કુશિનારા : બિહારમાં આવેલા ગોરખપુરથી પૂર્વમાં આશરે 60 કિમી. દૂર આવેલું કસિયા ગામ. મૂળ નામ કુશાવતી અને ત્યાં મલ્લ વંશનું પાટનગર. રાજાશાહી હતી ત્યારે તે એક સમૃદ્ધ અને વસ્તીવાળું નગર હતું. બુદ્ધના સમયમાં રાજાશાહીનું સ્થાન ગણતંત્રે લીધું અને નગરનું નામ કુશિનારા પાડ્યું. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 12 યોજન અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 7 યોજન હતી. તેને સાત કોટ, ચાર દરવાજા અને તાડવૃક્ષોથી શોભતા સાત માર્ગો હતા અને એક મહાસુદર્શન નગરી હતી. તેમાં મલ્લ વંશના રાજાઓનું સંથાગાર હતું, જેમાં તેઓ રાજકીય અને ધાર્મિક બાબતોની ચર્ચા કરતા હતા. કુશિનારાની પૂર્વ બાજુએ મલ્લોનું મુકુટબન્ધન નામે પવિત્ર સ્થાન હતું જ્યાં ભગવાન બુદ્ધનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. તે સ્થળ ઉપર તથાગતના અવશેષોને તેમણે એક ચક્રવર્તી રાજા જેવું માન આપ્યું હતું. તેના ઉપર તેમણે એક સ્તૂપ બાંધ્યો હતો. કુશિનારામાં ગૌતમ બુદ્ધ 80 વર્ષની વયે પરિનિર્વાણ પામ્યા હતા. ચીની પ્રવાસી યુએન-સાંગે આ નગરમાં સમ્રાટ અશોકે બંધાવેલો સ્તૂપ જોયો હોવાનું નોંધેલું છે. આ નગરમાં સ્તૂપ, વિહાર અને ચૈત્યગૃહ ઈંટેરી છે. કનિંગહામના મત મુજબ ગોરખપુરથી 60 કિમી. પૂર્વમાં આવેલું ગામ કાસિયા એ કદાચ કુશિનારા હતું. આ ગામની પાસેના નિર્વાણમંદિર પાછળના સ્તૂપમાંથી મળી આવેલા તામ્રપત્રના લેખમાં ‘પરિનિર્વાણ-ચૈત્ય-તામ્ર-પટ્ટ’ એવું લખાણ છે. ભગવાન બુદ્ધ જ્યાં નિર્વાણ પામ્યા તે સાલવાન આજે ‘માતા કુંવર કા કોટ’ તરીકે ઓળખાય છે.
યતીન્દ્ર દીક્ષિત
ચીનુભાઈ નાયક
રામજીભાઈ ઠા. સાવલિયા