કુલ નુકસાન (દરિયાઈ વીમામાં) : દરિયાઈ વીમાના દાવાની પતાવટના સંદર્ભમાં નુકસાનનું એક સ્વરૂપ. કુલ નુકસાન એટલે અસ્કામતનો સંપૂર્ણ વિનાશ. તેના બે પ્રકાર : (1) વાસ્તવિક (actual) કુલ નુકસાન અને (2) અનુમાનિત (constructive) કુલ નુકસાન.

મિલકતનો સંપૂર્ણ નાશ થયો હોય અગર તો તેને મૂળ વસ્તુરૂપે ઓળખાવી ન શકાય એવી રીતે નુકસાન થયું હોય અને તેનું મૂલ્ય નહિવત્ થઈ ગયું હોય અગર તો વસ્તુ તેના મૂળભૂત ઉપયોગ અથવા ઉદ્દેશ માટે નિરર્થક બની ગઈ હોય અગર તો મિલકત તેના કાયદેસરના માલિકને પરત મળી જ ન શકે એવી રીતે છિનવાઈ ગઈ હોય, ત્યારે મિલકતનું વાસ્તવિક કુલ નુકસાન થયું કહેવાય.

અનુમાનિત કુલ નુકસાનમાં મિલકતનો સંપૂર્ણ વિનાશ થયેલો હોતો નથી. મિલકતનો સંપૂર્ણ વિનાશ અનિવાર્ય બની ગયો હોય અગર તો મિલકતનો સંપૂર્ણ વિનાશ થયેલો ન હોય પરંતુ તેના સમારકામનો ખર્ચ મિલકતની મૂળ કિંમત કરતાં વધી જાય એમ હોય અગર તો મિલકતને સંપૂર્ણ વિનાશમાંથી ઉગારી લેવાનો ખર્ચ મિલકતની મૂળ કિંમત કરતાં વધી જાય એમ હોય અને તેથી મિલકતનો ત્યાગ કરવામાં આવે ત્યારે તેનું અનુમાનિત કુલ નુકસાન થયું કહેવાય.

વાસ્તવિક કુલ નુકસાન એ એક ભૌતિક અનિવાર્યતા છે; અનુમાનિત કુલ નુકસાન એ એક આર્થિક-વાણિજ્યિક અનિવાર્યતા છે.

કુલ નુકસાનના કારણ સામે વીમારક્ષણ મેળવવામાં આવેલું હોય તો વીમા કંપની પાસેથી નુકસાનનું વળતર મેળવી શકાય.

ધીરુભાઈ વેલવન