કુરોશીઓ : જાપાનના પૂર્વ કિનારે વહેતો ગરમ સમુદ્રપ્રવાહ. પૅસિફિક મહાસાગરમાં 10° અને 35° ઉ. અ. વચ્ચે કાયમી વેપારી પવનો વાય છે. આથી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ જન્મે છે. આ પ્રવાહ ઉત્તર ફિલિપ્પાઇનના લ્યુઝોન ટાપુથી શરૂ થઈ તાઇવાનના કિનારે થઈને જાપાનના પૂર્વ કિનારે 35° ઉ. અ. સુધી વહે છે. તાઇવાનથી ઉત્તરે જાપાન તરફ જતો પ્રવાહ કુરોશીઓ કે બ્લૅક જાપાન પ્રવાહ તરીકે ઓળખાય છે. ખંડના આકારને કારણે અખાતી પ્રવાહ જેટલો આ પ્રવાહ વેગવાન નથી. આગળ જતાં આ પ્રવાહ પૂર્વ તરફ ઠંડા ઓયાશીઓ પ્રવાહને મળે છે અને દક્ષિણ તરફ કુરાઇલ ટાપુઓ સુધી વહે છે. તેના પાણીનું તાપમાન 20° સે. રહે છે અને ક્ષારતાનું પ્રમાણ દર હજારે 34.5 % જેટલું છે. દર સેકંડે તેના પ્રવાહનો વેગ 50થી 300 ઘનમીટર હોય છે. ઉનાળામાં તે પશ્ચિમ તરફ ફંટાઈને ઈશાન તરફ કોરિયાની સામુદ્રધુનીમાં થઈને જાપાન સમુદ્રમાં હોન્શુ ટાપુની પશ્ચિમે વહે છે. મધ્ય હોન્શુથી પ્રવાહનો મોટો ભાગ પૂર્વ તરફ વહે છે અને દક્ષિણે વહીને ઓયાશીઓને મળે છે. આગળ જતાં તે ઉત્તર પૅસિફિક પ્રવાહ તરીકે ઓળખાય છે. પશ્ચિમી પવનો તેને હવાઈ ટાપુઓ તરફ ખેંચી જાય છે. મેથી ઑગસ્ટ દરમિયાન તેનો પ્રવાહ વેગ પકડે છે. ત્યારબાદ પ્રવાહ ધીમો પડે છે અને ફરી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેગ પકડે છે. યુરોપિયન ભૂગોળવેત્તાઓ 1650થી તેનાથી પરિચિત હતા. આ પ્રવાહને કારણે સામાન્ય તાપમાન અને વરસાદનું પ્રમાણ અહીં વધારે રહે છે. આ જ અક્ષાંશ ઉપર આવેલાં પશ્ચિમ યુરોપનાં બંદરો કરતાં તેનું તાપમાન વધારે હોય છે અને તે બરફથી મુક્ત રહે છે.

શિવપ્રસાદ રાજગોર

બાળકૃષ્ણ માધવરાવ મૂળે