કુમારગુપ્ત 3જો (ઈ. સ. 508-509) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્ત પછી મિત્રદેવીથી ઉત્પન્ન થયેલો તેમનો પુત્ર. આ રાજવીની માટીની મુદ્રાઓ નાલંદામાંથી અને ધાતુ-મુદ્રા ભીતરીમાંથી ઉપલબ્ધ થઈ છે. એમના સુવર્ણના સિક્કા પર ‘શ્રી ક્રમાદિત્ય’ એવું એમનું બિરુદ મળે છે. અગાઉના ગુપ્ત સમ્રાટોના સિક્કાની અપેક્ષાએ આ રાજાના સુવર્ણના સિક્કાનું વજન વધારે હતું પરંતુ તેમાં સુવર્ણની માત્રા ઓછી થતી ગઈ. ભીતરી રાજમુદ્રામાં કુમારગુપ્ત(3જા)ને ‘પરમભાગવત’ કહ્યો છે. આથી તેઓ વૈષ્ણવ ધર્મના અનુયાયી હોવાનું માલૂમ પડે છે. આ રાજાની બંને પ્રકારની મુદ્રાઓ પરથી એમનું રાજ્ય પૂર્વી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં હોવાનું સમજાય છે.

‘મંજુશ્રી-મૂલકલ્પ’ અનુસાર બાલ(બાલાદિત્ય)ના પુત્ર કુમાર (કુમારગુપ્ત) અત્યંત ધાર્મિક અને ગૌડના મહાન શાસક હતા. હ્યુ-એન-સાંગના કથનાનુસાર બાલાદિત્યનો ઉત્તરાધિકારી વજ્ર હતો, જેણે એક સંઘારામ બનાવ્યો હતો. આ વજ્ર કુમારગુપ્ત ત્રીજો હતો કે એમનો ઉત્તરાધિકારી એ નિશ્ચિત થયું નથી.

ભારતી શેલત