કુમુદચંદ્ર (બારમી સદી) : કર્ણાટકના રાજા અને જયસિંહ સિદ્ધરાજના માતામહ જયકેશીના ગુરુ જૈન મુનિ. પ્રભાવકચરિત અનુસાર કુમુદચંદ્ર દાક્ષિણાત્ય હતા. કુમુદચંદ્ર વાદવિદ્યામાં કુશલ હતા અને તેમના વિપક્ષીઓમાં બૌદ્ધો, ભાટ્ટ મીમાંસકો, શંકરાચાર્યના અનુયાયીઓ અને કાપિલો(સાંખ્યો)નો સમાવેશ હતો. યશશ્ચન્દ્રના ‘મુદ્રિતકુમુદચંદ્ર’ રૂપકનું કથાવસ્તુ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિ વચ્ચે થયેલી ચર્ચા (પારિભાષિક નામકથા, જેના વાદ, જલ્પ અને વિતણ્ડા એવા ત્રણ પ્રકારો માન્યા છે.) પર આધારિત છે. વિષય હતો – સ્ત્રીઓ મુક્તિ મેળવી શકે કે નહિ ? દિગંબર કુમુદચંદ્ર વાદી હતા અને તેમના મત અનુસાર સ્ત્રી મુક્તિ મેળવી શકે નહિ, જ્યારે વાદિદેવસૂરિ પ્રતિવાદી હતા, જેમણે એમ સિદ્ધ કર્યું કે સ્ત્રી મુક્તિ મેળવી શકે. સિદ્ધરાજ જયસિંહ સભાપતિ હતા જેનો નિર્ણય અંતિમ હોય; અને ચાર સભ્યો હતા : તર્ક, મહાભારત અને પરાશરસ્મૃતિમાં નિષ્ણાત મહર્ષિ; વિદ્વત્તા માટે શારદાદેશ(કાશ્મીર)માં પ્રખ્યાત ઉત્સાહ; સાગર જેવી અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતા સાગર અને તર્ક અને કથા(ચર્ચા)ની વિદ્યામાં પ્રવીણ રામ.
‘મુદ્રિતકુમુદચંદ્ર’ અનુસાર કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિ બંને ચાતુર્માસ માટે આશાપલ્લી(અત્યારનું અમદાવાદ)માં આવ્યા હતા. કુમુદચંદ્રની બડાઈઓથી ત્રાસીને વાદિદેવસૂરિના સહધર્મીઓ અને શિષ્યોએ તેમને કુમુદચંદ્રને પડકારવા પ્રેર્યા અને અણહિલપુરના જૈન સંઘની અનુમતિથી કુમુદચંદ્રને ચર્ચા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું, જે તેમણે સ્વીકાર્યું. કુમુદચંદ્ર હાર્યા અને ચર્ચાની શરત પ્રમાણે કુમુદચંદ્રને ગુજરાત છોડવું પડ્યું.
‘પ્રભાવકચરિત’ પ્રમાણે વિક્રમ સંવત 1181(ઈ. સ. 1125)ની વૈશાખી પૂર્ણિમાને દિવસે આ વાદી-પ્રતિવાદીને ચર્ચાગૃહમાં બોલાવવામાં આવ્યા. આ ચર્ચાનો પહેલો દિવસ હતો કે છેલ્લો એ સ્પષ્ટ થતું નથી, પણ આ ચર્ચા સોળ દિવસ ચાલી એમ કહ્યું છે. આ પ્રસંગનું ઐતિહાસિક મહત્વ એ છે કે જો વાદિદેવસૂરિએ કુમુદચંદ્રને હરાવ્યા ન હોત તો ગુજરાતમાં કોઈ શ્વેતાંબર જૈન ન હોત.
એસ્થર સોલોમન