કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા

કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ ખાતે કુલગૂરા નામના સ્થળે આવેલી સૌર-વેધશાળા. આ વેધશાળાનું સંચાલન ધી કૉમનવેલ્થ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગનાઇઝેશન(CSIRO)ની રેડિયોફિઝિક્સ લેબૉરેટરીને હસ્તક છે. ઑસ્ટ્રેલિયાના આ જ વિસ્તારમાં પાર્ક્સ ખાતે આવેલી જાણીતી વેધશાળાનું સંચાલન પણ તે સંસ્થા જ સંભાળે છે.

કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા

કુલગૂરા સોલર ઑબ્ઝર્વેટરી ખાતે સૂર્યના ચાક્ષુષીય અથવા પ્રકાશીય નિરીક્ષણ માટે જરૂરી કેટલાંક સૌર-ટેલિસ્કોપ ઉપરાંત, રેડિયોહિલિયોગ્રાફ તરીકે ઓળખાતું એક વિશિષ્ટ રેડિયો-ટેલિસ્કોપ પણ આવેલું છે. સૂર્યના રેડિયો-નકશા મેળવવા માટે પ્રયોજાતા રેડિયો-ટેલિસ્કોપ આ નામે ઓળખાય છે. આ ઉપકરણની મદદથી સૂર્યના સક્રિય કિરીટાવરણ (corona) તેમજ સૌર-જ્વાલા અથવા કહો કે સૂર્યના વાતાવરણમાં થતી રેડિયો-હિલચાલ ટેલિવિઝનના પડદા ઉપર સીધેસીધી જોઈ-જાણી શકાય છે. આમ રેડિયોહિલિયોગ્રાફને ‘રેડિયો સૂર્યદર્શક’ કહી શકાય.

કુલગૂરા રેડિયોહિલિયોગ્રાફ 96 જેટલા એકસરખા એરિયલ યા પરવલયિક (parabolic) પરાવર્તકો કે રકાબી ધરાવે છે અને આ બધી રકાબીની ગોઠવણી વિશાળ વર્તુળાકાર(circular array)માં કરવામાં આવી છે. પ્રત્યેકમાં 13.7 મીટરના વ્યાસ ધરાવતી આ ઍન્ટેના 3 કિમી. વ્યાસના વર્તુળ ઉપર એકમેકથી સરખા અંતરે ગોઠવવામાં આવી છે. આવી ગોઠવણને કારણે આ રેડિયો-ટેલિસ્કોપની વિભેદનક્ષમતા (resolving power) વધીને ત્રણ કિલોમીટરની ડિશ ઍન્ટેના બરાબર થાય છે. ઝિલાતા રેડિયો-સંકેતો સેન્ટ્રલ રિસીવરમાં મોકલવામાં આવે છે, જ્યાં એ બધા ઇલેક્ટ્રોનિક રીતે સંચાલિત (processed) થઈને કૅથોડ-રે સ્ક્રીન (ટેલિવિઝન સ્ક્રીન) ઉપર રેડિયો-સૂર્યનું તત્કાલ પ્રતિબિંબ ઉપસાવે છે.

જ્હૉન પાઉલ વાઇલ્ડ (1923) નામના ઑસ્ટ્રેલિયાના જ એક રેડિયો-ખગોળશાસ્ત્રીએ નીચી આવૃત્તિ(low frequencies)એ સૂર્યનો અભ્યાસ કરી શકતા આ વિશાળ અને વિશિષ્ટ રેડિયો-ટેલિસ્કોપની રચના (design) કરી છે. આ ટેલિસ્કોપનું ઉદઘાટન 1967માં થયું ત્યારે 80 મેગાહર્ટ્ઝ (MHz) આવૃત્તિ પર તે કાર્ય કરતું હતું. એ પછી એમાં પાછળથી સુધારા કરીને મૂળથી બેગણી આવૃત્તિ તેમજ મૂળથી અડધી આવૃત્તિ ઉપર પણ એને કાર્ય કરતું કરાયું છે. કુલગૂરા ખાતે 1967થી 1984 સુધી એમ કુલ 17 વર્ષ સુધી આ રેડિયોહિલિયોગ્રાફે કામગીરી બજાવી.

સુશ્રુત પટેલ