કુમારદેવી : વૈશાલીના પ્રાચીન પ્રજાતંત્ર રાજ્ય લિચ્છવી કુળની રાજકુમારી. કુમારદેવી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા(લગભગ ઈ. સ. 319થી 330)ની પટ્ટમહિષી હતી. લિચ્છવી રાજકુમારી સાથેના ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન બાદ ગુપ્ત સામ્રાજ્યના ઉત્કર્ષનો પ્રારંભ થયો. આથી આ ઘટનાનું ઇતિહાસમાં વિશેષ મહત્વ છે. સમુદ્રગુપ્તના અલ્લાહાબાદ પ્રશસ્તિલેખમાં એ કુમારદેવીનો પુત્ર હોઈ એને ‘લિચ્છવીઓનો દૌહિત્ર’ કહ્યો છે.

ચંદ્રગુપ્ત પહેલાના સુવર્ણના એક સિક્કાના અગ્રભાગ ઉપર રાજારાણીની ઊભી આકૃતિઓ છે. રાજા રાણીને કંઈ ભેટ  પ્રાય: વીંટી આપતો હોય તેમ જણાય છે. અગ્રભાગ પર રાજાનું નામ ‘ચંદ્રગુપ્ત’ અને રાણીનું નામ ‘શ્રી કુમારદેવી’ તથા પૃષ્ઠભાગ પર સિંહવાહિની દેવીની આકૃતિ અને લિચ્છવીઓના નામનિર્દેશ છે. આ પરથી ચંદ્રગુપ્તે લિચ્છવી કુલની કુમારદેવી સાથે લગ્ન કર્યું હોવાનું તેમજ એના ભાગ્યોદયમાં લિચ્છવીઓ સાથેના એ સંબંધનો મહત્વનો ફાળો હોવાનું સૂચિત થાય છે.

ભારતી શેલત