કુમારપાલચરિયં (કુમારપાલચરિત) (બારમી સદીનો ઉત્તરાર્ધ) : પરમાર્હત કુમારપાળની એક દિવસની જીવનચર્યાનું પ્રાકૃત ભાષામાં કરેલું કાવ્યાત્મક વર્ણન. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે તેમાં શિરમોર સમાન છે, તેમનું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. પોતાના આ મહાવ્યાકરણના પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ તેમણે સૂત્રોમાં આપ્યું છે. આ વ્યાકરણ-સૂત્રોમાં પ્રતિપાદિત કરેલા નિયમોનાં ઉદાહરણો રજૂ કરવા તેમણે એક અનોખો માર્ગ અપનાવ્યો. તેમણે ‘દ્વયાશ્રય’ મહાકાવ્યની રચના કરી અને તેમાં તેમણે નામ પ્રમાણે બેવડો ઉદ્દેશ રાખ્યો – એક તરફ સોલંકીવંશી રાજાઓના જીવનચરિતનું આલેખન અને સાથે સાથે જ સંસ્કૃત-પ્રાકૃત શબ્દોનાં ઉદાહરણોનું પ્રસ્તુતીકરણ.
‘દ્વયાશ્રય’ના બે ભાગ છે : પ્રથમ ભાગ સંસ્કૃત ભાષાબદ્ધ છે અને તેના 20 સર્ગ છે. તેમાં સિદ્ધહેમના પ્રથમ 7 અધ્યાયોમાં વર્ણિત સંસ્કૃત વ્યાકરણના નિયમો અનુસારના સંસ્કૃત શબ્દોનો પ્રયોગ કરતાં કરતાં સોલંકી વંશના રાજા મૂળરાજથી લઈ જૈન ધર્માનુરાગી રાજા કુમારપાળ સુધીના ઇતિહાસનું આલેખન કરાયું છે. બીજા ભાગમાં 8 સર્ગ છે. તેમાં સિદ્ધહેમના આઠમા અધ્યાયમાંનાં પ્રાકૃત વ્યાકરણનાં ઉદાહરણોને ગૂંથી લઈ ‘કુમારપાલચરિયં’ રચાયું છે.
આથી આ બીજા ભાગને ‘કુમારપાલચરિયં’ નામ આપવામાં આવ્યું છે. પ્રાકૃત ‘દ્વયાશ્રય’ તરીકે પણ તે ઓળખાય છે.
પ્રથમ સર્ગ અણહિલપુર પાટણના કાવ્યાત્મક વર્ણન કુમારપાળ પ્રાત:કર્મ પતાવી વ્યાયામશાળામાં આવે છે. બીજા સર્ગના પ્રારંભમાં વ્યાયામનું વિસ્તારપૂર્વક વર્ણન છે. વ્યાયામથી નિવૃત્ત થઈ રાજા જિનદર્શનાર્થે પધારે છે. શાસનદેવીના પ્રભાવથી રાજાના ઉદ્યાનમાં છએ ઋતુઓનાં પુષ્પો ખીલી ઊઠે છે. ત્રીજા સર્ગથી છ ઋતુઓનું વર્ણન શરૂ થાય છે. મધ્યાહ્નવિશ્રામ પછી રાજા ઉદ્યાનક્રીડા માટે જાય છે. ત્યાં વસંતની શોભા જુએ છે. ચોથા સર્ગમાં ગ્રીષ્મ અને રાજાની જળક્રીડાનું વર્ણન કવિએ કર્યું છે. પાંચમા સર્ગમાં વર્ષા, શરદ, શિશિર અને હેમન્ત ઋતુઓનું કાવ્યાત્મક વર્ણન આવે છે. કુમારપાળ ઉદ્યાનની આ મનોરમ શોભા જોઈને મહેલમાં પાછો ફરે છે અને સાંધ્ય કાર્યોથી નિવૃત્ત થાય છે. છઠ્ઠા સર્ગના પ્રારંભમાં ચન્દ્રોદયનું વર્ણન