કુમારપ્પા, જે. સી. (જ. 4 જાન્યુઆરી 1892, તંજાવુર, તામિલનાડુ; અ. 30 જાન્યુઆરી 1960, ગાંધીનિકેતન આશ્રમ, કલ્લુપરી, જિ. મદુરાઈ) : વિખ્યાત ગાંધીવાદી અર્થશાસ્ત્રી, રચનાત્મક કાર્યકર તથા પાયાની કેળવણીના પ્રખર હિમાયતી. મધ્યમ વર્ગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ. પિતા એસ. ડી. કૉર્નેલિયસ જાહેર બાંધકામ ખાતામાં અધિકારી. માતાનું નામ એસ્થર રાજનાયકમ્. તેમનું ભારતીય નામ ચેલ્લાદુરાઈ હતું. પણ નિકટતમ વર્તુળમાં ચેલ્લી તરીકે ઓળખાતાં હતાં. ખ્રિસ્તી નામ જોસેફ કૉર્નેલિયસ હતું. અમેરિકાની સિરૅક્યૂસ યુનિવર્સિટીના બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન વિષયના સ્નાતક (1928) તથા કોલંબિયા યુનિવર્સિટીના એમ. એ. (1929). સ્વદેશ આવી મુંબઈમાં ઑડિટર તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. મહાત્મા ગાંધીની વિચારસરણીના પ્રભાવ હેઠળ આવતાં ટૂંક સમયમાં વ્યવસાય બંધ કર્યો અને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા (1929-31). ભારતમાં વિદેશી શાસનનાં અનિષ્ટો ખુલ્લાં પાડવા બદલ 1931માં કારાવાસ ભોગવ્યો. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેના આર્થિક સંબંધોનો અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરવા રાષ્ટ્રીય કૉંગ્રેસ દ્વારા તેમની નિયુક્તિ થઈ હતી. તેમણે ગુજરાતના ગ્રામવિસ્તારોની તથા તે વખતના મધ્યપ્રાંતની ઔદ્યોગિક મોજણી કરી હતી.

જે. સી. કુમારપ્પા

તેમના ‘ઇકૉનોમિક એક્સપ્લૉઇટેશન ઑવ્ ઇન્ડિયા બાય ધ બ્રિટિશ’ શીર્ષક હેઠળના મહાનિબંધથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે તે ‘યંગ ઇન્ડિયા’માં પ્રકાશિત કર્યો હતો. ગાંધીજીની ગેરહાજરીમાં આ સામયિકનું સંપાદનકાર્ય કુમારપ્પા કરતા હતા.

ગાંધીજીની આર્થિક વિચારસરણીનું વૈજ્ઞાનિક અર્થઘટન કરી ભારતની વિશિષ્ટ પરિસ્થિતિમાં તેની આવશ્યકતા અને વ્યાવહારિકતાની તેમણે જોરદાર હિમાયત કરી હતી. ગૃહઉદ્યોગોના તેઓ સંનિષ્ઠ પુરસ્કર્તા હતા. તેમણે ઑલ ઇન્ડિયા વિલેજ ઇન્ડસ્ટ્રિઝ ઍસોસિયેશનના પ્રમુખ હતા. 1951ના અરસામાં તેમણે ચીન ગણરાજ્યની મુલાકાત લીધી હતી.

સમયપાલનના તથા સત્યવચનના તેઓ ર્દઢ આગ્રહી હતા. એમણે પોતાની જીવનની દરેક પળ રાષ્ટ્ર-સેવા માટે અર્પણ કરી હતી. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હતું.

ખ્રિસ્તી ધર્મ અંગે તેમણે બે પુસ્તકો લખ્યાં હતાં : (1) પ્રૅક્ટિસ ઍન્ડ પ્રીસેપ્ટ્સ ઑવ્ જેસસ’ અને (2) ક્રિશ્ચિયાનિટી, ઇટ્સ ઇકૉનૉમી ઍન્ડ વે ઑવ્ લાઇફ’.

તેમણે કુલ 18 પુસ્તકો લખ્યાં છે. તેમાંથી ‘વ્હાય ધ વીલેજ મૂવમેન્ટ ?’, ‘ઇકૉનૉમી ઑવ્ પરમેનન્સ’, ‘ગાંધીયન ઇકૉનોમિક થોટ’ તથા ‘સ્ટોન વૉલ્સ ઍન્ડ આયર્ન બાર્સ’ વિશેષ ઉલ્લેખનીય છે. 1992માં દેશભરમાં અને વિશેષ કરીને ગુજરાતમાં તેમની જન્મશતાબ્દી ઊજવાઈ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે