કુર્સ્ક (પ્રદેશ) : પશ્ચિમ રશિયામાં કુર્સ્ક શહેરની આજુબાજુ વિસ્તરેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 52° 14′ ઉ. અ. અને 35° 30′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 30,000 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઑરેલ, પૂર્વમાં વોરોનેઝ, દક્ષિણે બેલગેરોડ તથા પશ્ચિમે યુક્રેનના પ્રદેશો આવેલા છે. આ પ્રદેશ મધ્ય રશિયાના ઉચ્ચપ્રદેશમાં દક્ષિણ ભાગમાં પથરાયેલો છે. તેનું ભૂપૃષ્ઠ અનિયમિત છે. અહીંનો સ્ટેપ-જંગલ વિસ્તાર ખેતી તેમજ અન્ય પ્રવૃત્તિઓના વિકાસને કારણે નાશ પામ્યો છે. અહીંની 70% જેટલી ભૂમિ ફળદ્રૂપ તથા ખેતીયોગ્ય બની છે. તેમાંથી ધાન્યપાકો, સુગરબીટ, શણ, ફળો, બટાટા, શાકભાજી વગેરે પાક લેવાય છે. 50% લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે અને ગ્રામવિસ્તારોમાં રહે છે. ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરે છે.

ખેતીની પેદાશોનું પ્રક્રમણ કરી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાય છે. કુર્સ્ક શહેર આ પ્રદેશનું મુખ્ય મથક છે, ત્યાં યંત્રો તથા રસાયણો બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. ખેતીની કેટલીક પેદાશોમાંથી કૃત્રિમ રબર તેમજ સુગરબીટમાંથી ખાંડ બનાવવાનાં કારખાનાં ઊભાં થયાં છે. કુર્સ્ક શહેરની આસપાસના ભાગોમાં મોટા પ્રમાણમાં લોહ-અયસ્ક મળે છે. ભૂગર્ભ-ખાણો કરતાં સપાટી-ખાણો વિશેષ છે. આ ઉપરાંત અહીં ધાતુકામના, ખાદ્યપ્રક્રમણના, વીજસાધનો, ઇમારતી બાંધકામ-સામગ્રી, કાપડ અને રસાયણો-દવાઓ બનાવવાના એકમો છે. અહીંનાં મોટાં શહેરોમાં કુર્સ્ક, લગોવ, ઓબોયાન, ફતેઝ અને સચિગ્રી છે.

1943માં આ પ્રદેશમાં થયેલા ટૅન્કયુદ્ધમાં રશિયાના સૈન્યે કૂટનીતિ દ્વારા જર્મનોને હાંકી કાઢેલા, આ યુદ્ધ દરમિયાન કુર્સ્ક શહેરને ઘણું નુકસાન પહોંચેલું.

કુર્સ્ક (શહેર) : રશિયાના નૈર્ઋત્ય ભાગમાં મૉસ્કોની દક્ષિણે આવેલું રશિયાનું પ્રાચીન શહેર. કુર્સ્ક પ્રદેશનું તે વહીવટી મથક તથા હાલનું ઔદ્યોગિક કેન્દ્ર છે. ભૌગોલિક સ્થાન : 51° 42′ ઉ. અ. અને 36° 12′ પૂ. રે. તે ખાર્કોવથી 195 કિમી. ઉત્તરે તથા સીમ, કુર અને તુસ્કોર નદીઓના ખીણપ્રદેશમાં કાળી ફળદ્રૂપ જમીનના વિસ્તારમાં સીમને કાંઠે વસેલું છે. આ શહેર કુર્સ્ક પ્રદેશનું અગત્યનું સાંસ્કૃતિક અને આર્થિક મથક બની રહેલું છે. અહીં અણુવિદ્યુત-મથક બાંધવામાં આવેલું છે. તે રેલમથક પણ છે. શહેરમાં કૃષિ, શિક્ષણ તથા મેડિકલ કૉલેજો આવેલી છે.

અગિયારમી સદીના ઉપલબ્ધ દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. 1240માં તાર્તારોએ આ શહેરનો નાશ કરેલો. 1586 સુધી તે મૂળ સ્થિતિમાં રહેલું. 1586માં તેને ફરીથી બાંધવામાં આવેલું. દક્ષિણ તરફ રશિયન સરહદ વિસ્તરતાં તેનું મહત્વ ઘટી ગયેલું. 1917થી 1920 સુધી અહીં સામ્યવાદી વિચારસરણી ધરાવતા લોકો સાથે સંઘર્ષ થતો રહ્યો. 1941માં જર્મનોએ તેને કબજે કરેલું. 1943માં રશિયનોએ જર્મનોને હાંકી કાઢ્યા.

અહીંનાં જોવાલાયક સ્થળોમાં સત્તરમી સદીનું કુમારિકાઓ માટેનું રહેઠાણ, રુથેરિયન ચર્ચ, સેન્ટ પીટર્સ ચર્ચ, સેન્ટ પૉલ ચર્ચ તથા પ્રાચીન વસ્તુઓના મ્યુઝિયમનો સમાવેશ થાય છે. કુર્સ્ક શહેર રશિયન સંત થિયોડોસિયસનું જન્મસ્થળ છે. કુર્સ્ક પ્રાંતની વસ્તી 10,66,300 જ્યારે શહેરની વસ્તી 4,74,000 (2024) છે.

હેમન્તકુમાર શાહ

નીતિન કોઠારી