આવે છે. ચન્દ્રોદયની શોભા જોતો કુમારપાળ મંડપિકામાં બેઠો છે ત્યારે પુરોહિત મંત્રપાઠ કરે છે. આ પછી રાજાનો દરબાર ભરાય છે જેમાં શેઠ, સાર્થવાહ આદિ નગર-અગ્રણીઓ ઉપસ્થિત થાય છે. અહીં સંધિવિગ્રહક દ્વારા રાજાની સેનાએ જીતી લીધેલા વિવિધ પ્રદેશોની જાણ કરવામાં આવે છે. પોતાના રાજ્યની પ્રગતિનો વૃત્તાંત જાણી છેલ્લે રાજા શયન માટે જાય છે. સાતમા સર્ગમાં રાજાએ કરેલા પરમાર્થ-ચિંતનનું વર્ણન છે. રાજાની સ્તુતિથી પ્રગટ થયેલ શ્રુતદેવીએ કરેલ આ ઉપદેશ વિસ્તારથી વર્ણવાયો છે. સિદ્ધહેમના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ઉપરાંત અપભ્રંશનું વિવરણ છે. કુમારપાલચરિયંના આઠમા સર્ગમાંનો સરસ્વતીનો ઉપદેશ અપભ્રંશ ભાષામાં વર્ણવાયો છે.
આચાર્ય હેમચન્દ્રે સંસ્કૃત મહાકાવ્યની પરિપાટી અનુસાર આ મહાકાવ્યની રચના કરી છે. પરંતુ તેમાં કથાનક પાંખું છે અને તેનો બીજો ઉદ્દેશ પોતાના વ્યાકરણમાં આપેલા નિયમોના ઉદાહરણરૂપ શબ્દોનાં રૂપો તે જ ક્રમે નિરૂપવાનાં હોઈ કવિને ઘણી મર્યાદાનો સામનો કરવો પડ્યો છે. છતાં આચાર્ય હેમચન્દ્રની પ્રતિભાની ઝલક આમાં પણ જોવા મળે છે. સુંદર મનોહર વર્ણનો, ઉપમા, ઉત્પ્રેક્ષા, ર્દષ્ટાંત, દીપક, અતિશયોક્તિ, રૂપક આદિ અનેક અલંકારોની રમ્ય યોજના, વિવિધ માત્રામેળ અને અક્ષરમેળ છંદોનો પ્રયોગ વગેરેથી કુમારપાલચરિત્ર વિશિષ્ટ કાવ્ય બની રહ્યું છે. શૃંગાર અને વીરરસની અત્રતત્ર જમાવટ કરી કવિ કાવ્યનું શાંતરસમાં સમાપન કરે છે. કાવ્યાત્મક મહત્વ ધરાવતું હોવાં ઉપરાંત ‘કુમારપાલચરિયં’નું પ્રાકૃત ભાષા અને વ્યાકરણની ર્દષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. પ્રથમ સર્ગથી શરૂ કરી સાતમા સર્ગની ત્રાણુંમી ગાથા સુધી મહારાષ્ટ્રી પ્રાકૃતના નિયમો અનુસાર સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદ, કૃદન્ત વગેરેનાં ઉદાહરણો અને પછી શૌરસેની, પૈશાચી, ચૂલિકા પૈશાચી જેવાં પ્રાકૃતના અન્ય પ્રકારો અને અંતે અપભ્રંશનાં ઉદાહરણો મળે છે. તેમાં એટલાં બધાં પ્રાકૃત શબ્દરૂપોનો પ્રયોગ થયેલો છે કે સમગ્ર કાવ્ય પ્રાકૃતના શબ્દકોશ સમાન બની ગયું છે. આ ઉપરાંત તત્કાલીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી અનેક વિગતો માટે પણ તેનું મૂલ્ય ઊંચું છે.
રમણિકભાઈ મ. શાહ