કુશાણ સ્થાપત્ય : કુશાન શાસનકાળ દરમિયાન વિકસેલી સ્થાપત્યકળા. આ ગાળા દરમિયાન ગંધાર અને મથુરામાં કલાકેન્દ્રો વિકસ્યાં. પરન્તુ મુખ્યત્વે તે શિલ્પકલાનાં કેન્દ્રો બની રહ્યાં. કુશાનકાળમાં સ્થાપત્યનો વિકાસ જરૂર થયો પણ એની વિગતો પ્રમાણમાં ઘણી ઓછી ઉપલબ્ધ છે. કનિષ્કના સમય દરમિયાન ગંધાર પ્રદેશમાં સ્તૂપના અંડને ઊંચો આકાર આપવાનો પ્રારંભ થયો. એણે પેશાવરમાં બંધાવેલો સ્તૂપ 235 મીટર ઊંચા ટાવર આકારનો હતો. આ ઇમારતને તેર માળ હતા. આ સ્તૂપ એશિયાભરમાં વિખ્યાત હતો. કુશાનકાળના સ્થાપત્યનો આ શ્રેષ્ઠ નમૂનો હતો. આ દરમિયાન ગંધારની સાથે મથુરા પણ કલાના ઉન્મેષોનું વ્યાપક કેન્દ્ર બન્યું, કુશાન રાજાઓએ કલાકારોને આશ્રય આપેલો. આ દરમિયાન સ્થાનિક ધર્મ અને પરંપરાનું કલામાં સુંદર સંયોજન થયેલું જોવા મળે છે. બૌદ્ધ, જૈન અને હિન્દુ સ્થાપત્યકલાએ આ કાલ દરમિયાન ગણનાપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. કુશાન સામ્રાજ્યના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની કલાની બે પરંપરાઓ વિકસી. બંને કલાનાં લક્ષણો પરસ્પરથી ભિન્ન હતાં પણ રજૂઆત સુસ્પષ્ટ હતી.
રસેશ જમીનદાર