કુમારગુપ્ત 2જો (ઈ. સ. 473થી ઈ. સ. 476) : ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત કે પુરુગુપ્ત પછી સિંહાસનારૂઢ થયેલો રાજવી. સારનાથની બૌદ્ધ પ્રતિમાની પીઠિકા પર કોતરેલો તેમનો એકમાત્ર અભિલેખ ઉપલબ્ધ છે, જેમાં ગુપ્ત સંવત 154(ઈ. સ. 473)માં એમનું શાસન હોવાનો ઉલ્લેખ છે. આ લેખમાં રાજાની વંશાવળી આપી નથી. સંભવત: એ સ્કંદગુપ્તનો પુત્ર હોય અથવા જો સ્કંદગુપ્ત બાદ થોડા સમય દરમિયાન પુરુગુપ્ત શાસક બન્યો હોય તો એ પુરુગુપ્તનો પુત્ર હોય.

કુમારગુપ્ત બીજાના 18 જેટલા ધનુર્ધારી સિક્કા બ્રિટિશ મ્યુઝિયમમાં અને બે સિક્કા ઇન્ડિયન મ્યુઝિયમમાં છે. આ સિક્કાના અગ્રભાગમાં ધનુર્ધારી રાજાની આકૃતિ कु. અને પૃષ્ઠભાગમાં લક્ષ્મી દેવીની આકૃતિ તેમજ क्रमादित्य એવું લખાણ મળે છે. કુમારગુપ્ત બીજાના સમકાલીન પરિવ્રાજક મહારાજા હસ્તિન્ના ખોહ દાનશાસન(ઈ. સ. 475)માં ગુપ્ત રાજવીઓના સાર્વભૌમત્વનો નિર્દેશ છે. કુમારગુપ્ત બીજાના સમયના માલવ સંવત 529 (ઈ. સ. 472-73)ના મંદસોર શિલાલેખમાં ‘कुमारगुप्ते पृथिवी प्रशासति’ એવો નિર્દેશ આવે છે. આ શિલાલેખ પણ આ રાજાના સાર્વભૌમત્વનો નિર્દેશ કરે છે. એમનો રાજ્યકાળ અત્યંત અલ્પ હતો. તેમના પછી ઈ. સ. 477માં બુધગુપ્ત શાસક બન્યો હોવાનું બુધગુપ્તના સારનાથ પ્રતિમાલેખ પરથી જણાય છે.

ભારતી શેલત