કુરેશી, સોફિયા (જ. 18 એપ્રિલ, 1972, વડોદરા) : યુનાઇટેડ નૅશન્સના શાંતિ અભિયાનમાં ભારતીય દળનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલાસૈન્યઅધિકારી.
ઑપરેશન સિંદૂરની જાહેરાત કરનાર સોફિયા કુરેશી ભારતીય સેનામાં કર્નલ તરીકે કાર્યરત છે. પિતા મોહંમદ અને માતા અમીના કુરેશી. સોફિયાના પિતા બોર્ડર સિક્યૉરિટી ફોર્સમાં હતા. સોફિયાએ એમ. એસ. યુનિવર્સિટીમાંથી બાયૉટૅકનૉલૉજીમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ત્યારબાદ 1999માં ચેન્નાઈની ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં તાલીમ લીધી છે. તમિળનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજમાંથી ડિફેન્સ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર ભારતના આતકંવાદીઓ સામે જવાબી કાર્યવાહીમાં ભાગ લીધો હતો. 2001માં આર્મીના પહેલાં મોબાઇલ ડિજિટલ કૉમ્યુનિકેશન નેટવર્કને વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2016માં ભારતીય સેના દ્વારા પુણેમાં આસિયાન દેશોના સૈનિકોની સંયુક્ત કવાયત ફોર્સ-18ની ભારતીય સેનાની ચાળીસ ટુકડીઓની આગેવાની લેનાર તે પ્રથમ મહિલા હતી. આમાં રશિયા, અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના સૈનિકોએ ભાગ લીધો હતો અને ઉચ્ચ અધિકારીઓએ સોફિયાના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

સોફિયા કુરેશી
ભારતીય સેના દ્વારા સપ્ત શક્તિ સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત તેણે હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના આશરે પચીસ હજાર વિદ્યાર્થીઓને સેનામાં જોડાવા માટેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં હતાં. તેમણે પૂર્વોત્તરમાં જ્યારે પૂર આવ્યું ત્યારે બચાવ-રાહત કામગીરીમાં સક્રિય અને આગળ પડતો ભાગ લીધો હતો. તેઓ ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑફ કોંગોમાં 2016માં સૈન્યનિરીક્ષક તરીકે પસંદગી પામ્યાં હતાં. તેઓ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ઉપરાંત ઉર્દૂ અને ફ્રેંચ ભાષાનાં જાણકાર છે. તેઓને 2019માં યુકે હાઉસ ઑફ કૉમન્સ દ્વારા ગ્લોબલ પીસ ગાંધી ઍવૉર્ડથી પુરસ્કૃત કરાયાં છે.
પ્રીતિ શાહ
