કુવૈત : દુનિયાના પેટ્રોલિયમ-ઉત્પાદક દેશો પૈકી દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલો સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો નાનો અગ્રગણ્ય દેશ તથા તે જ નામ ધરાવતું મુખ્ય શહેર, પાટનગર તથા બંદર. તે ઈરાની અખાતના વાયવ્ય ખૂણે 29° 20′ ઉ.અ. અને 48° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે ઇરાક, દક્ષિણે સાઉદી અરેબિયા અને પૂર્વ તરફ ઈરાની અખાત આવેલા છે. તેનો વિસ્તાર 17,818 ચોકિમી., સમુદ્રકિનારાની લંબાઈ 225 કિમી. છે. કુવૈત નામ અરબી શબ્દ ‘Kut’ એટલે કોટ કે કિલ્લો પરથી પડ્યું છે.

કુવૈત

આબોહવા વિષમ છે. રાત્રિ-દિવસ અને શિયાળા-ઉનાળાના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. જુલાઈ-ઑગસ્ટનું ઉનાળાનું સરેરાશ તાપમાન 37° સે. છે, જ્યારે શિયાળામાં 15° સે. રહે છે. વધુમાં વધુ તાપમાન 52° સે. જેટલું રહે છે. શિયાળામાં પવનના તોફાન સાથે વરસાદ 100 મિમી. જેટલો પડે છે. કુવૈતની જમીન ખેતીલાયક નથી. રણદ્વીપોમાં ખજૂરી તથા ટૂંકું ઘાસ થાય છે. આ સિવાય તરબૂચ, ટામેટાં, કાકડી, ડુંગળીની ખેતી પણ રણદ્વીપોમાં કરવામાં આવે છે. લોકો માછલી પકડવાનો, મોતી કાઢવાનો તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે. તદુપરાંત કુવૈતમાં ખનિજીય જળ પણ ભૂગર્ભમાંથી મેળવાય છે.

પેટ્રોલિયમનો અનામત જથ્થો 65 અબજ બેરલ જેટલો છે. ગૅસનો ભંડાર 864,000,000,000 ક્યુબિક મીટર છે.

કુવૈતના સ્થાનિક લોકો 40% છે, પણ બાકીના ઈરાની (શિયા), પાકિસ્તાની, ભારતીય અને ઇજિપ્તવાસી છે. 95% લોકો મુસ્લિમ છે. તે પૈકી બહુમતી લોકો સુન્ની પંથના છે. વળી ખ્રિસ્તી, હિન્દુ તથા પારસીઓ પણ વસે છે. લોકો કુર્દિશ, ફારસી અને ઇંગ્લિશ ભાષાઓ બોલે છે. આઠ વર્ષની ઉંમર સુધી શિક્ષણ ફરજિયાત છે. 85% પુરુષો તથા 80% સ્ત્રીઓ શિક્ષિત છે. લોકોની માથાદીઠ રાષ્ટ્રીય આવક 13,100 ડૉલર છે. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત છે. શિક્ષણ અને વૈદકીય સારવાર મફત છે. 1966માં યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી છે. વસ્તી : 42.7 લાખ (ઈ. સ. 2024) પ્રમાણે.

બીજા વિશ્વયુદ્ધ પછી ઉદ્યોગોનો વિકાસ થયો છે. પેટ્રોલિયમ-શુદ્ધીકરણ કરવાનાં કારખાનાં ઉપરાંત રસાયણ, પ્લાસ્ટિક, સિમેંટ, પાઇપ, પ્લાસ્ટિક તથા લોખંડની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં છે, કુવૈતનું બંદર કુદરતી છે. અહીંથી પેટ્રોલિયમ પેદાશો યુ.એસ., યુ.કે., પશ્ચિમ યુરોપના દેશો, જાપાન, ભારત વગેરે દેશોમાં જાય છે. માછલીની નિકાસ થાય છે. આયાતી વેપારમાં યંત્રો, પરિવહનનાં સાધનો, પાલતુ પશુધન અને ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે, જે મોટેભાગે યુ.એસ., બ્રિટન અને ભારતમાંથી મેળવે છે.

