કુબલાઈખાન (જ. 23 સપ્ટેમ્બર 1215, મુધલ એમ્પાયર; અ. 18 ફેબ્રુઆરી 1294, ખાનબાલિક) : તેરમી સદીનો ચીન અને આજુબાજુના વિશાળ પ્રદેશનો મહાન સમ્રાટ. ચીનમાં ઈ.સ. 1259માં યુઆન વંશની સ્થાપના કરનાર કુબલાઈખાન, ઉત્તર ચીનની પશુપાલક મંગોલ જાતિના વીર પુરુષ ચંગીઝખાનનો પ્રતાપી પૌત્ર હતો. દાદા ચંગીઝખાન, પિતા ઓગતાઈખાન અને ભાઈ મંગુખાને મંગોલ સામ્રાજ્યને યુરોપના દેશોમાં ફેલાવ્યું હતુ. મંગુખાનના અવસાન પછી ઈ.સ. 1259માં કુબલાઈખાન ચીનનો ‘ખાનમહાન’ બન્યો. ચીન, પર્શિયા, રુસ અને સાઇબીરિયા એ ચારેય મંગોલ રાજ્યો તેનું આધિપત્ય સ્વીકારતાં હતાં.

કુબલાઈખાન

તે ઘણો સમય ચીનમાં રહ્યો હોવાથી, ચીન માટે તેને દિલચસ્પી હતી. તેણે તેના સામ્રાજ્યની રાજધાની કારાકોરમથી ખસેડીને પેકિંગમાં રાખી અને પેકિંગનું નામ ‘ખાબલિક’ અથવા ‘ખાનકાનગર’ રાખ્યું. તેની યુદ્ધ-પદ્ધતિમાં જોરજુલમનું પ્રમાણ ઓછું હતું. તેથી તે ચીનમાં પ્રિય બન્યો હતો. તેણે તાંકિંગ, અનામ, બર્મા વગેરેને પોતાના રાજ્યમાં ભેળવી દીધાં હતાં. તેણે જાવા, જાપાન અને મલેશિયા જીતવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ મંગોલોને સમુદ્રયાત્રાની આદત ન હોવાથી તે પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. તેમ છતાં છેલ્લો સંગ શાસક તેની સામે નૌકાયુદ્ધમાં હાર્યો હતો.

તેણે પોતાની ત્રીસીમાં જ સંપૂર્ણ દીવાની અને લશ્કરી સત્તા પ્રાપ્ત કરી. તે શક્તિશાળી સેનાપતિ, પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવનાર અને દૂરંદેશી હતો તથા કલ્પનાશીલ રાજનીતિજ્ઞ હતો. દક્ષિણ રશિયાથી ઈરાન સુધી અને ત્યાંથી ચીન પ્રદેશ જીતી લેનાર અને ચીનનો સમ્રાટ બનનાર, ચીનમાં સમૃદ્ધિ લાવનાર અને ચીની પ્રજાનો સહકાર મેળવનાર મહાન રાજવી હતો. ચીનાઓએ વિદેશી અને સાંસ્કૃતિક રીતે પછાત પ્રજાને સહકાર આપ્યો તે કુબલાઈખાનની સિદ્ધિ ગણાય. ચીનાઓ વિચારોમાં ચડિયાતા છે એવો નિખાલસ સ્વીકાર તેણે કર્યો અને ચીની સલાહકારો મેળવ્યા. તેણે ઉદારતા બતાવી શાસક અને પ્રજા વચ્ચે મીઠા સંબંધો સ્થાપ્યા, જેને કારણે ચંગીઝખાનની સરખામણીમાં કુબલાઈની રીત-રસમો ઉદાર અને સંસ્કારી ગણાય.

તેણે વહીવટ માટે શાણા ચીની સલાહકારોની સેવા મેળવેલી, કેમ કે તે માનતો કે ઘોડા ઉપર સવાર થઈને સામ્રાજ્ય જીતી શકાય, પણ ઘોડેસવારી કરીને રાજ્ય ચલાવી ન શકાય.

