કુશ પૉલિ કાર્પ (જ. 26 જાન્યુઆરી 1911, બ્લૅન્કનબર્ગ, જર્મની; અ. 20 માર્ચ 1993, ડલ્લાસ, ટેક્સાસ) : અમેરિકાના લૉસ એન્જેલસના ભૌતિકશાસ્ત્રી વીલીસ યુજેન લૅમ્બની સાથે 1955માં નોબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકશાસ્ત્રી. બન્નેનાં સંશોધનક્ષેત્ર અલગ અલગ હતાં. ઇલેક્ટ્રૉનના ચુંબકીય આધૂર્ણ(magnetic moment)નું મૂલ્ય તેના સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધુ છે તેવું ચોક્કસપણે નક્કી કરવા માટે કુશને આ પારિતોષિક એનાયત થયું હતું. તેમના આ સંશોધને સ્થાપિત પ્રણાલિકાઓની પુનર્વિચારણા અને સુધારણાને વેગ આપ્યો. 1937માં કુશે, અમેરિકાની કૉલંબિયા યુનિવર્સિટીના નોબેલ પારિતોષિક-વિજેતા, પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ઇસીડોર આઈ. રબી સાથે પ્રથમ રેડિયો-આવૃત્તિ પરમાણ્વીય કિરણપુંજ(first radio- frequency atomic beam)ના પ્રયોગો ઉપર કામ કર્યું અને પરમાણ્વીય કિરણપુંજ ઉપર ચુંબકીય ક્ષેત્રોની અસરોનો અભ્યાસ
કર્યો. 1942માં કૉલંબિયા રેડિયેશન લેબૉરેટરીમાં અને ત્યારબાદ બે વર્ષ પછી બેલ ટેલિફોન લેબૉરેટરીમાં કામ કર્યું. 1946માં કૉલંબિયા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તે પાછા આવ્યા. ત્યારપછીના વર્ષે પરિશુદ્ધ (precise) પરમાણ્વીય કિરણપુંજના અભ્યાસ દ્વારા તેમણે તારવ્યું કે ઇલેક્ટ્રૉનના ચુંબકીય ગુણધર્મો પ્રવર્તમાન સિદ્ધાંતો સાથે સુસંગત નથી. તે પછી તેમણે ઇલેક્ટ્રૉનના ચુંબકીય ક્ષેત્રનું નિશ્ચિત માપન કર્યું અને હાઇડ્રોજન વાયુમાં તેના પ્રવર્તન(behaviour)નો અભ્યાસ કર્યો. રેડિયો-આવૃત્તિ કિરણપુંજ તકનીક દ્વારા કુશે અનેક પરમાણ્વીય, આણ્વીય (molecular) અને ન્યૂક્લીય (nuclear) ગુણધર્મોનાં માપ મેળવ્યાં છે.
એરચ મા. બલસારા