કુલકર્ણી દત્તાત્રેય ગુન્ડો

January, 2008

કુલકર્ણી, દત્તાત્રેય ગુન્ડો (જ. 1921, શેદબાલ, જિ. બેલગામ, કર્ણાટક; અ. 16 નવેમ્બર 1992, મુંબઈ) : આધુનિક ભારતીય શિલ્પી, ચિત્રકાર અને કાર્ટૂનિસ્ટ. ‘ડિઝી’ તખલ્લુસથી તેઓ વિશેષ જાણીતા છે. કન્નડ બ્રાહ્મણ માતાપિતાના સંતાન ડિઝીને પાંચ બહેનો અને એક ભાઈ હતાં. ડિઝી સૌથી નાના. શાલેય અભ્યાસ પૂરો કરી 1939માં ડિઝી મુંબઈની કલા મહાશાળા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં જાણીતા ચિત્રકાર કે. કે. હેબ્બરે તેમને કલાની તાલીમ આપી. 1942માં ડિઝીએ ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેતાં તેમનો કલા-અભ્યાસ અધૂરો રહ્યો. તેમણે જેલવાસ વેઠ્યો. એક લાઠીચાર્જ દરમિયાન તેમનું સાથળનું હાડકું પણ ભાંગ્યું. ચળવળ પૂરી થતાં તેમણે કલા-અભ્યાસ પૂરો કરી 1949માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. મુલ્કરાજ આનંદે ડિઝીને કલાસાધના માટે પ્રોત્સાહન આપ્યું તેમજ એ માટે નાણાં આપવાં પણ શરૂ કર્યાં. સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ડિઝીને ફ્રાન્સિસ ન્યૂટન સૂઝા, સૈયદ હૈદર રઝા, શંકર પલ્સિકર, લક્ષ્મણ પૈ, ઓકી (O’key), બાબુરાવ સડવેલકર, શ્યાવક્ષ ચાવડા અને આરા જેવા સહપાઠી મળ્યા; જેમણે પછીથી ચિત્રકલા ક્ષેત્રે નામ કાઢ્યું. ઉપરાંત ગાડે, જહાંગીર સાબાવાલા, ગાયતોન્ડે અને મકબૂલ ફિદા હુસેન સાથે દોસ્તી થઈ. પરિણામે ડિઝી ‘બૉમ્બે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ’ નામે ઓળખાતા આ કલાકારોની માન્યતાઓ અને ફિલસૂફીથી પ્રભાવિત થયા.

દત્તાત્રેય ગુન્ડો કુલકર્ણી

ઘનવાદી ઢબે ચિત્રો આલેખવામાં તેમણે કુશળતા મેળવી. ઉપરાંત તેમની ‘ક્લાઉન’ ચિત્રશ્રેણી ઘણી તારીફ પામી.

1951માં ડિઝીએ અલકા સાથે લગ્ન કર્યું. સુખી લગ્નજીવનમાં તેમને બે પુત્રીઓ અમલા અને અમૃતા પ્રાપ્ત થઈ. ‘હિંદ છોડો’ ચળવળના સમયથી સામાજિક–રાજકીય કટાક્ષ ધરાવતાં ડિઝીનાં વ્યંગ્ય-કાર્ટૂનો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જેવાં પ્રતિષ્ઠિત અખબાર અને સામયિકમાં પ્રકાશિત થતાં હતાં. 1951થી ડિઝીએ ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂનિસ્ટ તરીકે નોકરી સ્વીકારી. હવે તેમનાં કાર્ટૂનોમાં પણ સર્જક તરીકે ‘ડિઝી’ એવી સહી નજરે પડવી શરૂ થઈ. આ કાર્ટૂનોમાં તેમણે ‘શ્રીયુત’ નામે સર્જેલું આમઆદમીનું પાત્ર લોકપ્રિય બન્યું.

1959માં મુંબઈનિવાસી અમેરિકન મહિલા એમિલી મીકરે ડિઝી દ્વારા આલેખિત ખજૂરાહોનાં શિલ્પોનાં રેખાંકનો ખરીદી પ્રદર્શિત કર્યાં. પરિણામે મુંબઈના કલાજગતમાં ડિઝીની એક લલિત ચિત્રકાર તરીકે પહેચાન ઊભી થઈ. ડિઝીએ ભારતીય પુરાણો, ભારતનાં પ્રાચીન શિલ્પો, આધુનિક ચિત્રકારો પોલ ક્લી, પિકાસો, ગાયતોન્ડે, ગાડે, બ્રાકે, હુસેન અને શ્યાવક્ષ ચાવડાનો પ્રભાવ ઝીલી દ્વિપરિમાણી આધુનિક શૈલી અપનાવી. આ શૈલીથી તેમણે રાધાકૃષ્ણની હોળીલીલાથી માંડીને કોંકણના માછીમારો, ગ્રામનારીઓ, આખલા જેવા અનેક વિષયોને ચિત્રોમાં અજમાવ્યા. તેમના ચિત્ર ‘મૅટામૉર્ફોસિસ’ માટે ભારતની રાષ્ટ્રીય લલિતકલા અકાદમીએ નૅશનલ ઍવૉર્ડથી ડિઝીનું બહુમાન કર્યું. મુંબઈ ઉપરાંત હૈદરાબાદ, કોલકાતા અને દિલ્હીમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. ડિઝીએ નગ્ન મહિલાઓની ચિત્રશ્રેણી ઉપરાંત નવતાંત્રિક ચિત્રશ્રેણીઓ પણ સર્જી. આધુનિક જીવન પર પણ તેમણે ચિત્રસર્જન મારફતે ટીકાત્મક ટકોર કરી છે. તેમના ચિત્ર ‘કમ્પ્યૂટર મૅન’માં પુરુષ કમ્પ્યૂટરનાં મશીનોમાં માત્ર ઓતપ્રોત જ નહિ, ગૂંચવાઈ ગયેલો જોવા મળે છે. ચિત્ર ‘પાવર-પ્લે’માં સત્તાધીશોનો માઇક-પ્રેમ અને એ રીતે તેમના અહંકારને ડિઝીએ તાર્દશ રજૂ કર્યો છે. ચિત્ર ‘પોલિટિશિયન’માં રાજકારણમાં પાવરધી વ્યક્તિના ચહેરા પર ખંધાઈ દેખાઈ આવે છે. ડિઝીએ પથ્થર કંડારીને શિલ્પો પણ સર્જ્યાં છે.

1972માં મહારાષ્ટ્ર રાજ્ય લલિતકલા અકાદમીએ ડિઝીના શિલ્પ ‘કેટરપિલર’ માટે તેમનું રાજ્ય-પુરસ્કાર વડે બહુમાન કર્યું. 1990માં મહારાષ્ટ્ર સરકારે ‘મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર’ વડે તેમનું બહુમાન કર્યું. તેમનાં ચિત્રો તથા શિલ્પો બેલગામ જિલ્લાના કુદ્રેમણિ ગામે આશાનંદ ફાર્મમાં આવેલા ‘સ્કલ્પચર ગાર્ડન’માં તેમજ ચેન્નાઈ ખાતે લાર્સન ઍન્ડ ટૂબ્રો કંપનીના કન્વેન્શન સેન્ટરની ‘ડિઝી ગૅલરી’માં કાયમી ધોરણે સંગૃહીત અને પ્રદર્શિત છે. ડિઝીએ કન્નડ ભાષામાં કાવ્યો પણ લખ્યાં છે.

અમિતાભ મડિયા