કુરુદેશ : પૌરાણિક પરંપરા અનુસાર ઉત્તરે સરસ્વતી અને દક્ષિણે ર્દષદ્વતી વચ્ચે આવેલો પ્રદેશ. વેદકાળ દરમિયાન કુરુ રાજ્યમાં હાલનાં થાણેશ્વર, દિલ્હી અને અપર ગંગા-દોઆબનો સમાવેશ થતો. વેદસંહિતાઓ, બ્રાહ્મણ, ઉપનિષદ અને સૂત્રકાળમાં કુરુક્ષેત્ર એ મુખ્ય સ્થળ હતું, જે કુરુપાંચાલોનો પ્રદેશ કહેવાતો. તેની દક્ષિણે ખાંડવ, ઉત્તરે તુર્ધ્ન અને પશ્ચિમે પરીણા આવેલાં હતાં. વશો અને ઉશીનરોની સાથે કુરુ-પાંચાલોએ મધ્યદેશમાં વસવાટ કર્યો હતો. પાંચાલ રાજા સુદાસે પૌરવ રાજા સંવરણને સત્તાભ્રષ્ટ કર્યો એટલે સંવરણ નાસીને સિંધ ગયો અને વસિષ્ઠની મદદથી તેણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. સંવરણને તપતી દ્વારા કુરુ નામે પુત્ર જન્મ્યો, જે પૌરવ રાજાઓમાં સૌથી પ્રખ્યાત હતો. તેણે પોતાનું રાજ્ય પ્રયાગ સુધી વિસ્તાર્યું અને દક્ષિણ પંચાલ પ્રદેશ તાબે કર્યો. કુરુક્ષેત્ર પવિત્ર સ્થળ હતું. કુરુ જનપદ હતું અને તેના રાજાઓ કુરુઓ તરીકે ઓળખાતા. પ્રાચીન સાહિત્યમાં બે કુરુદેશોના ઉલ્લેખ છે : ઉત્તરકુરુ અને દક્ષિણકુરુ. ભગવાન બુદ્ધે કુરુનગર કમ્માસધમનમાં કુરુઓને ધર્મોપદેશ કર્યો હતો. કુરુઓની ઉત્પત્તિની એક કથામાં જંબુદ્વીપના ચક્કવત્તી (ચક્રવર્તી) રાજા માંધાતાએ પુભ વિદેહ, અપરગોયાન અને ઉત્તરકુરુ જીતી લીધાં. જ્યારે તે ઉત્તરકુરુમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તે દેશના રહેવાસીઓ વિશાળ સંખ્યામાં તેની સાથે જોડાયા અને જંબુદ્વીપ આવ્યા; જ્યાં તેઓ સ્થિર થયા તે કુરુક્ષેત્ર તરીકે ઓળખાયું. ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળ્યા પછી કુરુદેશના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.

પ્રાચીન કુરુદેશમાં કદાચ કુરુક્ષેત્ર કે થાણેશ્વરનો સમાવેશ થતો હશે. આ જિલ્લામાં સોનપત, અમિત, કર્નલ અને પાણીપતનો સમાવેશ થતો હતો.

યતીન્દ્ર દીક્ષિત