કુપ્કા, ફ્રૅન્ટિસૅક (જ. 23 સપ્ટેમ્બર 1871, ઓપો નો (opocono), બોહેમિયા (ચેક રિપબ્લિક); અ. 24 જૂન 1957, પુત્યા (Puteaux), ફ્રાંસ) : અમૂર્ત ચિત્રણાનો પ્રારંભ કરનાર પ્રણેતાઓમાંનો એક. અમૂર્ત ચિત્રણાનો પ્રસાર કરવામાં પણ તેનો ફાળો અગત્યનો છે.
પ્રાગ (Prague) અને વિયેના ખાતેની કલાશાળાઓમાં અભ્યાસ કર્યા પછી કુપ્કાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા એકૉલે દ બ્યુ આર્તે(Ecole des Beaux Arte)માં કલાનો વધુ અભ્યાસ કર્યો. આ પછી પણ તેણે પૅરિસમાં જ વસવાટ કર્યો. તેણે ફૉવવાદી અને બિંદુવાદી શૈલીએ ચિત્રો ચીતર્યાં, જેમાં દેખીતા વિશ્વની આકૃતિઓ જોવા મળે છે. 1912માં તેણે પોતાનું પ્રથમ સંપૂર્ણ અમૂર્ત ચિત્ર ‘ડિસ્કસ ઑવ્ ન્યૂટન’ ચીતર્યું. તેમાં વર્તુળાકારમાં ચિત્રિત રંગો દ્વારા તેણે વિશ્વની કોઈ પણ આકૃતિનું અનુકરણ કરવાનો પ્રયત્ન કર્યો નથી. આ પછીની ચિત્રકૃતિઓમાં પણ તેણે રંગીન ભૌમિતિક આકારો ચીતર્યાં. કુપ્કા અને દેલોને(Delaunay)ના આવાં અમૂર્ત ચિત્રોને એપોલિનેરે ‘ઑર્ફિઝમ’ નામ આપેલું.
અમિતાભ મડિયા