કુબેર : ધનાધ્યક્ષ અને યક્ષ-રાક્ષસ ગુહ્યકોના અધિપતિ. ઉત્તર દિશાના લોકપાલ. એનું એક નામ સોમ છે તેથી ઉત્તર દિશા સૌમ્યા કહેવાય છે. વિશ્રવા ઋષિ અને માતા ઇલવિલાના પુત્ર છે, તેથી વૈશ્રવણ અને ઐલવિલ નામોથી ઓળખાય છે. તેની પત્નીનું નામ ભદ્રા. શરીર અત્યંત બેડોળ. ત્રણ ચરણ, આઠ દાંત સાથે જન્મેલ. ડાબી આંખ કાણી અને જમણી પિંગળી, તેથી એકાક્ષપિંગળી કહેવાય છે. ઉત્તર દિશામાં યક્ષલોકમાં નિવાસ. અલકાનગરી અને સૌગંધિક વન તેનાં છે. તેમાં તેનો એકસો યોજન લાંબો અને સિત્તેર યોજન પહોળો પ્રાસાદ છે. તેમાં તે અનેક સ્ત્રીઓ, નિધિપ્રવરો, શંખ અને પદ્મ તેમજ અન્ય સર્વ નિધિઓથી વીંટાઈને પદ્માસન પર બેસે છે.

કુબેર

એ નરયાન(પાલખી)માં ફરે છે તેથી તેનું નામ નરવાહન છે. કુબેરે તપ કરી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કુબેરને દેવત્વ, ધનાધ્યક્ષત્વ, નલકુબર નામનો પુત્ર, લોકપાલત્વ, યક્ષાધિપત્ય, પુષ્પક વિમાન અને લંકા નગરી આપ્યાં. સાવકા ભાઈ રાવણે યુદ્ધ કરી લંકા અને પુષ્પક પડાવી લીધાં. કુબેરે તપ કરેલું ત્યાં કૌબેરતીર્થ થયું. તેને મણિગ્રીવ નામે બીજો પુત્ર હતો. કુબેરે અર્જુનને અન્તર્ધાનાસ્ત્ર આપેલું.

જૈન અનુગમમાં તેની એક દિક્પતિ તરીકે પૂજા થાય છે. વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે અનુગમોમાં તેની સ્વતંત્ર તેમજ દિક્પાલ તરીકે બેસાડેલી પ્રતિમાઓ મળે છે.

ઉ. જ. સાંડેસરા