કુર્તકોટિ, કીર્તિનાથ બી. (જ. 13 ઑક્ટોબર 1928, ગદગ, કર્ણાટક; અ. 31 જુલાઈ 2003) : કર્ણાટકના પ્રસિદ્ધ વિદ્વાન અને વિવેચક. તેમને તેમના નિબંધ-સંગ્રહ ‘ઉરિયા નાલગે’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
તેમણે ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાં અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ.એ.ની પદવી મેળવી. ગુજરાતમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપકપદે દીર્ઘ સમય અધ્યાપનકાર્ય કરાવ્યું હતું.
તેમનાં અનેક પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં ‘નવ્ય કાવ્યપ્રયોગ’, ‘સંસ્કૃત સ્પંદન’, ‘કન્નડ સાહિત્ય સંગતિ’ અને ‘ટ્રેડિશન ઑવ્ કન્નડ ડ્રામા’ (અંગ્રેજી) જેવી વિદ્વત્તાપૂર્ણ વિવેચનકૃતિઓ મુખ્ય છે. તેમના સાહિત્યમાં નાટકો અને સંપાદિત શોધગ્રંથોનો પણ સમાવેશ થાય છે.
તેમની સાહિત્યસેવા માટે તેમને માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ફેલોશિપ (1994) તથા કર્ણાટક સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેમની પુરસ્કૃત કૃતિ ‘ઉરિયા નાલગે’માં પુરાણકથા અને ભાષાવિજ્ઞાન ઉપરાંત મૂર્તિકલા અને સૌંદર્યશાસ્ત્ર સુધીના વિષયોના વ્યાપક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે. તેમાં પ્રગટ થતી ગંભીર શોધવૃત્તિ, ઉત્તેજક વિશ્લેષણશક્તિ અને સૂક્ષ્મ અંતદૃષ્ટિને કારણે એ કૃતિ ભારતીય વિવેચનસાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાનરૂપ ગણાયેલ છે.
બળદેવભાઈ કનીજિયા