કુરૈશ : અરબસ્તાનના મક્કા શહેરના પ્રખ્યાત કબીલાનું નામ. તેમાં મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ થયો હતો. આ કબીલાનો મુખ્ય વ્યવસાય વેપારનો હતો. તેઓ ખેતી પણ કરતા હતા અને ઇસ્લામના ઉદય પહેલાં મક્કામાં પવિત્ર કાબાનો વહીવટ કરતા હતા.

કુરૈશ કબીલાના દસ જેટલા પેટાવિભાગો હતા : ઉમય્યા, નવફલ, ઝુહરા, મખ્ઝૂમ, અસદ, જુમાહ, સહમ, હાશિમ, તેય્યા અને અદી. છેલ્લા ત્રણ પેટા-કબીલાઓએ ઇસ્લામના ઇતિહાસમાં ઘણી નામના મેળવી છે. પયગંબર સાહેબ હાશિમી હતા અને તેમના ચાર વિખ્યાત ઉત્તરાધિકારીઓ ઉપરાંત ઉસ્માની ખિલાફત સિવાયના બધા મુસ્લિમ ખલીફાઓ પણ કુરૈશી હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી