કુર્રતુલ-ઐન-હૈદર (જ. 20 જાન્યુઆરી 1927, અલીગઢ, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 21 ઑગસ્ટ 2007, નોઇડા, ઉત્તરપ્રદેશ) : 1990નાં જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા. ઉર્દૂ સાહિત્યનાં લોકપ્રિય લેખિકા. પિતા ઉર્દૂ તેમજ તુર્કી ભાષાના મહાન વિદ્વાન સજ્જાદ હૈદર યલદિરમ, માતા બેગમ નઝર સજ્જાદ હૈદરની પણ એક સારા ઉર્દૂ સાહિત્યકાર તરીકે નામના હતી.
કુર્રતુલ-ઐન-હૈદરે અભ્યાસકાળ દરમિયાન પોતાના સર્જનકાર્યનો આરંભ ઉર્દૂમાં એક વાર્તા લખીને 1944માં કર્યો હતો. 1947માં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની ડિગ્રી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી. પછી તો ઘણી બધી વાર્તાઓ અને નવલકથાઓ લખી. એમની કૃતિઓને એટલી બધી લોકપ્રિયતા મળી કે ઘણી બધી વાર્તાઓના ગુજરાતી, હિન્દી, બંગાળી અને અંગ્રેજીમાં અનુવાદ થયા. લેખિકાએ સર્જનકાર્ય સિવાય હેન્રી જેમ્સના ‘પૉટ્રેઇટ ઑવ્ એ લેડી’ અને ટી. એસ. એલિયટના ‘મર્ડર ઇન ધ કથિડ્રલ’ પુસ્તકોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે. અલી સરદાર જાફરી અને ખુશવંતસિંહના સહયોગથી ‘ગાલિબ : પોએટ્રી ઍન્ડ લેટર્સ’ અને ‘સ્ટૉરિઝ ફ્રૉમ ઇન્ડિયા’ શીર્ષકનાં પુસ્તકો તૈયાર કરેલાં છે.
એમની સૌથી લોકપ્રિય નવલકથા ‘આગ કા દરિયા’ છે, જેના તેલુગુ (1970), ગુજરાતી (1971) અને બંગાળી(1973)માં અનુવાદ થયા છે. 1967માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, 1969માં સોવિયેત લૅન્ડ નેહરુ પુરસ્કાર અને 1985માં ગાલિબ પુરસ્કાર, 2000માં બહાદુર શાહ ઝફર ઍવૉર્ડ, 1984માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને 2005માં પદ્મભૂષણ વગેરે સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં.
1969-83ના ગાળા દરમિયાન ‘કારે જહાં દ્દરાજ હૈ’ (નવલકથા), ‘આખરી શબ કે મુસાફિર’ (નવલકથા) અને ‘રોશની કી રફતાર’ (વાર્તાસંગ્રહ) કૃતિઓ પ્રસિદ્ધ થઈ. ભારતીય સાહિત્ય ઉપરાંત સંગીત, શિલ્પ અને ચિત્રકળાના ક્ષેત્રે કુર્રતુલ-ઐન-હૈદરનો મૂલ્યવાન ફાળો રહ્યો છે. સંગીતમાં ગાયનની સાથે પિયાનો અને સિતારનાં તે કુશળ તજ્જ્ઞ હતા. પ્રખ્યાત શિલ્પો બનાવીને પણ નામના પ્રાપ્ત કરી હતી. તેમનાં પ્રકાશનો છે : (1) સિતારોં કે આગે (વાર્તાસંગ્રહ) – 1947, (2) મેરી ભી સનમ ખાને (નવલકથા) – 1947, (3) સફીનાએ ગમે દિલ (નવલકથા) – 1952, (4) શીશે કે ઘર (વાર્તાસંગ્રહ) – 1954, (5) હમી ચિરાગ હમી પરવાને (હેન્રી જેમ્સની નવલકથાનો અનુવાદ) – 1969, (6) આગ કા દરિયા (નવલકથા) – 1949, (7) પથ્થર કી આવાજ (વાર્તાસંગ્રહ) – 1965, (8) આલ્પ્સ કે ગીત (અંગ્રેજીમાંથી અનુવાદ – 1969,) (9) દિલ ગે કી દુનિયા, (10) ગર્દિશે-રંગે-ચમન (નવલકથા) – 1991.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