સ્થાપના કરી છે જેના નેજા હેઠળ અન્ય પ્રવૃત્તિઓની સાથોસાથ તેમણે નાસિક અને તેની આજુબાજુના વિસ્તારમાં ગ્રંથાલયોની હારમાળા ઊભી કરી છે. આ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ દર વર્ષે શ્રેષ્ઠ મરાઠી સાહિત્યકૃતિના સર્જકને ‘સાહિત્યભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવે છે.

તેમણે તેમના અવસાનના એક જ અઠવાડિયા પહેલાં તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘અક્ષરબાગ’ (1999) પ્રગટ કર્યો હતો, જેમાં મરાઠીના દરેક મૂળાક્ષર પર બાળકો સહેલાઈથી સમજી શકે તેવાં નાનાં નાનાં બાળભોગ્ય કાવ્યોનો સંચય છે.

1964માં ગોવાના પણજી ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી.

સાહિત્યક્ષેત્રે તેમની સેવાની કદર રૂપે 1991માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડથી સન્માન્યા હતા.

તેમના અવસાનથી મરાઠી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો છે એમ કહીએ તો તે અતિશયોક્તિ ગણાશે નહિ.

લલિતા મિરજકર

બાળકૃષ્ણ માધવરાવ મૂળે