કુશાણ – શિલ્પકલા : શક-કુશાણ કાલ (ઈ. સ. રજીથી 4થી સદીનો પૂર્વાર્ધ) દરમિયાન મથુરા, તક્ષશિલા, અમરાવતી અને નાગાર્જુનીકોંડાનો નૂતન કાલાકેન્દ્રો તરીકે વિકાસ થયો. મથુરામાં મથુરા શૈલી, તક્ષશિલા અને ત્યાંથી સ્વાત નદીની ખીણ સુધીના પ્રદેશમાં ગંધારશૈલી અને અમરાવતી તથા નાગાર્જુનીકોંડાના વિસ્તારને આવરી લેતા પ્રદેશમાં વૅંગી(આંધ્ર)શૈલી વિકસી. આ કાલમાં ગુજરાતમાં પણ ગંધાર અને મથુરાની કલાશૈલીઓના પ્રભાવશાળી વિશિષ્ટ કલાશૈલી શામળાજીમાં ખીલી હોવાનું જણાય છે.
આ કાલની કલામાં ઈરાની, ગ્રીક અને ભારતીય પ્રવાહોનો સંગમ થયેલો જોવા મળે છે. આમાં ભારતીય પ્રવાહ પહેલેથી પહોળો, ઊંડો અને વેગવાન હતો. ધીમે ધીમે એણે અન્ય પ્રવાહોને પોતાનામાં સમાવી દીધા. આમ આ કાલના અંતમાં એક સાર્વત્રિક પ્રસારક્ષમ ભારતીય શિલ્પશૈલીનું નિર્માણ થયું.
આ કાલ દરમિયાન અંશમૂર્ત અને પૂર્ણમૂર્ત બંને પ્રકારનાં શિલ્પો થવા લાગ્યાં. મથુરામાં રાતા રવાદાર પથ્થરનાં, ગંધારમાં સ્લેટિયા પથ્થરનાં અને વેંગીમાં સફેદ ચૂનાના પથ્થરનાં બનેલાં શિલ્પો એક બીજાથી તરત જુદાં પડી જાય છે. ગંધાર અને વૅંગીનાં શિલ્પો બૌદ્ધ ધર્મનાં વાહક છે, જ્યારે મથુરામાં બૌદ્ધ ઉપરાંત જૈન અને બ્રાહ્મણ ધર્મનાં શિલ્પો મોટા પાયા પર બન્યાં છે.
બુદ્ધની મૂર્તિ એ કુશાણ કલાની મોટી ભેટ છે. બુદ્ધને માનુષદેવતા માનીને તેમના પૂર્વ જન્મોને બોધિસત્વ તરીકે લેતાં મૂર્તિપૂજાનો બૌદ્ધ ધર્મમાં પ્રસાર થયો. પ્રાચીન યક્ષ મૂર્તિઓને આધારે મથુરામાં બનેલી બોધિસત્વ અને બુદ્ધની મૂર્તિઓ એના પ્રાચીનતમ નમૂના જણાય છે. ગંધારમાં પણ ગ્રીકકલાના પ્રભાવવાળી ગંધારશૈલીએ બોધિસત્વો અને બુદ્ધની મૂર્તિઓ બની. એમ લાગે છે કે શક-કુશાણ કાલમાં બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ ત્રણેય ધર્મોમાં મૂર્તિપૂજાનો વ્યાપક પ્રસાર થતાં ધર્માચાર્યોની પ્રેરણા અનુસાર કલાસિદ્ધો પ્રચલિત લોકકલાના આધારે ધર્માનુકૂલ દેવમૂર્તિઓ કંડારતા ગયા. બીજી બાજુ ધાર્મિક વાસ્તુમાં તેઓ પ્રચલિત પ્રતીકો ઉપરાંત લોકજીવનનાં આનંદ અને ઉલ્લાસનાં અભિનવ દૃશ્યો પ્રયોજતા ગયા. આમ તત્કાલીન કલામાં ધાર્મિક અને સાંસારિક જીવનનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.
મથુરાની શિલ્પકલા ભારતીય કલાના ઇતિહાસનું અગત્યનું સોપાન છે. ઉત્તરકાલમાં જે પ્રતીકો અને મૂર્તિવિધાન માટે આવશ્યક તત્વો ગણાયાં તે લગભગ બધાં આ કાલમાં વ્યક્ત થયાં છે. એની કલાકૃતિઓમાં કદાવર અને ભરાવદાર કાયામાં સરળ પાર્થિવ ભવ્યતાની અભિવ્યક્તિ થઈ છે. ગંધારની અલંકૃત શૈલીમાં દેહસૌષ્ઠવને સપ્રમાણ બનાવવા તરફ વિશેષ લક્ષ અપાયું છે. એનાં અંગવસ્ત્રાદિની અભિવ્યક્તિનાં ગ્રીકકલાની અનોખી અસર વરતાયત છે. વૅંગીની શિલ્પકલા ભવ્ય અને ઉત્કૃષ્ટ છે. એમાં પાર્થિવ સરળતા અને ગંભીરતાનાં દર્શન થાય છે. મથુરા અને વૅંગીની કલામાં રોમન સામ્રાજ્ય સાથેના સંપર્કની (આંશિકપણે આર્થિક અને સાંસ્કૃતિક) અસર વરતાય છે.
પ્રવીણચંદ્ર પરીખ