કુવલયાનંદ : અપ્પય દીક્ષિત-રચિત સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. દક્ષિણ ભારતના એક રાજવી વેંકટપતિની પ્રેરણાથી, રંગરાજાધ્વરીના પુત્ર અપ્પય દીક્ષિતે સંસ્કૃતની વિવિધ શાખાઓ મીમાંસા, વેદાન્ત (અદ્વૈત), સાહિત્ય, સ્તોત્ર આદિના નાનામોટા મળીને કુલ 104 ગ્રંથો લખ્યા હોવાનું કહેવાય છે. આમાંથી તેમની 39 જેટલી કૃતિઓ પ્રકાશિત થયેલી છે.

કુવલયાનંદ

અલંકારશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતી તેમની કૃતિઓ : (1) વૃત્તિવાર્તિક, (2) ચિત્રમીમાંસા અને (3) કુવલયાનંદ છે. કુવલયાનંદમાં અનુષ્ટુપ છંદમાં લખાયેલ કુલ 168 કારિકા છે. તેમાં કેવલ કાવ્યના અલંકારોનું જ નિરૂપણ છે. તેમણે નિરૂપેલ અલંકારોની સંખ્યા લગભગ 123 જેટલી છે. આ અલંકારોમાં ગૂઢોક્તિ, વિવૃતોક્તિ, લોકોક્તિ, છેકોક્તિ, નિરુક્તિ વગેરે 17 નવા અલંકારો દીક્ષિતે પોતે ઉદભાવિત કર્યા છે. દીક્ષિતની પૂર્વે જયદેવના ‘ચન્દ્રાલોક’ ગ્રંથમાં લગભગ 100 જેટલા તો અલંકારો હતા જ. ‘કુવલયાનંદ’ આ ‘ચન્દ્રાલોક’ પર આધારિત હોવાનું અપ્પય દીક્ષિતે જ કહ્યું છે.

આનંદવર્ધન અને મમ્મટના સમયમાં વસ્તુધ્વનિ તરીકે પ્રતિષ્ઠા પામેલ ધ્વનિને તેના ઉત્તમ સ્થાનેથી ખસેડી અપ્પય દીક્ષિતે તેને ‘ગૂઢોક્તિ’ નામના અલંકારમાં સંનિવિષ્ટ કર્યો. આ રીતે અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં રસ, અલંકાર, ગુણ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય – એ છ પ્રસિદ્ધ સંપ્રદાયોમાં અપ્પય દીક્ષિતનું ‘કુવલયાનંદ’ અલંકાર સંપ્રદાય સાથે સંબદ્ધ છે. આમાં આવેલી કારિકાઓમાં પૂર્વાર્ધમાં અલંકારનું લક્ષણ અને ઉત્તરાર્ધમાં તેનું ઉદાહરણ એવી સરલ શૈલી આ ગ્રંથમાં રહેલી છે.

ભગવતીપ્રસાદ પંડ્યા