કુલન્દૈસામિ, વા. ચે. (જ. 14 જુલાઈ 1929, તિરુચિરાપલ્લી, તામિલનાડુ; અ. 10 ડિસેમ્બર 2016, ચેન્નાઇ) : તમિળ સાહિત્યકાર. તેમની કૃતિ ‘વાલુમ વાલ્લુકમ’ને 1988ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી એકધારી તેજસ્વી રહી છે. તેમણે ખડ્ગપુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી એમ. ટેક. તથા અમેરિકાની યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇમાંથી હાઇડ્રૉલોજીમાં પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી હતી. 1981માં તેઓ ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં વાઇસ-ચાન્સેલર હતા.
તેઓ વૈજ્ઞાનિક શિક્ષણ તથા સાહિત્યક્ષેત્રના તેમના સુદીર્ઘ અનુભવ તથા સૂક્ષ્મ સમજ માટે ખ્યાતિ પામ્યા હતાં તેઓ ‘કુલોત્તુંગન’ ઉપનામથી લેખન કરતા રહ્યા છે. તેમના સાહિત્યિક પ્રદાનમાં મુખ્યત્વે કવિતા તથા સાહિત્યિક વિવેચનનો સમાવેશ થાય છે. તેમનાં કેટલાંક જાણીતાં પુસ્તકોમાં ‘કુલોત્તુંગન્સ પોએમ્સ’, ‘લેટ તમિળ ડેવલપ’ (કાવ્યો), ‘લેટ ધ ગેટ ઓપન’ (કાવ્યો) ‘ભારતીઝ સાયન્ટિફિક આઉટલુક’ તથા ‘ધી ઇમૉર્ટલ કુરલ’ મુખ્ય છે. તેઓ અનેક સાહિત્યિક તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
પુરસ્કૃત કૃતિમાં તિરુવલ્લુવરની પ્રાચીન કૃતિ ‘તિરુક્કુરલ’ પ્રત્યે રચનાત્મક અભિગમ આલેખાયો છે. આ કૃતિ વસ્તુત: શ્રેણીબંધ વ્યાખ્યાનો પરથી તૈયાર કરાઈ છે. તેમાં ‘તિરુક્કુરલ’ની વિભાવનાઓ પ્રત્યે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ રખાયો છે. કર્તાની અનુભૂતિક્ષમતા, વિશ્લેષણાત્મક અભિગમ તેમજ વિદ્વત્તાપૂર્ણ વિવેચન જેવી ખાસિયતોને કારણે આ કૃતિ ગણનાપાત્ર બની છે.
તેમને 6 કાવ્યસંગ્રહ અને 7 નિબંધસંગ્રહ માટે તમિલનાડુ સરકારે 1999માં તિરુવલ્લુવર ઍવૉર્ડ એનાયત કર્યો હતો. ભારત સરકારે 1992માં પદ્મશ્રી તેમ જ 2002માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં.
મહેશ ચોકસી