કુલકર્ણી કૃષ્ણાજી પાંડુરંગ

January, 2008

કુલકર્ણી, કૃષ્ણાજી પાંડુરંગ (જ. 5 જાન્યુઆરી 1892, ઇસ્લામપુર; અ. 12 જૂન 1964, મુંબઈ) : મરાઠી ભાષાના વિખ્યાત વ્યુત્પત્તિપંડિત, ભાષાશાસ્ત્રી, ઇતિહાસ-સંશોધક તથા શિક્ષણશાસ્ત્રી. પિતા વતનના ન્યાયાલયમાં અરજીઓ લખી આપવાનું છૂટક કામ કરતા. મામાના સક્રિય પ્રોત્સાહનથી ભણી શક્યા. નાસિક, કોલ્હાપુર, ફલટણ, સાતારા, પુણે તથા મુંબઈમાં શિક્ષણ લીધું. 1916માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે બી.એ. થયા. પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અંગ્રેજી અને ગણિતના શિક્ષક તરીકે નોકરી કરી. એમ.એ. તથા બી.ટી. થયા પછી અમદાવાદ તથા મુંબઈની કૉલેજોમાં સંસ્કૃત અને મરાઠીના પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું.

મહામહોપાધ્યાય વાસુદેવશાસ્ત્રી પાઠક તથા મહામહોપાધ્યાય વાસુદેવશાસ્ત્રી અભ્યંકર – બંનેએ તેમનામાં સંસ્કૃત પ્રત્યે અભિરુચિ પેદા કરી. વિખ્યાત વેદપંડિત ડૉ. પાંડુરંગ દામોદર ગુણે(1884-1922)એ તેમનામાં ભાષાશાસ્ત્રમાં રસ જગાડ્યો તો વિખ્યાત ઇતિહાસકાર વી. કે. રાજવાડેએ તેમને ઇતિહાસ-સંશોધન તરફ દોર્યા.

કૃષ્ણાજી પાંડુરંગ કુલકર્ણી

1948થી 1950 દરમિયાન તે મરાઠી સંશોધક મંડળના સંચાલક હતા. ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના ‘ભાષા સલાહકાર મંડળ’ના પણ અધ્યક્ષ હતા. 1952માં એમળનેર ખાતે ભરાયેલ મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી.

‘મરાઠી ભાષા  ઉદગમ આણિ વિકાસ’ (1933) નામના તેમના જાણીતા ગ્રંથમાં તેમણે મરાઠી ભાષાનો ઉત્ક્રાંતિક્રમ દર્શાવતું વિશ્લેષણ કર્યું છે. ભાષાશાસ્ત્રમાં તેમનું સૌથી મહત્વનું પ્રદાન તેમનો ‘વ્યુત્પત્તિકોશ’ (1946) નામનો સંશોધનગ્રંથ છે. આ ગ્રંથમાં મૂળ મરાઠી શબ્દોની સાથે યુરોપની ગ્રીક, લૅટિન, ચૅક, રશિયન તથા ફ્રેન્ચ ભાષાઓમાંના તેવા જ શબ્દોના સ્વરૂપની અને અર્થની તુલના કરવામાં આવી છે. મરાઠી ભાષાના ઘણા શબ્દો અન્ય ભારતીય ભાષાઓમાં પણ સાંપડે છે જેનું તુલનાત્મક વિવેચન આ ગ્રંથમાં દસ હજાર શબ્દોની નોંધ તથા ત્રણ હજાર શબ્દોની બેવડી નોંધ સાથે કરવામાં આવ્યું છે.

અન્ય ગ્રંથોમાં ‘ભાષાશાસ્ત્ર – આણિ મરાઠી ભાષા’ (1925) તથા ‘શબ્દ : ઉદગમ આણિ વિકાસ’ (1953); અન્ય સંપાદિત ગ્રંથોમાં ‘રાજવાડે મરાઠી ધાતુકોશ’ (1937) તથા ‘મુકુંદરાજના વિવેકસિંધુ’ (1957) વિશેષ નોંધપાત્ર છે. ‘સંસ્કૃત ડ્રામા ઍન્ડ ડ્રૅમૅટિસ્ટ્સ’ (1926) જેવો અંગ્રેજી ગ્રંથ, જી. એફ. મૂરના ‘ધી બર્થ ઍન્ડ ગ્રોથ ઑવ્ રિલિજન’નો મરાઠી અનુવાદ (1937) અને ‘કૃષ્ણાકાંઠચી માતી’ (1961) નામનું આત્મચરિત્ર તેમની અન્ય ઉલ્લેખનીય કૃતિઓ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે