કુશાન રાજાઓ : યૂએચી પ્રજાનાં પાંચ રાજ્યો પૈકીના એક પર શાસન કરનાર. યૂએચી લોકોને વાયવ્ય ચીનમાંથી ઈ.પૂ. બીજી સદીમાં હૂણોએ હાંકી કાઢ્યા ત્યારે તેઓ નાના યૂએચી અને મોટા યૂએચી એમ બે શાખામાં ફંટાઈ ગયા. નાના યૂએચી સરદરિયાના શકોને હાંકી કાઢી ત્યાં વસ્યા. અહીંથી આ લોકોને સ્થળાંતર કરવું પડ્યું અને આમૂદરિયાના પ્રદેશમાં ગયા. અહીં તેઓ યવન, પહલવ, રોમીય જેવી સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા. લાંબા વસવાટ પછી યૂએચી પ્રજા પાંચ અલગ રાજ્યોમાં વિભાજિત થઈ, જેમાં એક હતી કુશાન ઠકરાત, જેણે અન્ય ચાર ઉપર પ્રભુત્વ સ્થાપ્યું. આ ઘટના ઘટી ઈશુની પહેલી સદીમાં કુજુલ કદફિસીસના નેતૃત્વ દરમિયાન.
કુજુલે પહલવ (પાર્થિયા), કાબુલ, કાફિરિસ્તાન વગેરે પ્રદેશો ઉપર સત્તા ફેલાવી. એણે હિન્દુકુશ ઓળંગી ભારતીય પહલવ રાજ્ય જીતી લીધું અને ગાંધાર સુધી સત્તા પ્રસારી. એના ઉત્તરાધિકારીઓએ ઉત્તર ભારતમાં વારાણસી સુધી રાજ્ય વિસ્તાર્યું. કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તેમના શાસન હેઠળ હતાં. ઉત્તર ભારતમાં કુશાનોનું શાસન એક સદી ટક્યું.
‘ધર્મ-સ્થિત’ અને ‘સત્યધર્મ-સ્થિત’ બિરુદ ધરાવતા કુજુલે બૌદ્ધધર્મ અંગીકાર કર્યાનું સૂચિત થાય છે. ‘મહારાજા’, ‘રાજાધિરાજ’ જેવાં બિરુદધારી કુજુલે ભારતીય યવન રાજા હેરમય સાથે મૈત્રી સાધી હતી. એના તાંબા અને ચાંદીના સિક્કા ત્રણ પ્રકારના છે.
કુજુલ પછી એનો પુત્ર વિમ કદફિસીસ ગાદીએ આવ્યો. એના ત્રણ તોલમાપના તાંબાના સિક્કા ઉપરાંત સોનાના સિક્કા પણ પ્રાપ્ત થયા છે. એના સમયમાં ભારતની નિકાસપ્રવૃત્તિનો અભ્યુદય હતો. મુખ્યત્વે રોમમાં ભારતીય માલ જતો; ભારતની આયાત ઓછી હોઈ બદલામાં સુવર્ણસિક્કા ચૂકવાતા. આથી આ સિક્કા ભારતીય ચલણમાં ફરતા થયા. સાઇબીરિયાથી પણ સોનાની આયાત થતી. આથી સોનાના સિક્કા વિમનું મહત્વનું પ્રદાન ગણાય. ગ્રીકખરોષ્ઠી લિપિમાં અને ગ્રીક પ્રાકૃત ભાષામાં એના દ્વિભાષી સિક્કા સંશોધનમાં ઉપયોગી ગણાય છે.
વિમે પશ્ચિમ ગંધાર ઉપરની સત્તા સિંધુની પૂર્વે વિસ્તારી અને પૂર્વ ગંધાર, કાશ્મીર, પંચાલ અને સિંધુદેશ સુધી પ્રસારી. આમ સિંધુની પૂર્વે સત્તા ફેલાવનાર વિમ પ્રથમ કુશાન રાજા હતો. ‘મહારાજા’, ‘સર્વલોકેશ્વર’, ‘માહેશ્વર’ જેવાં એનાં બિરુદો નોંધપાત્ર છે.