કુવૈત બંદરગાહે પેટ્રોલિયમ પેદાશોની વ્યાપક હેરાફેરી માટેની વ્યાપક વ્યવસ્થા

રાજ્યશાસ્ત્ર : અરબસ્તાનના મધ્યભાગમાંથી આવેલા અનૈઝા ટોળીના શેખનું અહીં શાસન છે. બંધારણીય રાજાશાહી ધરાવતો આ દેશ અલ-સબાહ કુટુંબના શાસન હેઠળ છે. દેશના વડા તરીકે છેક 1977થી શેખ જાબેર અલ-અહેમદ અલ-સબાહ છે. 1775માં ગ્રેટ બ્રિટન સાથે સંબંધ બંધાયા પછી 1899થી તેનું રક્ષિત રાજ્ય હતું. 1961માં તે સ્વતંત્ર બન્યું છે. 1981થી ચૂંટાયેલા 50 સભ્યોની ધારાસભા હતી. તે 1986થી રદ થઈ છે. કુવૈતમાં 1992માં પ્રથમ સંસદીય ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ વહીવટી સત્તાઓ જાબેર અલ-અહેમદ અલ-સબાહ પાસે રાખવામાં આવી છે. કુવૈતના નાનકડા લશ્કરની સંખ્યા 20,300 છે.

ઑગસ્ટ 2, 1990ના રોજ અચાનક હુમલો કરીને ઇરાકનાં સૈન્યોએ કુવૈતનો કબજો લીધો અને ત્યાં વચગાળાની સરકારની સ્થાપના કરી. ઇરાકના કહેવા પ્રમાણે કુવૈતે સોંઘા ભાવે પેટ્રોલ વેચીને ઇરાકને 14 અબજ ડૉલરનું નુકસાન પહોંચાડ્યું હતું. વળી કુવૈત ઇરાકના કહેવાતા પ્રદેશોમાંથી પણ પેટ્રોલ કાઢી રહ્યું હતું.

પશ્ચિમના દેશો તેમજ રશિયાએ આ હુમલાનો વિરોધ કર્યો. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ પણ ઇરાકને કુવૈતમાંથી ખસી જવાની માગણી કરી. દરમિયાન અમેરિકાની આગેવાની નીચે પશ્ચિમના દેશોનો મોટો નૌકાકાફલો ઈરાનના અખાતમાં પહોંચી ગયો. ત્યારબાદ અમેરિકાની રાહબરી નીચે સલામતી સમિતિમાં બધા જ સભ્યદેશોના ટેકા સાથે ઇરાકને કુવૈતનો લશ્કરી કબજો છોડવા માટે એક પછી એક બાર ઠરાવો પસાર કરવામાં આવ્યા. ઇરાકે તેની અવગણના કરતાં ઇરાક સામે યોગ્ય પગલાં લેવાનો ઠરાવ પસાર થયો, જેના ઉપરથી અમેરિકાએ બીજા 28 દેશો(જેમાં બ્રિટન અને ફ્રાન્સ ઉપરાંત સાઉદી અરેબિયા, ઇજિપ્ત, પાકિસ્તાન જેવા આરબ અને મુસ્લિમ દેશોનો સમાવેશ થતો હતો)ની નાણાકીય અને લશ્કરી સહાય લઈને ઇરાક ઉપર હુમલો કર્યો. 42 દિવસ ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાએ તેનાં અદ્યતન લશ્કરી શસ્ત્રોનો ઉપયોગ કરીને ઇરાકને અનહદ નુકસાન પહોંચાડ્યું. પરિણામે ઇરાકમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ.

કુવૈતમાંથી લશ્કરો પાછાં ખેંચવાની સાથે ઇરાકે કુવૈતના તેલભંડારોનો નાશ કરવા માટે તેમને આગ લગાડી અને સમુદ્ર તથા વાતાવરણમાં ભયજનક પ્રદૂષણ ફેલાવ્યું, જેને કાબૂમાં લેતાં ઘણો પરિશ્રમ ઉઠાવવો પડ્યો હતો. આ દેશનાં મહત્વનાં શહેરોમાં સાલિમિયાં, હવાલ્લી, પરાનાવિયા, અબરાકખિતાન, જહરા, પહાહિલ તેમજ રણદ્વીપોમાં ફૈલાકા, બબિયાન અને વરાબાનો સમાવેશ થાય છે.

અરબસ્તાનના ઈશાન ખૂણે ઈરાની અખાતના ફાંટારૂપ કુવૈતના ઉપસાગરના દક્ષિણ કાંઠે તે વસેલું છે. તેની સ્થાપના અરબસ્તાનના દ્વીપકલ્પના અંદરના ભાગમાંથી આવીને વસેલા આરબ કુટુંબોએ કરી હતી. જૂના શહેરનો વિસ્તાર 13 ચોકિમી. હતો અને મકાનો માટીનાં હતાં. આ સ્થળમાં જ વસ્તી હતી. 1957માં કોટની માટીની દીવાલો તોડી નાખ્યા પછી માત્ર ત્રણ પ્રાચીન દરવાજા બચ્યા છે.

બીજા વિશ્વયુદ્ધ પછી તેનો ઘણો વિકાસ થયો છે અને પેટ્રોલની રિફાઇનરી ઉપરાંત રસાયણ, ખાદ્ય, મત્સ્ય અને ખાણ ઉદ્યોગનો વિકાસ થયો છે. અગાઉ માત્ર મત્સ્ય અને મોતી કાઢવાના જ ઉદ્યોગો હતા. વરસાદ નહિવત્ પડે છે (25થી 75 મિમી). શિયાળામાં તોફાની પવનો ફૂંકાય છે અને વાવાઝોડા સાથે વરસાદ આવે છે અને થોડી ખેતી થાય છે. શિયાળામાં સરેરાશ તાપમાન 33° સે. અને ઉનાળામાં વધુમાં વધુ તાપમાન 52° સે. રહે છે. ગગનચુંબી ઇમારતો, વૈભવી હોટેલો અને વિશાળ રાજમાર્ગો સમૃદ્ધિનાં સૂચક છે અને માથાદીઠ આવક 13,000 ડૉલરથી વધુ છે. અહીં સ્થાનિક પ્રજા ઉપરાંત બહારથી આવેલા ઇજિપ્ત, પાકિસ્તાન, ભારત અને ઈરાનના વતનીઓની વસ્તી વધારે છે. પરદેશીઓને મત આપવાનો અને મિલકત ખરીદવાનો અધિકાર નથી. 1966માં કુવૈતની યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. શિક્ષણ અને વૈદકીય સારવાર મફત છે. કુવૈત નજીકના ટાપુમાંથી પ્રાચીન પાષાણયુગના અવશેષો મળ્યા છે અને તે કુવૈતના સંગ્રહસ્થાનમાં સચવાયેલાં છે. રાજાશાહી સરકાર છે અને 1992થી પ્રધાન પદ્ધતિથી રાજવહીવટ ચાલે છે. ધારાસભાના સભ્યોની સંખ્યા પચાસ છે.

1999માં કુવૈતમાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો પરંતુ ત્યાંની સંસદે શાસકના આ આદેશને પરાજિત કર્યો તેથી મહિલાઓના આ અધિકાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. 2003માં રૂઢિચુસ્તોએ સંસદીય ચૂંટણીમાં ભારે બહુમતી મેળવી.

મે 2005માં મહિલા મતાધિકાર પર મુકાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. જૂન, 2005માં એક મહિલાને કુવૈતની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું. આમ રાજકારણના ક્ષેત્રમાં મહિલાઓની સક્રિય ભાગીદારીની દિશામાં કુવૈત થોડાં ડગલાં આગળ વધ્યું.

વસંત ચંદુલાલ શેઠ

શિવપ્રસાદ રાજગોર