કુમાર વ્યાસ (જ. 1430, ગદગુ, જિ. ધારવાડ) : કન્નડના પ્રતિભાવાન કવિ. તેઓ પંડિતોની સાથે સાથે સામાન્ય જનતાના પણ પ્રિય કવિ હતા. એમનું ‘મહાભારત’ આજે પણ કર્ણાટકના ગામેગામમાં વંચાય છે અને ગવાય છે.
કુમાર વ્યાસનું પોતાનું નામ હતું નારણપ્પા. ગદગુના ભગવાન વીર નારાયણના સાન્નિધ્યમાં તેમણે પોતાનું મહાકાવ્ય રચ્યું છે.
કુમાર વ્યાસ ભાગવત સંપ્રદાયના કવિ હતા. વ્યાસ મુનિના મહાભારત(દ્વૈપાયન વ્યાસનું મહાભારત)નાં 150 ‘સંધિઓ’ સાથે પ્રથમ દસ પર્વો ઉપરથી એમણે ભામિનીષટ્પદી છંદમાં 8,500 કડવાંમાં પોતાનું કાવ્ય રચ્યું છે. કથા મૂલ મહાભારત પ્રમાણે ચાલે તો છે પણ કવિએ પોતાની પ્રતિભા વડે તેમાં કેટલાંક પરિવર્તનો કર્યાં છે. કન્નડ મહાભારતના નાયક શ્રીકૃષ્ણ જ છે. તે કન્નડ ભારત અથવા ગદગિના ભારત તરીકે લોકપ્રિય છે. તેમની ભાષાસંપત્તિ તથા આલંકારિક શૈલીને કારણે એમને ‘રૂપક ચક્રવર્તી’ માનવામાં આવે છે.
કન્નડ ભાષાના આધુનિક રાષ્ટ્રકવિ કુવેપુએ પોતાની એક કવિતામાં કુમાર વ્યાસની કવિત્વશક્તિ વિશે પ્રશંસા કરી છે. તેનો સાર નીચે મુજબ છે :
‘કુમાર વ્યાસ ગાવા લાગે તો કલિયુગનો દ્વાપરયુગ થઈ જાય છે, મહાભારત આંખો સામે નાચવા લાગે છે અને આખા શરીરમાં વીજળી દોડે છે.’ ઇત્યાદિ ઇત્યાદિ.
એચ. એસ. પાર્વતી