કુશાન વંશમાં વિમનો ઉત્તરાધિકાર કનિષ્કને મળ્યો, પણ વિમ સાથેનો એનો સંબંધ સ્પષ્ટ નથી. પરંતુ કુશાન સૂબાઓની સ્પર્ધામાં કનિષ્ક સમસ્ત કુશાન રાજ્યનો અધિપતિ બન્યો. આમ તે કુશાન વંશનો સહુથી મહાન શાસક ગણાય છે.
સંભવત: કનિષ્કનો પુત્ર વાસિષ્ક તેના પછી ગાદીએ આવ્યો. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી પ્રાપ્ત વર્ષ 24થી 28ના અભિલેખો એના રાજ્યવિસ્તારનું સૂચન કરે છે. વાસિષ્કના સિક્કા મળ્યા નથી. એના પછી એનો અનુજ હુવિષ્ક ગાદીએ આવ્યો. તે વાસિષ્કના શાસનકાલમાં ઉપરાજ હતો. ઉત્તરપ્રદેશ, પંજાબ અને અફઘાનિસ્તાનમાંથી પ્રાપ્ત વર્ષ 28થી 60ના એના લેખો અને સોનાના ઘણા સિક્કા એના વિશાળ અને સમૃદ્ધ શાસનના દ્યોતક છે. એના તાંબાના અને સોનાના સિક્કા ઉપર ‘ષાહાનુ ષાહિ હુવિષ્ક કુષાણ’ એવું લખાણ અને ભારત, ઈરાન, સુમેર, ગ્રીસનાં દેવદેવીઓ અંકિત છે. વાસિષ્કનો પુત્ર કનિષ્ક બીજો હુવિષ્કનો ઉપરાજ હતો. એના સિક્કા મળ્યા નથી. વર્ષ 41નો એકમાત્ર લેખ મળ્યો છે.
ઉપલબ્ધ સિક્કા તે પછીના કુશાન રાજાઓમાં વાસુદેવ બીજાનું નામ આપે છે; પરન્તુ વાસુદેવ પછીનો કુશાન શાસનનો ઇતિહાસ અસ્પષ્ટ છે. એનું નામ ભાગવત સંપ્રદાયનું સૂચક છે. માત્ર મથુરા આસપાસથી પ્રાપ્ત એના સિક્કા ઉપર વૃષભવાહન શિવની આકૃતિ છે, જે મોહેશ્વર સંપ્રદાય પ્રત્યેની એની અભિરુચિ દર્શાવે છે. પછીના કુશાન રાજાઓએ એક સદી સુધી કાબુલ ખીણ ઉપર શાસન કર્યું.
કુશાન શાસન દરમિયાન ભારતના અનેક પ્રદેશો તથા મધ્ય એશિયા સુધીના કેટલાક વિસ્તારો એક સામ્રાજ્યની સત્તા હેઠળ સંગઠિત થયા હતા અને ભારતીય ધર્મ, કલા અને સાહિત્યના ક્ષેત્રે કેટલાંક નોંધપાત્ર પરિવર્તનો આવ્યાં. આમ ઉત્તર ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસમાં કુશાનવંશનું દાયિત્વ નોંધપાત્ર રહ્યું.
આ વંશનો કાલક્રમ સુનિશ્ચિત થયો નથી અને બીજાંકુરન્યાયની માફક સતત વિવિધ મતો પ્રસ્થાપિત થતા રહે છે. બહુમતી વિદ્વાનો કનિષ્કના રાજ્યારોહણને ઈસવી સનની બીજી સદીના મધ્યમાં મૂકે છે. જોકે કનિષ્ક જૂથના કુશાન રાજાઓએ પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અમલના અંત પછી અને મથુરાના નાગવંશ રાજાઓના અમલ પૂર્વે રાજ્ય કર્યું હોવાનું વધુ સંભવિત જણાય છે.
રસેશ જમીનદાર