કુલ, અકુલ : કૌલમાર્ગ અનુસાર કુલનો અર્થ છે ‘શક્તિ’ અને અકુલનો અર્થ છે ‘શિવ’. કુલ અને અકુલનો સંબંધ સ્થાપિત કરવાનું નામ ‘કૌલમાર્ગ’ છે. કુલના બીજા પણ અર્થો થાય છે. જેમાં એક અર્થ ‘વંશ’ કે વંશપરંપરા થાય છે. જ્યારે અકુલનો અર્થ વંશ કે વંશ-પરંપરા રહિતપણું થાય છે. આ દૃષ્ટિએ શિવની ‘અકુલ’ સંજ્ઞા ઉચિત જ છે કેમ કે શિવને કોઈ કુલગોત્ર નથી, આદિ અન્ત નથી. તેઓ અનન્ય, અખંડ, અદ્વય, અવિનશ્વર છે. આથી વિપરીત શક્તિ સૃષ્ટિની હેતુ છે, તે સમગ્ર જગત-પ્રપંચની પ્રવર્તિની છે આથી તે ‘કુલ’ છે. શક્તિથી બધા પદાર્થો ઉત્પન્ન થાય છે, શક્તિ શિવની પ્રિયા છે, પરંતુ એનો અર્થ એ નથી કે શિવ-શક્તિ ભિન્ન છે. વસ્તુતઃ એમનામાં કોઈ ભેદ નથી. ચંદ્રમા અને ચાંદનીના જેવો શિવ અને શક્તિનો સંબંધ છે. શક્તિ શિવથી ભિન્ન નથી તેમ શિવ વગર તેનું હોવું સંભવિત પણ નથી. આ બાજુ શિવ પણ શક્તિ વગર શવ (=શબ)ના જેવા છે અર્થાત્ તેઓ કંઈ પણ કરવા અસમર્થ છે. ‘શિવ’ શબ્દમાંનો ‘ઇ’-કાર શક્તિનો વાચક છે. શિવમાંથી ‘ઇ’-કાર કાઢી નાખવાથી શિવ ‘શવ’ થઈ જાય છે.
યોગમાં કુલ અલગ અર્થમાં પ્રયોજાય છે. એમાં ‘કુ’નો અર્થ પૃથ્વી અને ‘લ’નો અર્થ લીન થવું થાય છે. પૃથ્વી- તત્વ મૂલાધારચક્રમાં રહે છે. આથી મૂલાધારને પણ કુલ કહેવામાં આવે છે. આ મૂલાધાર સાથે સુષુમણા નાડી જોડાયેલી છે. કુંડલિની શક્તિ સહસ્રારચક્રમાં રહેલ પરમશિવ સાથે એકાત્મતા કરવા માટે આ સુષુમણા નાડી મધ્યમાંથી ઊઠીને ઉપર ચડે છે, આથી લક્ષણાને આધારે સુષુમણાને પણ ‘કુલ’ કહેવામાં આવે છે.
બૌદ્ધ તાંત્રિકોમાં 8મી સદીથી કુલ શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. ત્યાં ‘સાધનમાલા’ ગ્રંથમાં કુલ-સેવાથી જ બધી કામનાઓને સંતોષે એવી સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાનું જણાવ્યું છે. ત્યાં કુલ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે પાંચ ધ્યાની બુદ્ધોથી પાંચ કુલોની ઉત્પત્તિ થઈ છે – અક્ષોભ્યથી વજ્રકુલ, અમિતાભથી પદ્મકુલ, રત્નસંભવથી ભાવરત્નકુલ, વૈરોચનથી ચક્રકુલ અને અમોધસિદ્ધિથી કર્મકુલની ઉત્પત્તિ થઈ છે. એમની સેવા એ કુલ-સેવા છે.
પ્રવીણચંદ્ર પરીખ