કુપેરિન, ફ્રાંસ્વા (Couperin Francois) (જ. 10 નવેમ્બર 1668, ફ્રાંસ; અ. 11 સપ્ટેમ્બર 1733, ફ્રાંસ) : ફ્રેંચ બરોક-સંગીતકાર. તરુણાવસ્થામાં જ એક ઉત્તમ ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. ફ્રેંચ રાજા લુઈ ચૌદમાએ પોતાનાં બાળકોના સંગીત-શિક્ષણની જવાબદારી કુપેરિનને સોંપી. તેમણે ઑર્ગન માટે સંખ્યાબંધ કૃતિઓ લખી. તેઓ એક ઉત્તમ હાર્પિસ્કૉર્ડ વાદક પણ બન્યા. આ વાજિંત્ર માટે તેમણે કન્સર્ટના રૂપમાં ઘણીબધી કૃતિઓ લખી. તેમાં તત્કાલીન ફ્રેંચ અને ઇટાલિયન શૈલીઓનો યોગ જોવા મળે છે.

ફ્રાંસ્વા કુપેરિન

તેમણે ત્રણ હાર્પિસ્કૉર્ડ માટે સાત ટ્રાયો સોનાટા લખ્યા. તેમાંથી ‘ધ નૅશન્સ’, ‘ધી એર્પોથિસિસ ઑવ્ કોરેલી’ તથા ‘ધ એર્પોથિસિસ ઑવ્ લલી’ આજે પણ વારંવાર વગાડવામાં આવે છે. તેમણે હાર્પિસ્કૉર્ડ વગાડવા માટે ભાષ્ય પણ લખ્યું છે. એકલ (solo) હાર્પિસ્કૉર્ડ માટે તેમણે 240 ટુકડા લખ્યા છે, જે પ્રત્યેક અલગ અલગ મનુષ્યના સ્વભાવો, બનાવો, પશુપંખીઓનાં વ્યક્તિત્વોનું (સંગીત વડે) નિરૂપણ કરે છે.

અમિતાભ મડિયા