1271થી ચીનના પેકિંગમાં રહેવાનું શરૂ કર્યું. ચીનની એકતા તેણે સિદ્ધ કરી. એટલે જ ચીનમાં તેનું નામ આદરથી લેવાય છે. તેણે મ્યાનમાર, અમાન, ચંપા, ઇન્ડોચાઇના, જાવા પાસેથી ખંડણી ઉઘરાવી હતી. જાપાનની સમૃદ્ધિથી આકર્ષાઈ તેને જીતવાની મહેચ્છાઓ સેવેલી. આ હેતુથી 1274-1281ના ગાળા દરમિયાન નૌકાકાફલો પણ રવાના કર્યો, પણ મોટું નુકસાન થયું.

કુબલાઈખાને વિનિમયના માધ્યમ તરીકે કાગળનું નાણું ચાલુ કર્યું, કેમ કે વધતા વ્યાપાર માટે પૂરતું તાંબું મળતું ન હતું. વિશ્વસમ્રાટ તરીકેનો આદર્શ હોવા છતાં તેને મોજ-મજા અને શિકારમાં રસ હતો. તેના અધિકારીઓ પર પૂરતું નિયંત્રણ નહોતું અને ક્યારેક તેમની સાથે ઘાતકીપણું આચરી બેસતો.

કુબલાઈખાનને ચીનની કલા, સાહિત્ય અને ધર્મ માટે ઊંડો પ્રેમ હતો. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. તે વિદેશી યાત્રીઓને ખાસ પ્રોત્સાહન આપતો. તેણે તેના દરબારમાં વેનિસના બે વેપારીભાઈઓ, નિકોલો પોલો અને મેફિયો પોલોને સન્માનપૂર્વક રાખ્યા હતા. તેમણે ખાનને યુરોપ, ખ્રિસ્તી ધર્મ, પોપ વગેરે અંગે માહિતી આપી હતી. ઈ.સ. 1271માં બંને ભાઈઓ સ્વદેશ જઈ ચીનમાં પરત આવ્યા ત્યારે નિકોલો પોલોના જુવાન પુત્ર માર્કો પોલોને પણ સાથે લેતા આવ્યા હતા. માર્કો પોલો ચીનમાં રહીને મંગોલ ભાષા અને ચીની ભાષા શીખીને ખાનનો પ્રિય બન્યો. તેને ચીનનો હાકેમ બનાવવામાં આવ્યો. તે સરકારી કામ અર્થે ચીનના દરેક વિસ્તારમાં ફર્યો હતો. 17 વર્ષ સુધી ખાનની નોકરી કર્યા પછી તે વેનિસ પાછો ગયો. તે પછી તે ‘વેનિસ-જીનોઆ’ યુદ્ધમાં કેદી તરીકે પકડાયો. જીનોઆની કેદમાં રહીને તેણે કુબલાઈખાનના સમયના ચીનનું વૈવિધ્યસભર વર્ણન કર્યું છે. ચિત્રકામ, રંગોળી, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, ચીનનાં મોટાં બંદરોનો દુનિયાના તમામ દેશો સાથેનો રેશમ, જરીનું કાપડ, દ્રાક્ષ વગેરે ચીજોનો વેપાર; સલામત રસ્તા; શાહી ફરમાનો પહોંચાડવા અંગેની હલકારાની ઝડપી વ્યવસ્થા; કાગળના સિક્કાનું ચલણ; બળતણ તરીકે કોલસાનો ઉપયોગ વગેરે બાબતોનું વર્ણન તેણે કર્યું છે. તેણે મનુષ્ય દ્વારા જગતમાં બંધાયેલ મહાન નગર, જેની બરોબરી માત્ર ‘કૉન્સ્ટેન્ટીનોપલ જ કરી શકે’ એમ કહીને પેકિંગની ભવ્યતા નિરૂપી છે.

તેરમી સદીના ઉત્તરાર્ધમાં ચીનના સાંસ્કૃતિક વિકાસમાં કુબલાઈખાનનો ફાળો નોંધપાત્ર હતો.

મહેશચંદ્ર પંડ્યા

વ્યંકટેશ તોપખાને