કુમારપાળ (શાસનકાળ : 1142-1172) : ગુજરાતના સોલંકી વંશનો મહાન રાજવી અને જૈન ધર્મનો પ્રસિદ્ધ પ્રભાવક. એ ભીમદેવ બકુલાદેવીના પ્રપૌત્ર ત્રિભુવનપાલનો જ્યેષ્ઠ પુત્ર હતો. સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકાર કુમારપાળને મળ્યો, ત્યારે એ 50 વર્ષની પ્રૌઢ વયનો હતો. એને ગાદી અપાવવામાં મદદ કરનાર બનેવી કૃષ્ણદેવ આપખુદ બનતાં એને શિક્ષા કરી. શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ કુમારપાળનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે. અર્ણોરાજે પોતાની પુત્રી જલ્હણા કુમારપાળને પરણાવી. એ પહેલાં પણ કુમારપાળે અર્ણોરાજને હરાવ્યો લાગે છે. પહેલી ચડાઈના અંતે એણે પોતાની બહેન દેવલદેવી અર્ણોરાજ વેરે પરણાવેલી. બીજી ચડાઈ 1150-51માં થઈ લાગે છે. આબુનો પરમાર રાજા વિક્રમસિંહ બેવફા નીવડતાં કુમારપાળે એને પદભ્રષ્ટ કરી એનું રાજ્ય એના ભત્રીજા યશોધવલને સોંપ્યું. શાકંભરીના વિજય પછી કુમારપાળના સૈન્યે માળવાના રાજા બલ્લાલને હરાવ્યો. ચાહમાન રાજા અર્ણોરાજના પુત્ર રાજા વીસલદેવે સોલંકી રાજ્યનું આધિપત્ય ફગાવી દીધું. પરંતુ વીસલદેવનો પુત્ર સોમેશ્વર શાકંભરીનો રાજા થતાં ચાહમાનો અને સોલંકીઓ વચ્ચેના સંબંધ સુધર્યા. સોલંકી રાજ્યની દક્ષિણ સીમા હવે કોંકણ સુધી પ્રસરેલી હોઈ કુમારપાળને ઉત્તર કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુન સાથે સંઘર્ષ થયો. મંત્રી આંબડની આગેવાની નીચે ગયેલા સોલંકી સૈન્યે યુદ્ધભૂમિ પર મલ્લિકાર્જુનનું શિર છેદી નાખ્યું. કુમારપાળનું આ છેવટનું પરાક્રમ હતું. હેમચંદ્રાચાર્યે પ્રાકૃત ‘દ્વયાશ્રય’માં કુમારપાળનું ચરિત્ર નિરૂપ્યું છે ને તેમાં તેનો દિગ્વિજય વર્ણવ્યો છે. દિગ્વિજયવર્ણનની કેટલીક વિગતો કવિકલ્પિત છે, છતાં અભિલેખોના શ્રદ્ધેય પુરાવા પરથી માલૂમ પડે છે કે કુમારપાળ સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદેપુર (માળવા) વગેરે પ્રદેશો પર શાસન કે આધિપત્ય ધરાવતો હતો.
કુલધર્મ અનુસાર કુમારપાળ શિવનો ઉપાસક હતો. એના અનેક અભિલેખોમાં એને ‘ઉમાપતિવરલબ્ધપ્રસાદ’ કહ્યો છે. પરમ આર્હત ઉદયન મંત્રી તથા હેમચંદ્રાચાર્યના સંપર્ક દ્વારા એ જૈન ધર્મમાં પણ અનુરાગ ધરાવતો. 1160માં એણે જૈન ધર્મ અંગીકાર કર્યો હોવાનું મનાય છે. યશ:પાલ-કૃત ‘મોહરાજપરાજય’ નાટકમાં આ પ્રસંગ નિરૂપાયો છે. હવે કુમારપાળે માંસ, મદ્ય, દ્યુત, પરદારા, ચૌર્ય ઇત્યાદિના ત્યાગનાં વ્રત લીધાં તેમજ પોતાના રાજ્યમાં અમારિ (હિંસા-નિષેધ)ની ઘોષણા કરાવી એવી પણ અનુશ્રુતિ છે. 1160 પછીનાં કેટલાંક લખાણોમાં કુમારપાળને ‘ઉમાપતિલબ્ધવરપ્રૌઢપ્રતાપ’ કહ્યો છે, તો બીજાં કેટલાંક લખાણોમાં ‘પરમ આર્હત’ કે ‘પરમ શ્રાવક’ પણ કહ્યો છે. આ પરથી એ બંને ધર્મોમાં અનુરાગ ધરાવતો હોવાનું ફલિત થાય છે. કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો ને અણહિલવાડમાં શિવાલય બંધાવ્યું. વળી રાજધાનીમાં કુમારપાળ-વિહાર તથા ત્રિભુવન-વિહાર વગેરે અનેક જૈન વિહાર પણ કરાવ્યા. રાજ્યમાં તેમજ રાજ્ય બહાર ઠેકઠેકાણે એણે જૈન ચૈત્ય કરાવ્યાં કહેવાય છે. શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોમાં કુમારપાળે વિહાર કરાવ્યા મનાય છે. તારંગા પરનું અજિતનાથ ચૈત્ય કુમારપાળે બંધાવેલું. કુમારપાળ જૈન ધર્મના પ્રભાવક તરીકે નામાંકિત છે.
કુમારપાળે નિ:સંતાન વિધવાનું ધન લઈ લેવાનો ક્રૂર ચાલ બંધ કરી રાજ્યની આવક જતી કરી. કુમારપાળ પછી એનો ભત્રીજો અજયપાલ ગાદીએ આવ્યો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી