કુમારગુપ્ત 1લો (આશરે ઈ. સ. 415થી 456) : મગધના ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ. મહેન્દ્રાદિત્ય તરીકે પણ તે ઓળખાતા. પિતા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, માતા ધ્રુવદેવી. વારસામાં મળેલ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખ્યું. તેમના સિક્કા પર કુમાર કાર્તિકેયની છાપ છે. સિક્કાના અગ્રભાગ પર મોરને ચણ આપતા રાજાની છાપ છે. પૃષ્ઠભાગ પર કાર્તિકેય મયૂરારૂઢ છે. લખાણમાં મહેન્દ્રાદિત્ય બિરુદ છે. તેમના સિક્કામાં ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. તેમના સિક્કા પર રાજારાણી, વ્યાઘ્રનિહન્તા, અશ્વમેધ, વીણાવાદક, ધનુર્ધારી, અશ્વારોહી, છત્રધારી, સિંહનિહન્તા, ખડ્ગધારી, ગજારૂઢ, ગરુડ વગેરે અનેક પ્રકારની આકૃતિઓ જોવા મળે છે. તેમણે મહેન્દ્ર, અજિતમહેન્દ્ર, સિંહમહેન્દ્ર કે મહેન્દ્રસિંહ વ્યાઘ્રબલપરાક્રમ મહેન્દ્રગજ, સિંહનિહન્તા, મહેન્દ્રખડ્ગ, અશ્વમેધ-મહેન્દ્ર, મહેન્દ્રકુમાર, મહેન્દ્રાદિત્ય, અપ્રતિધ ઇત્યાદિ અનેક બિરુદો ધારણ કરેલાં એમના લેખોમાં મળે છે. તેમના રાજ્યકાલ દરમિયાન ચાંદીના સિક્કા મોટી સંખ્યામાં બન્યા હતા. ગુજરાતમાંથી એમના ચાંદીના સિક્કા ખૂબ પ્રમાણમાં મળે છે. એમના સંખ્યાબંધ સિક્કામાં ‘પરમ ભાગવત મહારાજાધિરાજ શ્રી કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય’ એમ લખાણ છે.
તેમના રાજચિહન તરીકે ગરુડ હતું. તેમના ચાંદીના સિક્કા મધ્યપ્રદેશ(ગંગા ખીણ)માં પ્રચલિત હતા. એમાં રાજચિહન તરીકે મોર જોવા મળે છે. આ રાજાના ચાંદીના ઢોળવાળા તાંબાના સિક્કા મળે છે તેમજ શિલાલેખો અને તામ્રલેખો પણ મળે છે. લેખો ઉત્તરપ્રદેશ, બંગાળ, માળવામાંથી મળ્યા છે. એમના સમયમાં માળવાનું પાટનગર દશપુર (મંદસોર) હતું. ત્યાં બંધુવર્મા નામે સામંત રાજ્ય કરતો, એમના સમયમાં પટ્ટવાયો(પટોળાં વણનારાઓ)ની શ્રેણી તરફથી ઈ. સ. 436માં સૂર્યનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું. શિલ્પીઓ લાટ(ગુજરાત)થી આવેલા. તેમના રાજ્યકાલના છેવટના ભાગમાં સામ્રાજ્ય પર શત્રુના આક્રમણનો ઉપદ્રવ થયો. આ આક્રમણ કરનાર ઘણું કરીને પુષ્યમિત્રો હતા. આ આક્રમકો વિપુલ સૈન્ય-શક્તિ તથા કોશ-શક્તિ ધરાવતા હોઈ ગુપ્ત સમ્રાટની કુલલક્ષ્મી ભયમાં મુકાઈ. એમના યુવાન પુત્ર સ્કન્દગુપ્તે એમનો સામનો કર્યો. એમ કરતાં આખી રાત ખુલ્લી ભોંય પર ગાળી. અથાગ પરિશ્રમ પછી એમને સફળતા મળી. તેમના શત્રુઓએ એમનાં વખાણ કરેલાં. આ બનાવ પછી તેઓ પાછા ફર્યા. ત્યારબાદ કુમારગુપ્ત દેવલોક પામ્યા.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી