કુષક મહેલ : ચંદેરી(ગ્વાલિયર નજીક)ના ફતાહ્બાદમાં ઈ.સ. 1445માં માલવાના મુહમ્મદ શાહ પ્રથમે બંધાવેલ મહેલ. આ ઇમારત સૌથી અગત્યની ગણાય છે. તે સાત મજલાની ઇમારતના અત્યારે ચાર જ મજલા હયાત છે. આ ઇમારત 35.006 મી. સમચોરસ આધાર પર રચાયેલ છે. ચારે બાજુ પર અંદર દાખલ થવા માટેનાં પ્રવેશદ્વાર હતાં. આ રીતે ચાર ભાગમાં વહેંચાયેલા અંદરના ખંડો દરેક મજલા પર રખાયેલ; તે દરેક બાજુ વચ્ચેના ઝરૂખામાં ખૂલતા, જ્યાંથી હવા-ઉજાસની પણ વ્યવસ્થા હતી. સંપૂર્ણ આયોજન અત્યંત સાદું છતાં તેની રચનાની ભવ્યતા માળવા શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
રવીન્દ્ર વસાવડા