કુર્ડીકર, મોગુબાઈ (જ. 1904; અ. 10 ફેબ્રુઆરી 2001, મુંબઈ) : શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાનાં શ્રેષ્ઠ અને સુવિખ્યાત ગાયિકા, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની શૈલીમાં ખ્યાલ ગાયકીના જયપુર ઘરાનાના જ્યેષ્ઠ કલાકાર અલ્લાદિયાખાંસાહેબનાં તે શિષ્યાં હતાં. 1934માં મોગુબાઈ ખાંસાહેબના ગંડાબંધ શાગીર્દ બન્યાં.

મોગુબાઈ કુર્ડીકર

મોગુબાઈનો બાલ્યકાળ ગોવાના અંતર્ગત કુર્ડી ખાતે વ્યતીત થયો અને તેને લીધે કુર્ડીકર નામથી જાણીતાં થયાં છે. વિપરીત આર્થિક પરિસ્થિતિને લીધે જીવનનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન તેમણે ‘પર્વતકર નાટક મંડળી’માં અભિનય કર્યો. તે પછી તે ‘સાતારકર સંગીત મંડળી’માં જોડાયાં. ત્યાં મળેલા શાસ્ત્રીય સંગીતના સંસ્કારોએ અભિનયકલાનો કાયમ માટે ત્યાગ કરાવ્યો. પછી પોતાનું સમગ્ર જીવન તેમણે શાસ્ત્રીય સંગીતને સમર્પિત કર્યું. મુંબઈમાં સંગીતનું વિશેષ શિક્ષણ ઉસ્તાદ બશીરખાંસાહેબ તથા આગરેવાલે વિલાયતહુસેનખાંસાહેબ પાસેથી પ્રાપ્ત કર્યું. પરિણામે જયપુર ઘરાનાની સંગીતશૈલીને બદલે આગ્રા ઘરાનાના શિક્ષણ તરફ વળ્યાં. સંજોગોવશાત્ થોડાક સમય પછી તેમના મૂળ ગુરુ ઉસ્તાદ અલ્લાદિયાખાંસાહેબ મુંબઈ આવ્યા. તેમની પાસેથી મોગુબાઈએ ફરી સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું. આગ્રા ઘરાનાની શૈલીમાંથી ફરી જયપુર ઘરાનાની શૈલીનું શિક્ષણ મેળવતાં ખૂબ મુશ્કેલીઓ પડી, છતાં તેમની ચીવટ, નિષ્ઠા અને પરિશ્રમને લીધે તેમાં સફળ થયાં. તેમની ગાયનશૈલીની વિશિષ્ટતાઓ : અત્યંત સબળ (પુષ્ટ) સ્વરો; સમૃદ્ધ પણ સંયમિત સ્વરોની તેમજ નિયમિત અને સંયમિત કણસ્વરોની યોજના; લય અને સ્વરના સુસંવાદથી ચીજની રચના, બંદીશ રજૂ કરવામાં દક્ષતા; તેના આકાર, ઉકાર, સ્વરોનું શુદ્ધ ઉચ્ચારણ, શબ્દોની સ્વરો અનુસાર યોગ્ય યોજના અને છેલ્લે બંદીશની પહેલી સમ ઉપર બહુ જ કુશળતાથી આવવું ઉલ્લેખનીય છે. પ્રત્યેક સ્વર, અક્ષર, લયની વૈવિધ્યપૂર્ણ રજૂઆતથી તેમનું આ કૌશલ્ય તેમની પરિશ્રમપૂર્ણ સાધનાનું ફળ છે. ઓછામાં ઓછા સ્વરોથી ઉત્તમ પરિણામ દર્શાવવાની એમની શક્તિ અદભુત હતી. ખાંસાહેબ અલ્લાદિયાખાંના ઘરાનાના પ્રથમ પંક્તિના સંગીતકારોમાં મોગુબાઈ તથા કેસરબાઈ કેરકરનાં નામ આદર સાથે લેવામાં આવે છે. મોગુબાઈનાં સુપુત્રી સુપ્રસિદ્ધ ગાયિકા કિશોરી આમોણકર એમની પાસેથી તાલીમ પામીને એમનું કાર્ય આગળ ચલાવી રહ્યાં છે.

મોગુબાઈની સંગીતસાધનાની કદર રૂપે એમને ઘણા પુરસ્કાર તથા માનસન્માન મળ્યાં છે; તેમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર 1969, ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ 1974 અને મહારાષ્ટ્ર રાજ્ય ગૌરવ પુરસ્કાર 1990 મુખ્ય છે.

સંગીતસમ્રાટ અલ્લાદિયાખાંસાહેબ જેવા ગુરુ પાસે વિદ્યા લેતી વખતે એમને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છતાં બાહ્ય પરિસ્થિતિની કંઈ પણ અસર મોગુબાઈની સંગીતસાધના પર થઈ નથી. એમનો પોતાનો અખંડ રિયાઝ અને અપરિમિત સંગીતભક્તિ એ જ એમની અનન્ય તપસ્યાનું કારણ છે. સંસારમાં બધી જ જવાબદારીઓ અદા કરીને મોગુબાઈએ સંગીતની કઠિન તપસ્યા કરી છે, એટલે જ એમનો ‘ગાનતપસ્વિની’ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.

મંદાકિની અરવિંદ શેવડે