કુરુઓ : ઐલવંશમાં અગ્રિમ સ્થાન પામેલા ભારતીય આર્યોની એક ટોળી. કુરુના નામ પરથી તેમનો પ્રદેશ ‘કુરુક્ષેત્ર’ તરીકે ઓળખાયો. એનું પાટનગર મેરઠ પાસે ગંગાતટે આવેલું હસ્તિનાપુર હતું. એમના વંશમાં શંતનુ નામે પ્રતાપી રાજા થયા. એમના પુત્ર વિચિત્રવીર્યની બે રાણીઓને ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામે ક્ષેત્રજ પુત્ર થયા. ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચેનો સંઘર્ષ ભારત યુદ્ધમાં પરિણમ્યો. યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં અશ્વમેધ યજ્ઞ કર્યો. એમનો ઉત્તરાધિકાર અભિમન્યુના પુત્ર પરીક્ષિતને અને પરીક્ષિતનો એના પુત્ર જનમેજયને મળ્યો. જનમેજયના પ્રપૌત્ર અધિસીમ કૃષ્ણના પુત્ર નિચક્ષુના સમયમાં હસ્તિનાપુર પર ગંગા નદીનાં પૂર ફરી વળતાં પૌરવોની રાજધાની કૌશાંબીમાં ખસેડાઈ. ઇન્દ્રપ્રસ્થમાં તથા કૌશાંબીમાં પૌરવ કુલની સત્તા નંદકાલ સુધી ચાલુ રહી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી